નમસ્કાર,
આજે સોમવાર છે, તારીખ 6 જૂન, જેઠ સુદ-છઠ.
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે સવારે 8 વાગ્યે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે
2) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે મહેસાણામાં તિરંગા યાત્રા યોજશે
3) આજે અમદાવાદથી સચિવાલય સુધી માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા સન્માન યાત્રા યોજાશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) હાર્દિકના ભાજપ પ્રવેશનો વિરોધ, ઊંઝાના ઉનાવામાં પાટીદાર અગ્રણીએ હાર્દિકના પોસ્ટર પર કાળી શાહી લગાવી
હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા પાટીદાર યુવાનોમાં આક્રોશ છે. ત્યારે મહેસાણાના ઉનાવા ખાતે હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટર પર કાળી શાહી લગાવીને રોષ ઠાલવવામાં આવ્યો છે. પાટીદાર યુવા અગ્રણી ધનજી પાટીદારે હાર્દિક પટેલને આવકારતા પોસ્ટર પર હાર્દિકની તસવીર અને હાર્દિકના નામ પર કાળી શાહી લગાવી છે. ધનજી પાટીદારે શાહી લગાવતો વીડિયો પણ બનાવ્યો છે.
2) સુરેન્દ્રનગરના સુદામડામાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સામસામે હવામાં ફાયરિંગ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામમાં અંગત અદાવતમાં બે જૂથ આમને સામને આવી જતા સામસામે હવામાં ફાયરીંગ કર્યા હતા અને ઘરમાં ભરેલી કડબને આગ ચાંપી દીધી હતી. અથડામણમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાના પગલે સુદામડા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગામમાં પહોંચ્યા છે.
3) રાજકોટમાં CR અને નરેશ પટેલ સાથે જોવા મળ્યા, ખોડલધામ ચેરમેને કહ્યું- હજુ નક્કી જ નથી થયું કે હું રાજકારણમાં આવું છે કે નહીં
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ રવિવારે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓએ રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર બની રહેલા ભાજપના ‘મિની કમલમ’ કાર્યાલયની સ્થળ વિઝિટ કરી હતી. બાંધકામથી લઇને કાર્યાલયમાં કેવી કેવી વ્યવસ્થા છે તેનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં પાટીલ 5.15 વાગ્યે તેઓ મવડી રોડ પર આવેલા જીથરીયા હનુમાન પાસે ધ જીમ વર્લ્ડના ઓપનિંગના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ સાથે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આટકોટમાં પાટીદાર સમાજની હોસ્પિટલના ઉદઘાટનમાં આમંત્રણ હોવા છતાં પણ નરેશ પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી દૂરી બનાવી હતી. જ્યારે પાટીલ સાથે જોવા મળતા લોકોમાં અચરજ જોવા મળ્યું હતું.
4) ઉત્તરાખંડમાં યમુનોત્રી જઈ રહેલી બસ ઊંડી ખીણમાં પડી; 26 શ્રદ્ધાળુનાં મોત, બસમાં 40 લોકો મુસાફરી કરતા હતા
ઉત્તરાખંડમાં ભીષણ અકસ્માત સર્જાયો છે. યમુનોત્રી જઈ રહેલી બસ ઊંડી ખીણમાં પડી ગઈ છે. આ બસમાં ઓછામાં ઓછા 40 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા.પોલીસ અને SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય હાથ ધર્યું છે. યમુનોત્રી નેશનલ હાઈવે પર ડામવા નજીક આ દુખદ ઘટના સર્જાઈ છે. બસ અનિયંત્રિત થઈ ખીણમાં પડી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા 26 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ બસ આશરે 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ ઘટનામાં મોટાભાગના લોકોની સ્થિતિ ગંભીર હોવાની માહિતી મળી છે.
5) પયંગબર પર કરેલી ટિપ્પણી પછી ભાજપની કાર્યવાહી, પ્રવક્તા નૂપુર શર્માને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા, કહ્યું- અમે દરેક ધર્મોનું સન્માન કરીએ છીએ
ભાજપના પ્રવક્તા નૂપુર શર્માને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. નૂપુરે પયંગબર મોહમ્મદ સાહેબ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. જે બાદ પાર્ટીએ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ભાજપે કહ્યું કે અમે તમામ ધર્મો અને તેમના પૂજ્યનું સન્માન કરીએ છીએ. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે એક લેટર જાહેર કરી કહ્યું કે ભાજપ તમામ ધર્મોનું સન્માન કરનારી પાર્ટી છે.
6) જમ્મુ કાશ્મીર પોલીસને મોટી સફળતા, હિઝબુલ કમાન્ડર તાલિબની ધરપકડ, DGP દિલબાગે કહ્યું- ટાર્ગેટ કિલિંગમાં સામેલ 47 મોડ્યૂલ ધ્વસ્ત કર્યા
જમ્મુ કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે હિઝબુદ મુજાહિદ્દીનના કમાન્ડર તાલિબ હુસૈનને બેંગલુરુથી જીવતો પકડ્યો છે. આ આતંકીઓની A લિસ્ટમાં સામેલ હતો. 17 રાષ્ટ્રીય રાયફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં આ સફળતા મળી છે. હિઝબુલ મુજાહિદ્દીનના કિશ્તવાડ વિસ્તારમાં ફરી ભરતી કરીને પોતાના કેડરને ફરીથી સંગઠિત કરવાનો અને મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું હતું.
7) બાંગ્લાદેશમાં કન્ટેનર ડેપોમાં ભીષણ આગ, 43 લોકોનાં મોત, 450થી વધુ લોકો ઈજાગ્રસ્ત
દક્ષિણ-પુર્વ બાંગ્લાદેશમાં એક ખાનગી કન્ટેનર ડેપોમાં શનિવારે રાત્રે બ્લાસ્ટ થયો હતો, જેમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 43 લોકોનાં મોત થયા હતા અને 450થી વધું લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 'ઢાકા ટ્રિબ્યુન' અનુસાર, ચટ્ટોગામના BM કન્ટેનર ડેપો શનિવારે રાત્રે આગ લાગી હતી. 'ધ ડેઇલી સ્ટાર' અનુસાર આગ પર કાબૂ મેળવવા માટે સેનાને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની સિંહ સાથેની તસવીર વાઈરલ થઈ, વનવિભાગે તપાસના આદેશ આપ્યા
2) મોંઘવારીનો વિરોધ:અમદાવાદ શહેર યુથ કોંગ્રેસનું મોંઘવારી મુદ્દે પ્રચંડ વિરોધ પ્રદર્શન, બળદગાડા અને બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર
3) અમદાવાદના વેજલપુરમાં પરિવાર બહાર ગયો અને ફ્લેટમાં આગ લાગી, અશક્ત વૃદ્ધ પલંગમાં જ ભડથું થઈ ગયા
4) વડોદરાથી 101 બસને મહેસૂલ મંત્રીએ પ્રસ્થાન કરાવ્યું, 6 હજાર સિનિયર સિટીઝન ડાકોર સહિતના ધાર્મિક સ્થાનોના દર્શન કરશે
5) શિક્ષણમંત્રીની કાર પર વાંદરાઓએ કૂદકા માર્યા, કાચના કુચ્ચા કરી નાખ્યા, સમન્વય બેઠકમાં હાજરી આપવા આવ્યાં હતા
6) અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ફાયરિંગ, હુમલાખોરે ભીડ ઉપર આડેધડ ગોળીઓ વરસાવી; 3 લોકોના મોત, 11 ઈજાગ્રસ્ત થયા
7) મ્યાનમારમાં સજા-એ-મોત ફરી શરૂ, 34 વર્ષ બાદ ફાંસીની સજા, ભૂતપુર્વ સાંસદ સહિત 2 લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી
8) કરણ જોહરની બર્થડે પાર્ટીમાં સામેલ કેટરીના-શાહરુખ કોરોના પોઝિટિવ, 55 મહેમાનોને ચેપ લાગ્યો હોવાની શક્યતા
આજનો ઈતિહાસ
વર્ષ 1674માં આજના દિવસે છત્રપતિ શિવાજી મહારાજનો રાયગઢના કિલ્લામાં રાજ્યાભિષેક થયો હતો
અને આજનો સુવિચાર
શિક્ષણ ભવિષ્યનો પાસપોર્ટ છે, કારણ કે આવનારી કાલ તેની છે, જે એના માટે આજથી તૈયારી કરે છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.