મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ, ભરતસિંહે કહ્યું, 'સક્રિય રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લઉં છું, હજી ત્રીજા લગ્ન પણ કરવા છે'

22 દિવસ પહેલા

નમસ્કાર,

આજે શનિવાર છે, તારીખ 4 જૂન, જેઠ સુદ-પાંચમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે સવારે 8 વાગ્યે ગુજરાત બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે

2) પાલનપુર બસ પોર્ટનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરાશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ભરતસિંહની મોટી જાહેરાત:સક્રિય રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લઉં છું, હજી ત્રીજા લગ્ન પણ કરવા છે, છૂટાછેડાની રાહ જોઉં છું

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના વિખવાદને લઈને શુક્રવારે પત્રકાર પરિષદ કરી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે. તેણે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ તેવું પૂછે છે. મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. મારા વિરોધીઓને આવા વિવાદોમાં જ રસ છે. મારે હજી ત્રીજા લગ્ન કરવાના છે. હું મારા છુટા છેડાની રાહ જોઈ રહ્યો છું.આજે મેં વિચાર કર્યો છે કે સક્રિય રાજકારણમાંથી મારે વિરામ લેવો છે. આ નિર્ણય મારો પોતાનો અંગત નિર્ણય છે.

વાંચો સમાચાર વિગતવાર

2) DCPનું મીડિયા સાથે ગેરવર્તન:હીરાસર એરપોર્ટ પર 2 મીડિયાકર્મીનું ગળું પકડ્યું, 7ને પોલીસ વાનમાં બેસાડ્યા, મુખ્યમંત્રીએ દિલગીરી વ્યક્ત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે, એના પ્રથમ ફેઝનું કામ આગામી સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાત પર આવ્યા હતા, પરંતુ રાજકોટ ઝોન 1ના DCP પ્રવીણકુમાર મીણાએ મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. મીડિયાકર્મીઓ હેલિપેડ નજીક ઊભા હતા, ત્યારે પ્રવીણકુમાર મીણાએ ગેરવર્તન કર્યું હતું. બે કેમેરામેનનું ગળું દબાવી ધક્કો માર્યો હતો અને અટકાયત કરવાની વાત કરી હતી. બાદમાં પાંચથી સાત મીડિયાકર્મીને પોલીસવાનમાં બેસાડી અટકાયત કરી હતી અને પછી છોડી દેવામાં આવ્યા હતા. જોકે સમગ્ર મામલે મીડિયાકર્મીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરતાં તેમણે દિલગીરી વ્યક્ત કરી હતી. જોકે આ મામલે રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ પાર્થરાજસિંહ ગોહિલને તપાસના આદેશ કર્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

3) MLA રિપોર્ટ કાર્ડ:ગુજરાતના ધારાસભ્યોનું વિકાસ ફંડ 1004 કરોડ, 677 કરોડ જ ખર્ચ્યા, ગૃહની કામગીરી માત્ર 28 ટકા જ ચાલી

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકાર વિધાનસભામાં વિપક્ષના જે સવાલોનો મૌખિક જવાબ આપવાનો હોય છે તેવા તારાંકિત પ્રશ્નોના જવાબ મામલે મૌન રહી છે.વર્ષ 2017થી 2022ના પાંચ વર્ષના વિવિધ સત્રોમાં ગુજરાતની પ્રજાના પ્રતિનિધિઓએ સરકાર અને મંત્રી સમક્ષ 38,121 પ્રશ્નો પૂછ્યા હતા તેમાંથી માત્ર બે ટકા કે 600 પ્રશ્નોના જ જવાબ આપવામાં આવ્યા હતાં. બીજી તરફ રાજસ્થાન કરતાં ગુજરાત વિધાનસભાની કામગીરીની ટકાવારી પણ ઓછી નોંધાઈ છે.

વાંચો સમાચાર વિગતવાર

4) ઉત્તર પ્રદેશમાં જુમ્માની નમાજ બાદ ભારે હિંસા, દુકાનો બંધ કરાવવાના મુદ્દે બે સમુદાય વચ્ચે અથડામણ, પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો

ઉત્તર પ્રદેશના કાનપુર બેકનગંજ વિસ્તારમાં જુમ્માની નમાજ બાદ તોફાન થયા છે. બજાર બંધ કરવાની જાહેરાતમાં બે સમુદાય વચ્ચે ભારે પથ્થરમારો થયો છે. હિંસાને અટકાવવા માટે સ્થળ પર પહોંચેલા પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ ઉપર પણ પથ્થરમારો કર્યો છે. આ ઘટના બની તે વિસ્તારમાં બન્ને કોમની મિશ્ર વસ્તી છે.મુસ્લિમ નેતા હયાત જફર હાશ્મી દ્વારા બજારો બંધ કરવા આપેલા આહવાનને લીધે આ હિંસક સ્થિતિની શરૂઆત થઈ હતી. ભાજપ પ્રવક્તા નૂપુર શર્માએ ટીવી ડિબેટ સમયે પૈગમ્બર મોહમ્મદ સાહેબ અંગે કરવામાં આવેલી ટિપ્પણીથી મુસ્લિમ સમાજ નારાજ હતો. શુક્રવારે બજાર બંધ કરાવવામાં આવ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

5) અનંતનાગની પંડિત કોલોની ખાલી, હત્યાઓ પછી 90% કાશ્મીરી પંડિતોએ રાતોરાત ઘર છોડ્યું, કહ્યું- હવે ધીરજ ખૂટી ગઈ

ઘાટીમાં સતત થતી હત્યાઓ પછી કાશ્મીરી પંડિતો તેમનાં ઘર છોડીને જઈ રહ્યા છે. PM પેકેજમાંથી મળેલા અનંતનાગના મટ્ટનમાં આવેલી પંડિત કોલોનીમાં સન્નાટો છવાઈ ગયો છે. ભાસ્કર સાથે વાત કરતાં કાશ્મીરી પંડિત રંજન જ્યોતિષીએ જણાવ્યું હતું કે અનંતનાગમાં આવેલા મટ્ટનની કાશ્મીરી પંડિત કોલોની 90 ટકા ખાલી થઈ ગઈ છે. લોકોની ધીરજ ખૂટી ગઈ છે, તેથી તેઓ અડધી રાતથી જ પલાયન કરવા લાગ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

6) 13 જૂને EDની સામે હાજર થશે રાહુલ ગાંધી, તપાસ એજન્સીની નોટિસ પછી માગી નવી તારીખ

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી હવે 13 જૂને ED સામે હાજર થવાના છે. EDએ રાહુલ ગાંધી અને સોનિયાને સમન્સ મોકલ્યો છે. ત્યાર પછી રાહુલ ગાંધીએ તપાસ એજન્સી પાસે નવી તારીખ માગી હતી. એમાં સોનિયા ગાંધીએ 8 જૂને હાજર થવાનું છે, જ્યારે રાહુલ ગાંધીએ 13 તારીખે હાજર થવાનું છે. સોનિયા ગાંધી અત્યારે કોરોના પોઝિટિવ છે, પરંતુ કોંગ્રેસે ખુલાસો કરી દીધો છે કે તેઓ ઈડીની સામે હાજર રહેશે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) વડોદરામાં ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન:'દિપક નાઇટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગના ઘટનાની તપાસ કરવામાં આવશે'

2) ભરતસિંહ મામલે 'અંદરની વાત' જાણવા કોંગ્રેસ હાઇકમાન્ડે એક નેતાને કામે લગાડ્યા, રિપોર્ટના આધારે પગલાં લેવાઈ શકે

3) સાત સમુંદર પાર ગુજરાતીનું સન્માન:પોલેન્ડમાં સ્કવેર,શાળા અને પાર્ક બાદ હવે ટ્રામને પણ જામ દિગ્વિજયસિંહનું નામ અપાયુ

4) નડિયાદમાં પ્રથમ વખત રાષ્ટ્રીય એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન, દેશભરમાંથી 40 ઈવેન્ટમાં 800થી વધારે ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દેખાડશે

5) રાજકોટની યુવતીએ સતત 11 કલાકની ચઢાઈ બાદ 17 હજાર ફૂટ ઊંચા બર્ફીલા શિખર માઉન્ટ ફ્રેન્ડશીપને સર કર્યું

6) મૂસેવાલાની હત્યા પહેલાં પિતાને ધમકી મળી હતી, ફોન પર અજાણ્યા શખસે કહ્યું હતું- તમારો દીકરો ખોટી-ખોટી વાતો કરે છે; સમજાવી દો તેને

7) એનર્જી બિઝનેસ વધારવા અદાણી એગ્રેસીવ, રૂ. 1,913 કરોડમાં એસ્સારનો ટ્રાન્સમિશન બિઝનેસ હસ્તગત કર્યો

8) સિંગર કેકેના હૃદયની ચારેબાજુ ચરબીનું સફેદ પડ જામી ગયું હતું, શરીરમાંથી 10 અલગ અલગ જાતની દવા મળી, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો

9) આકાશ ચોપરા પર પોલાર્ડ ભડક્યો, કહ્યું- ફોલોઅર્સ વધારવા વિવાદાસ્પદ ટિપ્પણી કરે છે, પછી ટ્વીટ ડિલિટ કરી દીધું

આજનો ઈતિહાસ
વર્ષ 2016માં આજના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા હતા

અને આજનો સુવિચાર
સપનાંઓ સ્વયં પૂરા કરો, ન તો સંજોગો સાથે હશે અને ન તો લોકો.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...