તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:અમદાવાદના અમરાઇવાડીમાં પેન્શન ઉપાડીને જતા સિનિયર સિટીઝનને લૂંટી રિક્ષાચાલક ફરાર, બેંકમાંથી 20 હજાર ઉપાડી ઘરે જતા હતા

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિક્ષા ચાલકે કોલર પકડીને કહ્યું, પેન્ટના ખિસ્સામાંથી પૈસા કાઢ, બૂમાબૂમ કરીશ તો જાનથી મારી નાખીશ

શહેરના અમરાઈવાડીમાં રહેતા સિનિયર સિટીઝન પેન્શનના પૈસા ઉપાડી મણિનગર જવા માટે ઓટોરિક્ષામાં બેઠા હતા, ત્યારે રિક્ષાચાલક ધમકી આપીને રૂ. 20 હજાર લૂંટીને નાસી છુટ્યો હતો. આ અંગે સિનિયર સિટીઝને કાગડાપીઠ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અમરાઈવાડીના ગાયત્રીનગરમાં રહેતા ડાહ્યાભાઈ મોતીભાઈ બારોટ (ઉં.67)વી.એસ. હોસ્પિટલમાં નોકરી કરતા હતા અને નવ વર્ષથી નિવૃત્ત જીવન ગાળે છે.ગત 2 મેના રોજ તેઓ એલિસબ્રિજની બેંકમાંથી પેન્શનના રૂ.20 હજાર ઉપાડી, ત્યાંથી મણિનગર લેબોરેટરીમાં રિપોર્ટ લેવા જવા માટે શટલ રિક્ષામાં જતા હતા.

દ​​​​​​​રમિયાન રિક્ષાચાલકે કાંકરિયાથી આગળ વધી કમલેશ સોસાયટી પાસે એકાંતમાં રિક્ષા ઉભી રાખી, ડાહ્યાભાઈ કાંઇ સમજે તે પહેલાં તેમના શર્ટનો કોલર પકડીને તેમને કહ્યું કે તારી પાસે કેટલા પૈસા છે? તેમણે રિક્ષા ભાડાના 100 રૂપિયા હોવાનુ કહેતાં રિક્ષાચાલકે તેમના પેન્ટના ખિસ્સામાં પૈસા છે તે કાઢ. તેમ કહેતા તેઓ બૂમ પાડવા જતા તેણે ધમકી આપી હતી કે જો બૂમો પાડીશ તો તને જાનથી મારી નાખીશ. વૃદ્ધ હોઈ, રિક્ષાચાલકનો સામનો કરી શક્યા નહોતા. તેથી રિક્ષાચાલક તેમના ખિસ્સામાંથી રૂ.20 હજાર રોકડા લૂંટી લઇ નાસી છૂટ્યો હતો. આ અંગે ડાહ્યાભાઈ બારોટે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રિક્ષાચાલક શરૂથી પીછો કરતો હોવાની શંકા
સિનિયર સિટીઝન બેંકમાંથી પૈસા લઈને નીકળી આસ્ટોડિયા સુધી આવ્યા ત્યારે રિક્ષાચાલકે તેમને મણિનગર લઈ જવાનુ કહીને રિક્ષામાં બેસાડ્યા હતા. તેણે પેન્ટના ખિસ્સામાં પૈસા છે તે નીકાળ તેમ કહ્યું, એનો મતલબ એ કે તેને ખબર હતી કે તેમના ખિસ્સામાં પૈસા પડ્યા છે, જેથી રિક્ષાચાલક બેંકની આસપાસમાં બેઠો હશે અને તેમનો પીછો કરી પૈસાની લૂંટ ચલાવી હોવાની શંકા પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...