વાલીઓ માટે મોટી રાહત:​​​​​​​રાજ્યમાં રિક્ષા ભાડાંમાં વધારો થયો પણ અમદાવાદમાં સ્કૂલ વર્ધીની રિક્ષા-વાનનું ભાડું નહિ વધે

17 દિવસ પહેલા
  • 6 માસ અગાઉ ભાડું વધાર્યું હોવાથી નવું ભાડું લાગું નહીં: અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન

રાજ્ય સરકારે રિક્ષા ભાડાંમાં વધારાની જાહેરાત કરી છે. જોકે આ ભાડાં વધારા વચ્ચે પોતાના બાળકોને સ્કૂલ રિક્ષા અથવા તો વન મારફતે સ્કૂલે મોકલતા વાલીઓ માટે રાતની વાત સામે આવી છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રાજ્ય સરકારે કરેલ ભાડાં વધારો સ્કૂલ વર્ધી સાથે જોડાયેલ રિક્ષાચાલકોને લાગુ નહીં પડે. કારણ કે વર્ષ 2021 નવેમ્બરમાં જ ભાડું વધાર્યું હતું.

રીક્ષાના ભાડાંમાં પ્રતિ કિલોમીટર વધારાની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ ભાડાં વધારો બાળકોને સ્કૂલએ લઈ જતા રીક્ષા ચાલકો માટે નહિ લાગુ પડે, એટલે તેઓ ભાડું વધારો નહીં કરે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર મહેતાએ જણાવ્યું કે, વર્ષ 2021 નવેમ્બર મહિનામાં જ સ્કૂલ રિક્ષા માટે ભાડું વધારવાની જાહેરાત કરી હતી, જેથી હવે તેઓ રાજ્ય સરકારે કરેલ જાહેરાત પ્રમાણે ભાડુ વધારો લાગુ નહીં કરે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

નવેમ્બર મહિનાના અંતમાં ભાડાંમાં વધારાની જાહેરાત કરી હતી
નવેમ્બરમાં સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા ભાડાંમાં વધારાની જાહેરાત કરી હતી. જેમાં રિક્ષામાં 100 અને જ્યારે સ્કૂલ વાનના ભાડાંમાં રૂ.200ના વધારાની જાહેરાત કરવામાં આવી હતી. સ્કૂલ રિક્ષા માટે મહત્તમ ભાડું 550થી વધારી 650 જ્યારે સ્કૂલ વાનનું ભાડું પ્રતિમાસ રૂ.850ની જગ્યાએ રૂ.1000 કરવામાં આવ્યું હતું.

કેટલું ભાડું વધ્યું?
રિક્ષા ચાલકોના વિવિધ એસોસિએશનની માંગણીને ધ્યાનમાં રાખતા સરકારે મિનિમમ ભાડુ તથા કિલોમીટર દીઠ ભાડાંમાં 2-2 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી છે. એટલે કે જો કોઈ મુસાફર રિક્ષામાં મુસાફરી કરે છે તો તેને કિલોમીટર દીઠ 2 રૂપિયા વધુ ચૂકવવા પડશે. હકીકતમાં રિક્ષા ચાલકોએ મિનિમન ભાડુ રૂ.30 તથા કિલોમીટર દીઠ રૂ.15નું ભાડું વધારવાની માંગ કરી હતી.

માર્ચ 2023 સુધી રિક્ષા ભાડામાં હવે વધારો નહીં
સરકારના આ નિર્ણય સાથે રિક્ષા એસોસિએશનોએ પણ સંમતિ દર્શાવી છે. હવે આગામી 31મી માર્ચ 2023 સુધી CNG ગેસના ભાવમાં વધારો થાય કે ગેસ પર સરકારનો ટેક્સ વધે તો પણ રિક્ષા ભાડું નહીં વધારવાની પ્રમુખોએ ખાતરી આપી છે.

CNG ગેસના ભાવ વધતા ભાડામાં વધારો કરવાની માંગ હતી
ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી રિક્ષા ચાલકો દ્વારા CNG ગેસના ભાવમાં વધારા સામે ભાડું વધારવાની માંગ કરવામાં આવી રહી હતી. જેના પરિણામે હડતાલ અને આંદોલન પણ કર્યા હતા. ત્યારે આખરે સરકાર દ્વારા તેમની માંગણી પર વાટા-ઘાટ કરીને 2-2 રૂપિયાનો ભાવ વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...