શાકભાજી, તેલ અને ગેસના સતત વધતા જતા ભાવની અસર ઘરની અને રેસ્ટોરાંની જમવાની થાળી પર પડી છે. જીવનજરૂરી વસ્તુ ઉપરાંત પેટ્રોલ-ડીઝલની કિંમતોએ પરિસ્થિતિ ઓર વણસાવી છે. બધાં પરિબળોએ ભેગાં મળી ઘરની થાળી અને રેસ્ટોરાંની થાળીને લગભગ 20 ટકા સુધી મોંઘી બનાવી દીધી છે.
ગૃહિણીઓના મતે પહેલા બે ટાઇમનું શાકભાજી રૂ.90થી રૂ.100માં આવી જતું હતું, પણ હવે એટલા જ શાકભાજી માટે રૂ.120થી 130 સુધી ખર્ચવા પડે છે. સિંગતેલના ડબાનો ભાવ જાન્યુઆરીમાં 2300 આસપાસ હતો, જે વધીને 2800 વટાવી ગયો છે. રાંધણગેસ તેમજ પીએનજીના ભાવ પણ સતત વધ્યા છે.
ભાવવધારાની અસર માત્ર ઘરની થાળી પર જ પડી છે એવું નથી. ફાઈવસ્ટાર હોટલમાં જે ડિશ 750માં મળતી હતી એ 1150 સુધી પહોંચી ગઈ છે. ફિક્સ ગુજરાતી થાળીમાં પણ 1 મેથી 7 ટકા વધારો થઈ શકે છે, જ્યારે કેફે અને ટ્રેન્ડ રેસ્ટોરાંનું ફૂડ પણ 7થી 12 ટકા મોંઘું થવાની શક્યતા છે. જે દરે મોંઘવારી વધી છે એ પ્રમાણે લોકોની આવકમાં વધારો થયો નથી.
વસ્તુ | એપીએમસી | ઓનલાઇન | છૂટક |
ટામેટાં | 12.5 | 32 | 40 |
બટાકા | 11.25 | 28 | 30 |
ડુંગળી | 9 | 22 | 40 |
મરચાં | 35 | 100 | 120 |
લીલા વટાણા | 57 | 160 | 100 |
લીંબુ | 147.5 | 290 | 320 |
કોબીજ | 7.5 | 25 | 60 |
આદુ | 75 | 80 |
નોંધ : શાકભાજીના ભાવ પ્રતિ કિલો રૂપિયામાં છે. વિસ્તાર પ્રમાણે શાકભાજીના ભાવમાં થોડોઘણો ફરક હોય છે.
સાડાત્રણ માસમાં સિંગતેલનો ડબો રૂ.520 મોંઘો થઈ 2820એ પહોંચ્યો
1 જાન્યુ ‘22 | 16 અેપ્રિલ ‘22 | |
સિંગતેલ | 2270 - 2300 | 2800 - 2820 |
કપાસિયા તેલ | 2000 - 2050 | 2700 - 2750 |
પામતેલ | 1850-1900 | 1850 - 1900 |
સનફ્લાવર તેલ | 2050 - 2090 | 2700 - 2800 |
નોંધ: રશિયા-યુક્રેન યુદ્ધને લીધે સનફ્લાવર-પામતેલની આયાત ઘટતાં મોંઘાં થયાં, જેની અસર અન્ય ખાદ્ય તેલ પર પણ પડી છે.
ભાવવધારો નહીં અટકે તો હોટલ-રેસ્ટોરાંનું ભોજન 7થી 10 ટકા સુધી મોંઘું થઈ જશે
કેટલીક જાણીતી રેસ્ટોરાંના કન્સલ્ટન્ટ સૂરીલ ઉદેશીએ જણાવ્યું હતું કે કોરોના બાદ હવે લોકો આવતા થતાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ડેરી પ્રોડક્ટ, ગેસ, લાઇટ અને શાકભાજીના ભાવ વધ્યા છે. તેથી મોંઘવારીને કારણે લોકોએ હવેથી પોતાના બિલ પર એવરેજ 7થી 10 ટકા વધુ ચૂકવવા પડશે. દશેરા પર ફરી મોંઘવારીને ધ્યાને લઇને જોઇશું કે ભાવમાં ફેરફાર કરી શકાય કે નહીં.શાકભાજીના ભાવ આસમાને જતાં સંખ્યાબંધ હોટેલ-રેસ્ટોરાંએ મેનુમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
3 વર્ષે મેનુ બદલ્યું, ડિશ 40% મોંઘી થશે
શાકભાજીના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થયો છે. ત્રણ વર્ષ બાદ અમે ભાવમાં ફેરફાર કર્યો છે. સામાન્ય રીતે એક ડિશમાં 2 શાક, દાળ, રોટી, રાઇસ, સૂપ, સ્ટાર્ટર અને સ્વીટ હોય છે, જેની કિંમત અંદાજે રૂ. 750થી 800 થાય છે, પરંતુ હવે તે 1200 સુધી પહોંચી જશે. કોઇપણ ડિશ માટે જરૂરી ટામેટાં, ડુંગળી, મરચાં, લીલા વટાણા, લીંબુ મોંઘાં છે. ઉપરાંત ડેરી પ્રોડેક્ટના ભાવ પણ અસર કરે છે. - કૌસ્ટવ મુખરજી, રિજનલ જનરલ મેનેજર, પ્રાઇડ પ્લાઝા
ગુજરાતી થાળી રૂ.350થી વધીને 375 થશે
અમારી ડિશનો ભાવ 350થી વધારીને 375 કરી રહ્યા છીએ. ભાવવધારા માટે શાકભાજીની સાથે સૌથી મોટું પરિબળ ગેસ, તેલના ભાવો છે. પહેલા એક માસનું બિલ 2.50થી 3 લાખનું હતું, એમાં 50 હજારથી રૂ.1 લાખનો ફેર પડશે. શાકભાજીની અસર ટૂંકા ગાળાની હોય છે, પરંતુ મોંઘાં તેલ, ગેસની અસર લાંબો સમય રહે છે. - ગોરધનસિંહ પુરોહિત, માલિક, ગોરધનથાળ.
પરિવારનું ભોજન રૂ.20થી 25 મોંઘું થયું
શાકભાજી, તેલ, ગેસ, દૂધના ભાવમાં વધારો થયો છે. પહેલાં 500 ગ્રામ ભિંડો એક ટાઇમ માટે જોઇતો, અત્યારે પણ આટલો જ જોઈએ છે, પરંતુ ભીંડા 20ને બદલે રૂ.30માં મળે છે. બટેટા 18 રૂપિયા હતા એના 25 થયા. છાશ, દૂધ, દહીંના ભાવ પણ વધ્યા છે. સરેરાશ કરીએ તો પરિવાર માટે એક સમયનું ભોજન રૂ.20-25 મોંઘું થયું છે. - હિરલ ભટ્ટ, ગૃહિણી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.