તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓલ્ડ સ્ટાફની નવી ઈનિંગ:​​​​​​​અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિવૃત્ત થયેલો નર્સિંગ સ્ટાફ ફરીવાર દર્દીઓની સેવા અર્થે ફરજ પર હાજર થયો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલની કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં 1574 નર્સિંગ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં તહેનાત છે
  • કોરોનાકાળમાં 403 નર્સિંગ સ્ટાફ સંક્રમિત થયા બાદ પુન:ફરજ પર હાજર થઈ સેવાયજ્ઞમાં જોડાયા

કોવિડ મહામારીમાં આરોગ્યકર્મીઓ અગ્રેસર રહ્યા. જીવની પરવા કર્યા વિના દર્દીનારાયણને બચાવવા માટે અવિતર સંઘર્ષ કરતા રહ્યાં. રાજ્ય, દેશ અને દુનિયાના તબીબો, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓએ ઘાતક વાયરસથી માનવજાતને બચાવવા માટે મથતા રહ્યા છે. કેટલોક સ્ટાફ તબીબી સેવામાંથી નિવૃત્ત થઈ ગયો હતો પણ ફરજના સાદે તેમને પરત હોસ્પિટલમાં આણ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં નવી ઈનિંગની શરુઆત કરી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવતા વિદુલા પટેલ, ભારતી મહેતા અને અંજના ક્રિશ્ચિયન સિવિલમાં નિવૃત્તિ બાદ ફરી વાર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે ફરજ પર હાજર થયા છે. તેઓ દ્રઢપણે માને છે કે,માનવસેવા માટેનો આ ઉત્તમ અવસર છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વિદુલા પટેલે 34 વર્ષની સેવા બાદ 30 એપ્રિલ, 2021એ નિવૃત્ત થયા હતા, પણ ખરાબ પરિસ્થિતિને પિછાણીને તે સ્વૈચ્છીક રીતે સેવામાં જોડાયા છે. વિદુલાબેને 1986માં સિવિલમાં ફરજ પર જોડાયા હતા, તે ત્રણ દાયકાની કામગીરી બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં નવી ઈનિંગની શરુઆત કરી.

વિદુલાબેને કહ્યું કે, ”આ કપરા સમયમાં ફરજ બજાવવા અને યથાશક્તિ યોગદાન આપવા માટે હું તત્પર છું.“ વિદુલાબેનની મુખ્યત્વે કામગીરી સ્ટાફ મેનેજમેન્ટની છે. વિદુલાબેનની જેમ જ ભારતીબેન મહેતા પણ નિવૃત્તિ બાદ ફરી સિવિલ મેડિસીટીમાં સ્થિત 1200 બેડ હોસ્પિટલમાં એ-4 વોર્ડમાં ફરજ બજાવે છે.

ભારતીબેને કહ્યું કે, “ હું અહીં કોવિડના દર્દીઓની સેવાનો મોકો મળ્યો તેની ખુશી છે.” સિવિલ હોસ્પિટલમાં ૨૫ વર્ષ સેવા બાદ નિવૃત્ત થયેલા અંજના ક્રિશ્ચિયને ફરી સેવારત થયા છે. હાલ તેઓ ઈ.એન.ટી વિભાગમાં કામ કરે છે. જેમાં મોટાભાગે મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવારનું કામ હોય છે.​​​​​​​

અંજનાબેને કહ્યું કે, આ પરિસ્થિતિમાં દર્દીઓને મદદરુપ થવાનો આનંદ અનેરો હોય છે.” સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે 'કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં તબીબોની લગોલગ નર્સિંગ સ્ટાફની ભૂમિકા પણ ચાવીરૂપ રહી છે. સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં 1574 જેટલો નર્સિંગ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવારમાં તહેનાત રહે છે. અત્યાર સુધીમાં 403 જેટલા નર્સિંગ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ એ જ ઉત્સાહ સાથે પુનઃ ફરજ પર હાજર થયા છે.

ગુજરાત દેશમાં કોરોનામુક્ત થવામાં અગ્રેસર: સીએમ
ઉલ્લેખનીય છે કે, રવિવારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલા ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત સમગ્ર દેશમાં કોરોનામુક્ત થવામાં અગ્રેસર રાજ્ય હશે. કદાચ, આવી પરિચારિકા બહેનો જેવી ઉત્તમ ભાવનાના પગલે જ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીના આ સપનાને ઝડપથી સાકાર કરશે.