ભાસ્કર એનાલિસિસ:23 વર્ષ જૂના અપમાનનો બદલો લીધો... તાતાએ ફોર્ડનો સાણંદ પ્લાન્ટ ખરીદ્યો, હવે દર વર્ષે 4.5 લાખ ઇલેક્ટ્રિક વાહન બનાવશે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં કુલ કાર ઉત્પાદનમાંથી 40%થી વધુ કાર મેડ ઇન ગુજરાત, વાર્ષિક 12-13 લાખ કારની ઉત્પાદન ક્ષમતા
  • ~725.7 કરોડમાં તાતા મોટર્સે ફોર્ડના પ્લાન્ટ હસ્તગત કર્યો, કર્મચારી-બિલ્ડિંગ સહિતની ડિલ

2010માં તાતા મોટર્સે દે6શની સૌથી નાની કારનું સપનું નેનો કાર સાણંદ પ્લાન્ટમાં બનાવી પૂર્ણ કર્યું અને ત્યારબાદ અન્ય મોડલ અને ઇલેક્ટ્રિક વાહનોમાં સૌથી વધુ ઉત્પાદન કરતી કંપની બની ચૂકી છે. તાતા મોટર્સે ફોર્ડ ઇન્ડિયાના ગુજરાતના સાણંદ સ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને 725.7 કરોડ રૂપિયામાં હસ્તગત કરી લીધો છે અને હસ્તાંતરણની તમામ કાર્યવાહી પૂર્ણ કરી લીધી છે. તાતા મોટર્સે પોતાની પેટા કંપની દ્વારા આ ફોર્ડનો પ્લાન્ટ ખરીદી લીધો છે. કંપનીએ ગત વર્ષે જ આ હસ્તાંતરણ અંગે જાણકારી આપી હતી. કંપની ફોર્ડના પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક પેસેન્જર કારનું ઉત્પાદન કરશે અને તેના ઇવી સેગમેન્ટને વેગ આપશે તેવી શક્યતા છે.

તાતા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં અત્યારે પેટ્રોલ-સીએનજી અને ઇવી મળીને કુલ સરેરાશ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1.5 લાખ યુનિટ્સ છે જ્યારે ફોર્ડના પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા ત્રણ લાખ યુનિટ્સ છે આમ કુલ મળીને હવે તાતા મોટર્સ પાસે ઉત્પાદન ક્ષમતા 4.5 લાખ યુનિટ્સ પ્રતિ વર્ષ થશે. દેશમાં ગુજરાત ઓટો હબ બની ચૂક્યું છે. દેશમાં કુલ ઉત્પાદન થતી કારમાં ગુજરાતનો હિસ્સો 40 ટકાથી વધુ પહોંચ્યો છે.

ઇલેક્ટ્રિક કારના ઉત્પાદનમાં ગુજરાત આગામી ટૂંક સમયમાં ટોચનું સ્થાન હાંસલ કરે તેવી સંભાવના છે. ગુજરાતમાં અત્યારે ટીયાગો, ટીગોર તથા એમજીની કાર બની રહી છે. તાતા મોટર્સના એક અધિકારીના જણાવ્યા અનુસાર ફોર્ડમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન થશે. કંપની આગામી સમયમાં અન્ય નવાં મોડલ રજૂ કરશે.

ગુજરાતમાં સરેરાશ વાર્ષિક 12-13 લાખ કારની ઉત્પાદન ક્ષમતા
ગુજરાતમાં કુલ મળીને 12-13 લાખથી વધુ પેસેન્જર કારની ઉત્પાદન ક્ષમતા છે. મારુતિએ કોરોના મહામારી બાદ તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યા બાદ તાજેતરમાં તાતા મોટર્સે ફોર્ડનો પ્લાન્ટ હસ્તગત કરી ઉત્પાદન ક્ષમતાને વેગ આપશે. જેના પરિણામે ગુજરાતમાં પેસેન્જર કારની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ધોરણે વધી 12-13 લાખ યુનિટ્સ પહોંચી છે. એટલું જ નહિ દેશમાંથી નિકાસ થતી પેસેન્જર કારમાંથી ગુજરાતનો હિસ્સો 75 ટકાથી વધુ રહ્યો છે. એટલે એમ કહી શકાય તે વિદેશમાં વેચાતી 10 કારમાંથી 7 કાર ‘મેડ ઇન ગુજરાત’ની છે.

તાતા-ફોર્ડના આ હસ્તાંતરણમાં કઇ એસેટ્સ સામેલ, ડીલ હેઠળ તાતા મોટર્સની પેટાકંપની પાસે આવી ગયું
તાતા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ દ્વારા આ સંપાદનમાં ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો સાણંદ પ્લાન્ટ, મશીનરી તેમજ તેનાં સાધનો સહિત વાહન ઉત્પાદનના પ્લાન્ટની સમગ્ર જમીન અને ઈમારતોનો સમાવેશ થાય છે. સાણંદ પ્લાન્ટના કર્મચારીઓની ટ્રાન્સફર અને તમામ વાહન ઉત્પાદન કામગીરીનું ટ્રાન્સફર પણ આ ડીલ હેઠળ તાતા મોટર્સની પેટાકંપની પાસે આવી ગયું છે.

ગુજરાતમાં કાર કંપનીઓની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા

કંપનીઉત્પાદન ક્ષમતા
મારુતિ સુઝુકી7-7.5 લાખ
ફોર્ડ મોટર કંપની3.00 લાખ
તાતા મોટર્સ1.50 લાખ
એમજી મોટર1 લાખ

(નોંધ: ફોર્ડનું ઉત્પાદન હાલ બંધ છે)

તાતા મોટર્સે રેગ્યુલેટરી BSE-NSE ફાઇલિંગ કર્યું
તાતા મોટર્સે બીએસઇ-એનએસઇને આપેલી જાણકારી અનુસાર તાતા મોટર્સે ફોર્ડ ઇન્ડિયાની પ્રોપર્ટીનું હસ્તાંતરણ કર્યું છે. જેમાં એ શરતોને પણ સામેલ કરી છે જે અંતર્ગત બંને કંપનીએ લોજિસ્ટિક રેગ્યુલેટરી અપ્રૂવલ અને ટ્રાન્ઝેક્શનને પૂરું કર્યું છે.

ફોર્ડના કર્મચારીઓ હવે તાતાના થયા
તાતાએ ફોર્ડના દરેક કર્મચારીને જૉબની ઑફર કરી હતી. જેમણે આ ઑફર સ્વીકારી હતી એ તમામ કર્મચારીને તાતાની સાણંદ ખાતેની પેટા કંપનીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.

આ છે એ કિસ્સો; જ્યારે રતન તાતાએ ફોર્ડના માલિક સામે રિજેક્શનનો બદલો લીધો હતો
આ વાત છે 90ના દાયકાની. જ્યારે તાતા સન્સના ચેરમેન રહેલા રતન તાતાના નેતૃત્વ હેઠળ તાતા મોટર્સે પહેલી કાર તાતા ઇન્ડિકા લૉન્ચ કરી હતી. જોકે ત્યારે તાતાની કારનું વેચાણ ખૂબ જ ઓછું થયું હતું. તેમાં સતત ખોટ બાદ તાતા મોટર્સે પેસેન્જર કાર ડિવિઝનને વેચવાનો નિર્ણય લીધો હતો અને આ માટે USની કાર ઉત્પાદક કંપની ફોર્ડ મોટર્સ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ફોર્ડના ચેરમેન બિલ ફોર્ડે રતન તાતાની મજાક ઉડાવી હતી કે તમે કંઇ જ જાણતા નથી, તમે શા માટે પેસેન્જર કાર ડિવિઝન શું કર્યું? જો હું આ ડીલ કરું છું તો તે તમારા ઉપર મોટો ઉપકાર ગણાશે. આ અપમાન બાદ રતન તાતા શાંત રહ્યા અને કોઇની સાથે અપમાનની વાત ન કરી. ત્યારબાદ સમગ્ર ધ્યાન કંપનીના કાર ડિવિઝનને બુલંદી પર પહોંચાડવામાં લગાડ્યું હતું. તેમની મહેનત રંગ લાવી અને અંદાજે 9 વર્ષ બાદ 2008માં તાતા મોટર્સ સમગ્ર દુનિયાના માર્કેટમાં છવાઇ હતી અને કંપનીની કાર બેસ્ટ સેલિંગ કેટેગરીમાં ટોચ પર પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...