તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજની રિપોર્ટર:નિવૃત્ત IAS અનિસ માંકડને સરકારે સચિવાલયમાં લીધા

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રિટાયર્ડ આઇએએસ અધિકારી અનિસ માંકડને ગુજરાત સરકારે મહેસૂલ વિભાગમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે એક વર્ષ માટે નિયુક્ત કર્યા છે. અહીં તેઓ હોદ્દાની રૂએ રેવન્યુ અપીલ વિભાગના સેક્રેટરી તરીકે રહેશે. આમ જોવા જઇએ તો માંકડનો નોકરી દરમિયાનનો સેવાકાળ એટલો પ્રભાવી રહ્યો નથી. લગભગ સાઇડલાઇન પોસ્ટિંગ જ તેમણે ભોગવ્યું છે, તેમ છતાં કઇ સારી કામગીરીને આધારે માંકડને સરકારે ફરી નિયુક્તિ આપી છે તે સમજાય તેવું નથી. સચિવાલયના ગલિયારામાં ચર્ચા છે કે માંકડે કોઇ ઊંચી લાગવગ લગાવીને રેવન્યુ અપીલના સચિવ જેવું ભારે ભરખમ પદ મેળવ્યું છે.

શંકર ચૌધરી મોદીના મતક્ષેત્ર વારાણસીમાં એક્ટિવ થયા
ભાજપના નેતા શંકર ચૌધરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલની ખૂબ નજીકના હોવાનું મનાય છે. થોડા સમય પહેલાં જ તેમણે મોદીને ઘી અને મધની ભેટ છેક દિલ્હી જઇને ધરી હતી. હવે તેઓ મોદીના મતક્ષેત્ર વારાણસીમાં એક્ટિવ થઇ ગયા છે. તેઓ વારાણસી જઇને ત્યાં બનાસ ડેરીના પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરી આવ્યા છે. આવતાં સમયમાં તેઓ ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીના રાજકીય સમીકરણોની જવાબદારી પણ મેળવી શકે છે. આ અગાઉ ત્ય સી. આર. પાટીલને જવાબદારી હતી પણ હવે તેના વિકલ્પ તરીકે મોદી ચૌધરીને પસંદ કરી શકે છે તેવી ચર્ચા ભાજપના વર્તુળોમાં ચાલી રહી છે. આ દરમિયાન જ આંજણા પટેલ સમાજના એક સમારોહમાં કોઇએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શંકર ચૌધરી હોવા જોઇએ તેવી વાતનો મમરો મૂકીને ચૌધરીની રાજકીય કારકિર્દીને એક ધક્કો આપવાનું કામ તો કરી જ દીધું છે.

હાર્દિકનો દિલ્લી પ્રવાસ, કોઈ મોટી જવાબદારીની વકી
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ હમણાં દિલ્હીની મુલાકાતે હતા. અહીં તેમણે કોંગ્રેસના નેતાઓ શશિ થરૂર, કમલનાથ વગેરે સાથે મુલાકાત કરી હતી. હાર્દિક ગાંધી પરિવારમાં રાહુલ અને પ્રિયંકા બન્નેની ખૂબ નજીક છે અને તે એટલા નજીક છે જેટલાં ગુજરાત કોંગ્રેસના અન્ય કોઇ નેતા નથી. હવે આ સમીકરણોને જોતાં હાર્દિક પટેલને કોઇ મોટી જવાબદારી મળી શકે છે તેવો ગણગણાટ શરૂ થયો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અંગે હજુ હાઇકમાન્ડ કોઇ નિર્ણય લઇ શક્યું નથી ત્યાં હાર્દિક માટે કોઇ સારાં પદના એંધાણ કેટલાંક નેતાઓ જોઇ રહ્યાં છે. આ ઉપરાંત હાર્દિકને કોંગ્રેસ ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પણ કોઇ મહત્ત્વની જવાબદારી આપી શકે તેવી પણ ચર્ચા તેજ બની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પણ કોંગ્રેસ મજબૂત ચહેરા તરીકે હાર્દિકને આગળ કરવાની ગણતરીમાં છે.

રાજકુમાર હવે ગુજરાત પર ફોકસ કરી રહ્યા છે
કેન્દ્રમાં ડિફેન્સ વિભાગમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇએએસ અધિકારી રાજ કુમાર હવે ગુજરાત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે. ગુજરાતને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવાનું વડાપ્રધાન નરેન્દ મોદીનું સ્વપ્ન પૂરું કરવું તેમની પ્રાથમિકતા રહેશે. હમણાં જ કેવડિયામાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની સાથે તેઓ આવ્યા હતા જ્યાં 2022માં ગુજરાતમાં ડિફેન્સ માટેનો એક્સ્પો યોજવા અંગે તેમણે કરારો કર્યાં હતાં. હવે આ ડિફેન્સ એક્સ્પો થકી ગુજરાતમાં અને વિશેષતઃ ધોલેરામાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગના એકમો પ્રસ્થાપિત કરવા માટે અત્યારથી જ તેઓએ કામગીરી શરૂ કરી છે. ગુજરાત સરકારે એર માર્શલ ધીરને આ માટે જવાબદારી સોંપી છે, પરંતુ હવે ગુજરાત સરકારને પણ ધીર કરતાં વધુ શ્રદ્ધા રાજકુમાર પાસે છે, જેથી મોદીનું આ અધૂરું સ્વપ્ન જલ્દી પૂરું થાય.

પંકજ કુમારે ફેરવેલમાં ગૃહ વિભાગની દરેક શાખામાં જઇને કર્મચારીઓની મુલાકાત લીધી
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની નિયુક્તિ મુખ્ય સચિવ તરીકે થતા ગૃહ વિભાગે તેમનો વિદાય સમારોહ યોજ્યો હતો. પંકજકુમારે ગૃહવિભાગના તમામ કર્મચારીઓ અને અધિકારીઓનો આભાર વ્યક્ત કરતાં દરેક શાખામાં રૂબરૂ જઇ તેમને મળ્યા હતા. પંકજ કુમારે તે સહુને ખૂબ લાગણીશીલ વક્તવ્ય આપ્યું. ગૃહ વિભાગના અમુક કર્મચારીઓની આંખો આ દરમિયાન ભીની થઇ ગઇ હતી. પંકજ કુમાર પણ આ સમયે ભાવુક દેખાયા હતા. કર્મચારીઓએ કહ્યું કે અનેક ગૃહ સચિવો આવ્યા અને ગયા પરંતુ કુમારે તેમને લાગણીના સંબંધથી જોડી રાખ્યા. કુમારે તેમને સહુને ખૂબ લગન અને નિષ્ઠાથી કામ કરવાની સલાહ આપી અને ભવિષ્યમાં મુખ્ય સચિવ તરીકે તેઓ દરેક કર્મચારીઓની દરેક બાબતનો ખ્યાલ રાખશે તેવું વચન પણ આપ્યું. આ પૂર્વે આઇપીએસ એસોસિએશન પણ તેમને વ્યક્તિગત રીતે મળ્યું હતું અને તેમના પ્રમોશનની અટકેલી પ્રક્રિયા અંગે રજૂઆત કરી હતી, તે હવે ક્યારે પાર પડશે તેના પર સહુની નજર છે.

રાજીવ ગુપ્તા હવે વાઇબ્રન્ટ મોડમાં આવ્યા
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા હાલ આવતાં વર્ષે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને વાઇબ્રન્ટ મોડમાં આવી ગયા છે. આ તૈયારીઓને લઇને હાલ સમગ્ર ઉદ્યોગ વિભાગની કામગીરી હવે ધમધમવા લાગી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે મહેમાનોને આમંત્રણ આપવાથી માંડીને તેમના આગમન અને એકોમોડેશન અંગેની વિચારણા હવે શરૂ થઇ ગઇ છે. તે ઉપરાંત ગુજરાતમાં આગામી સમયમાં સંભવિત ક્ષેત્રોમાં રોકાણ માટેની વ્યવસ્થા અંગે વ્યૂહ પણ ઘડાઇ રહ્યો છે. આ દરમિયાન હવે ગુજરાતના એમએસએમઇ એકમોને કોરોના સમયે પડેલી ખોટ પૂરી થાય અને તેમને નવા વ્યાપાર મળતાં થાય તે એક મુખ્ય ધ્યેય રહેશે.

એચ. કે. પટેલ રાજકારણમાં ઝંપલાવશે?
રાજ્યના 2005ની કેડરના આઇએએસ અધિકારી એચ. કે. પટેલે અચાનક જ રાજીનામું ધરી દેતાં આશ્ચર્ય સર્જાયુ છે. તેઓ આવતાં વર્ષના ઓક્ટોબરમાં જ રિટાયર થવાના હતા પરંતુ એક વર્ષ વહેલું રાજીનામું આપી દેતાં તર્ક શરૂ થયાં છે કે પટેલ આગામી સમયમાં રાજકારણમાં ઝંપલાવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓને ટિકિટ મેળવવાની ઇચ્છા હોઇ શકે છે. આ અગાઉ ગુજરાતના આઇએએસ અધિકારીઓ આર. એમ. પટેલ અને એસ. એસ. પટેલ ભાજપમાં જોડાયા હતા અને હવે આ વધુ એક અધિકારી પણ આ રાહ પકડી શકે તેવી ચર્ચા ચાલી છે. જો કે હાલ એવું જાણવા મળ્યું છે કે પટેલ પોતાના પરિવાર સાથે વિદેશ સ્થાયી થવા માગતા હોઇ તેમણે આ પગલું ભર્યું છે. હાલમાં જ તેમને સેક્રેટરી કક્ષાનું પ્રમોશન મળ્યું હતું અને એક વર્ષ સુધી સેક્રેટરી પદે સરકારમાં કામ કરવાને બદલે તેમણે વહેલું રાજીનામું આપી દીધું તે નિરાંતે આરામ કરવા માટે તો નહીં જ આપ્યું હોય તે તર્ક ખોટો ન હોઇ શકે.

અન્ય સમાચારો પણ છે...