આરોગ્ય વિભાગની મહત્વની જવાબદારી સંભાળતા ઋષિકેશ પટેલને શુક્રવારે એકાએક દુઃખાવો થતાં તાબડતોબ તેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા દાખલ થયા હતા. છેલ્લા એક મહિનાથી અસહ્ય દુઃખાવાથી પીડિત મંત્રીને તબીબોએ તપાસતાં પથરીનો દુઃખાવો હોવાનું માલૂમ પડ્યું હતું. જો કે ખુદ આરોગ્ય પ્રધાન હોવા છતાં પણ તેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કર્યુ છે.
સત્ર દરમિયાન પટેલના ચહેરા પર પીડા દેખાતી હતી
વિધાનસભાના એક દિવસીય સત્ર દરમિયાન પણ તેમને અસહ્ય દુઃખાવો થયો હતો. સત્રની કામગીરી શરૂ હતી ત્યારે પણ ઋષિકેશ પટેલને સખત દુઃખાવો થતાં દર 40 મિનિટના અંતરે તેમને બાથરૂમ જવાની ફરજ પડતી હતી. સત્ર દરમિયાન ઋષિકેશ પટેલના ચહેરા ઉપર સ્પષ્ટપણે પીડા જોઈ શકાતી હતી. છતાં તેમણે આ અંગે કોઈને કહ્યું ન હતું અને ફક્ત લિક્વિડ ઉપર જ રહ્યા હોવાની જાણકારી આરોગ્ય મંત્રીના કાર્યાલયમાંથી મળી રહી છે. શુક્રવારે ઓપરેશન કરાવ્યુંઆરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે 30 ડિસેમ્બરના રોજ અમદાવાદના એસજી હાઇવે ઉપર આવેલી કે.ડી. હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું છે. તબીબોના કહેવા મુજબ હાલ તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી આરોગ્ય પ્રધાન 3 જાન્યુઆરી સુધી સચિવાલયમાં જોવા નહીં મળે અને 4જાન્યુઆરીના રોજ બુધવારના દિવસે કેબિનેટ બેઠકમાં સીધી હાજરી આપશે.
આરોગ્ય પ્રધાન પણ સારવાર ખાનગી હોસ્પિટલમાં
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગની મુખ્ય કમાન ઋષિકેશ પટેલના હાથમાં છે. અસહ્ય દુઃખાવા વચ્ચે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા અંગે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે, આરોગ્ય મંત્રી હોવા છતાં સરકારી હોસ્પિટલમાં સારવાર કેમ ના લીધી? જો કે, મળતી માહિતી પ્રમાણે ઋષિકેશ પટેલે પોતાના અંગત વીમાની મદદથી કેડી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું છે, જ્યારે ધારાસભ્ય તરીકે તેમણે રાજ્ય સરકારમાં એક પણ વખત સારવાર લીધી હોવાનો ક્લેઈમ કર્યો નથી.
ભૂતકાળમાં અનેક પ્રધાનોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી છે
તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં આરોગ્ય પ્રધાન તરીકેની જવાબદારી સંભાળતા એવા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ પોતાના ઢીંચણનું ઓપરેશન મુંબઈની ખાનગી હોસ્પિટલમાં કરાવ્યું હતું. જ્યારે વિજય રૂપાણીની જ સરકારના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ એસજી હાઇવે ઉપર આવેલી ખાનગી હોસ્પિટલમાં બિમારીની સારવાર કરાવી હતી. આમ, ભૂતકાળમાં પણ અનેક પ્રધાનોને સરકારી હોસ્પિટલને બાજુમાં મૂકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.