હવે ચેતજો, માસ્કનું ઉત્પાદન ડબલ થયું:5 મહિના બાદ ફરી ધમધમવા લાગ્યા માસ્કના મશીનો, રોજ 80 લાખનું ઉત્પાદન; જુઓ માસ્ક મેકિંગનો વીડિયો

અમદાવાદ19 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી
  • ઉત્પાદન વધતાં માસ્કની અછત નહીં સર્જાય
  • કોરોનાના કેસ વધવા લાગતાં માસ્કની માગ પણ વધી

ગુજરાત સહિતનાં રાજ્યોમાં દિવસે ને દિવસે હવે કોરોનાના કેસ વધી રહ્યા છે. હાલ રાજ્યમાં 1000થી વધુ નવા કેસો નોંધાયા છે, ત્યારે છેલ્લા કેટલાક મહિનાથી બંધ પડેલા માસ્કનું ઉત્પાદન કરતાં મશીનો ફરી ધમધમતા થયાં છે. 10 દિવસથી માસ્કનું ઉત્પાદન ફરીથી વધવા લાગ્યું છે. હાલ રાજ્યભરમાં દૈનિક 80 લાખથી વધુ માસ્કનું ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યારે બીજી લહેર દરમિયાન 1 કરોડ માસ્કનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જુલાઈ બાદ માસ્કનું ઉત્પાદન ઘટીને સરેરાશ 40-50 લાખ રહ્યું હતું. આમ, જુલાઈની તુલનાએ હાલ માસ્કનું ઉત્પાદન ડબલ થઈ ગયું છે.

5 મહિના બાદ ફરી ધમધમવા લાગ્યાં માસ્કના મશીનો
કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન જ્યારે કોરોના પીક પર હતો ત્યારે લોકો પ્રોટોકોલનું પાલન કરતા હતા, પરંતુ જેવા કોરોનાના કેસ ઘટવા લાગ્યા કે લોકોએ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવાનું શરૂ કર્યું અને ત્રીજી લહેર આવી ગઈ. આ સાથે જ હવે ફરી એકવાર લોકોને માસ્ક યાદ આવ્યાં છે. છેલ્લા પાંચ મહિનાથી માસ્ક ઉત્પાદનનાં મશીન બંધ હતાં અથવા તો મર્યાદિત માત્રામાં જ ઉત્પાદન થઈ રહ્યું હતું, ત્યાં હવે પુરજોશમાં ફરીથી ઉત્પાદન શરૂ થયું છે.

હોલસેલ માર્કેટમાં માસ્કની ડિમાન્ડ વધી છે અને માસ્કના ઓર્ડર મળવાની શરૂઆત થઈ.
હોલસેલ માર્કેટમાં માસ્કની ડિમાન્ડ વધી છે અને માસ્કના ઓર્ડર મળવાની શરૂઆત થઈ.

કોરોનાના કેસો ઘટતાં ઉત્પાદન પણ ઘટ્યું હતું
માસ્કનું મેન્યુફેક્ચરિંગ કરતા અમદાવાદના કઠવાડા જીઆઇડીસી સ્થિત ખાંધલા એન્ટરપ્રાઇઝના સંચાલક જયેશ ખાંધલાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાછલા દસ દિવસ દરમિયાન ફરીથી હોલસેલ માર્કેટમાં માસ્કની ડિમાન્ડ વધી છે અને માસ્કના ઓર્ડર મળવાની શરૂઆત થઈ છે. ગુજરાતભરમાં માસ્કનું ઉત્પાદન કરતા અંદાજે 40 જેટલા મેન્યુફેક્ચરર છે. બીજી વેવ દરમિયાન માસ્કનું ઉત્પાદન 1 કરોડથી વધુનું હતું, જે જૂન-જુલાઈ માસ સુધી ચાલ્યું. જોકે કોરોનાના કેસ ઓછા થવાથી માસ્કની માગ ઘટતાં દૈનિક ઉત્પાદન 40-50 લાખ સુધી રહ્યું હતું. જોકે હવે કોવિડના કેસ અને ઓમિક્રોન વેરિયન્ટથી સતર્કતાને કારણે માસ્કની માગ વધી છે, જેથી હવે દૈનિક 80 લાખથી વધુ માસ્ક બની રહ્યાં છે. આ ઉપરાંત હાલ ગુજરાતમાં 3 કરોડથી વધારે માસ્કનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી ઘટ કે અછતની સ્થિતિ નહિ સર્જાય.

માસ્ક 3 પ્રકારનાં હોય છે - સર્જિકલ માસ્ક, N-95 માસ્ક અને ફેબ્રિક કે કપડાના બનેલા માસ્ક.
માસ્ક 3 પ્રકારનાં હોય છે - સર્જિકલ માસ્ક, N-95 માસ્ક અને ફેબ્રિક કે કપડાના બનેલા માસ્ક.

બીજી વેવ બાદ કેરળ મોકલાતો હતો માસ્કનો જથ્થો
અમદાવાદના દસક્રોઈમાં માસ્કનું યુનિટ ધરાવતા ભાવિક દવેએ જણાવ્યું હતું કે બીજી વેવ પછી માસ્કનું ઉત્પાદન તો લગભગ બંધ થઈ રહ્યું હતું, પરંતુ એ જથ્થો કેરળ સહિત દક્ષિણ ભારતમાં કેસ વધારે હોવાથી ત્યાં સપ્લાય કરવામાં આવતો હતો. હવે ફરી એકવાર ગુજરાત સહિત દેશભરમાં ધીમે ધીમે કેસમાં વધારો થઈ રહ્યો છે, જેથી ઉત્પાદનમાં વધારો કરવો પડ્યો છે.

હાલ માસ્કનો જથ્થો પર્યાપ્ત
માસ્કના ઉત્પાદન અંગે ફાર્માસિસ્ટ એસોસિયેશનના પ્રમુખ જીતુલ પટેલે જણાવ્યું હતું કે વેપારીઓ પાસે માસ્કનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી લોકો જાહેર સ્થળોએ જતી વખતે માસ્કનો ઉપયોગ કરે એ વધુ હિતાવહ છે.

માસ્ક કેટલાં પ્રકારનાં હોય છે?
મોટા ભાગે જોઈએ તો માસ્ક 3 પ્રકારનાં હોય છે - સર્જિકલ માસ્ક, N-95 માસ્ક અને ફેબ્રિક કે કપડાના બનેલા માસ્ક. N95 માસ્ક કોરોના વાઇરસ જેવા સંક્રમણથી બચવા માટે સૌથી ઉત્તમ માસ્ક માનવામાં આવે છે. એ સરળતાથી મોં અને નાક પર ફિટ થઈ જાય છે અને બારીક કણોને પણ નાક કે મોંમાં જતા રોકે છે. એ હવામાં રહેલા 95 ટકા કણોને રોકવામાં સક્ષમ છે, તેથી એનું નામ N95 પડ્યું છે, જ્યારે સામાન્ય સર્જિકલ માસ્ક પણ લગભગ 89.5% સુધી કણોને રોકવામાં સક્ષમ હોય છે. આ બંને માસ્ક હેલ્થકેરવર્કર્સ માટે હોય છે. કપડાના માસ્ક પણ માર્કેટમાં જોઈ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...