નજીવી બાબતે હત્યા:વટવામાં રસ્તામાંથી હટવાની બાબતે રિક્ષાચાલકે આધેડને ધક્કો મારતા કેનાલમાં પડ્યા, ડૂબી જતાં મોત

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.

શહેરના વટવા વિસ્તારમાં આવેલી કેનાલ પાસે રસ્તામાંથી હટવા બાબતે રીક્ષા ચાલકે આધેડ સાથે બોલાચાલી કરી કેનાલ પાસે ધક્કો મારતા આધેડ કેનાલના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. ડૂબી જતાં આધેડનું મોત થયું હતું. આધેડ મિત્રો સાથે કેનાલ પાસે ઉભો હતો ત્યારે રિક્ષાચાલકે હોર્ન વગાડી હટવા બાબતે બોલાચાલી કરી હતી. રિક્ષાચાલક સામે મૃતકના ભાઈએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વટવા વિસ્તારમાં ચીસતિયા પાર્કમાં ફિરોઝખાન પઠાણ તેમના પરિવાર સાથે રહેતા હતા. ફિરોઝખાન બે દિવસ પહેલા વટવા કેનાલ પાસે તેમના બે મિત્ર સાથે ઉભા હતા. દરમિયાનમાં એક રિક્ષાચાલક ત્યાંથી પસાર થતો હતો. હોર્ન મારી હટવા માટે કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. જેમાં ઇસ્માઇલ નામના રિક્ષાચાલકે ફિરોઝખાનને ધક્કો માર્યો હતો જેથી કેનાલ તરફ પડી જતા સીધો પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આ બાબતે પોલીસને અને ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. શોધખોળ બાદ લાશ મળી ન હતી અને બીજા દિવસે અસલાલી કેનાલ પાસે લાશ મળી હતી. ફિરોઝખાનના મિત્રએ રિક્ષાચાલકનું નામ અને વિગત લઈ લીધી હતી. ફિરોઝખાનની અંતિમવિધિ બાદ આ મામલે ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...