અમદાવાદના બાવળામાં એક સમાજના વોટ્સએપ ગ્રુપમાં વિવાદાસ્પદ મેસેજ કરતા કુટુંબીજને નિવૃત્ત આર્મી જવાનની હત્યા કરી છે. જ્યારે નવરંગપુરાના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હસમુખ ગઢવીએ નિવૃત્ત આર્મી જવાન પર છરીથી હુમલો કર્યો
અમદાવાદ જિલ્લાના બાવળામા આવેલા ભાગ્યશ્રી સોસાયટીમાં હિંસક જુથ અથડામણ થઇ છે. જેમાં એક નિવૃત્ત આર્મી જવાનની ઘટના સ્થળ પર હત્યા કરવામાં આવી છે. જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજા પામ્યો છે. ભાગ્યશ્રી સોસાયટીમાં બનેલી આ ઘટનામાં હર્ષદ ઉર્ફે હસમુખ ગઢવીએ નિવૃત્ત આર્મી જવાન જયપાલસિંહ ગંભીરસિંહ ગઢવી ઉપર છરીથી હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. જ્યારે જયપાલસિંહને બચાવવા માટે વચ્ચે પડેલા અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ કૃણાલ નવલસિંહ ગઢવી ઉપર પણ હસમુખ ગઢવી અને તેના પરિવારે છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી ગઢવી સમાજમાં શોક ફેલાયો છે. પરિવારે આરોપીઓને સજા મળે તેવી માંગ કરી છે.
સોસાયટીમાં બધાની સામે જયપાલસિંહને છરીના ઘા ઝીંકી દીધા
આ હત્યા કેસ અંગે તપાસ કરતા ખુલ્યું છે કે મૃતક અને આરોપીઓ સંબંધીઓ થાય છે. મૂળ રણાસર ગામમાં આરોપી હસમુખની પત્ની રેણુકા સરપંચ હતી.પરંતુ રેણુકાને સરપંચ પદેથી સસ્પેન્ડ કર્યા હતા. જેથી આરોપીઓને મૃતકના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું મનદુઃખ હતું. જેથી 11 ઓગસ્ટની રાત્રે ગઢવી સમાજના વોટ્સએપ ગ્રુપમાં કોઇક ચેટિંગ બાબતે મામલો બીચક્યો હતો. ચેંટિંગ વિવાદાસ્પદ હોવાથી હસમુખ ગઢવી અને જયપાલ સિંહ ગઢવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બન્ને બાજુબાજુની સોસાયટીમાં રહેતા હોવાથી જયપાલસિંહ અને કુણાલ હસમુખના ઘરે પહોંચ્યા હતા. જેથી ઉશ્કેરાયેલા હસમુખે સોસાયટીમાં બધાની સામે જયપાલસિંહને છરીના ઘા ઝીંકી દીધા હતા. આ હિંસક ઘટનામાં જયપાલસિંહનું ઘટના સ્થળે મોત થયુ હતું.
જ્યારે પોલીસ કોન્સ્ટેબલ કૃણાલ ગઢવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બાવળા પોલીસે જયપાલસિંહની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસ શરૂ કરી છે. બાવળા પોલીસે હત્યા કેસમાં હસમુખ ગઢવી, તેની પત્ની રેણુકા ગઢવી, પુત્ર પૃથ્વી ગઢવી અને ભાઈ સુરેશ ગઢવી વિરુદ્ધ ગુનો નોંધીને હસમુખ ગઢવીની ધરપકડ કરી છે. જ્યારે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.