ગૂજરાત વિદ્યાપીઠની ટ્રસ્ટી મંડળની બેઠક:8 ટ્રસ્ટીઓના રાજીનામાનો સ્વીકાર કરાયો, કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રત પ્રથમ વખત હાજર

એક મહિનો પહેલા

ગુજરાત વિદ્યાપીઠમાં આજે મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર સમારોહ યોજાયો હતો. જેમાં સમાજ સેવક મનસુખભાઈ સલ્લાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં અગાઉ 8 ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા હતા તે રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

ગત વર્ષે 8 ટ્રસ્ટીઓએ રાજીનામા આપ્યા હતા
ગૂજરાત વિદ્યાપીઠમાં ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઇ હતી. આચાર્ય દેવવ્રત કુલપતિ તરીકે નિમાયા બાદ પ્રથમ વખત તેમની હાજરીમાં ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા ચાલી હતી, ત્યારે 17 ઓક્ટોબરે રાજીનામાં આપનાર 8 ટ્રસ્ટીઓના રાજીનામાના મુદ્દા પર ચર્ચા થઈ હતી અને 8 ટ્રસ્ટીઓના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નવા 4 ટ્રસ્ટીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. હર્ષદ પટેલ, ડીપી ઠાકર, રાજેશ્રી બિરલા અને ગફુર બીલખિયા વિદ્યાપીઠના નવા ટ્રસ્ટી બન્યા હતા.

હજુ 3 ટ્રસ્ટીઓની નિમણૂક કરાશે
ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવતા વિદ્યાપીઠના 8 ટ્રસ્ટીઓને વિરોધ સાથે રાજીનામાં આપ્યા હતા. આચાર્ય દેવવ્રત ગાંધી વિચારધારાના ના હોવાથી ટ્રસ્ટીઓએ વિરોધ કરીને રાજીનામાં આપ્યા હતા. જોકે તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને સમજાવવાનો પ્રયત્ન કરવમાં આવ્યો હતો. પરંતુ આજે જ્યારે આચાર્ય દેવવ્રતની હાજરીમાં ટ્રસ્ટી મંડળની પ્રથમ બેઠક મળતાં જ રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 4 નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી અને હજુ 3 ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવશે.

મનસુખભાઇ સલ્લાને 2022નો પુરસ્કાર એનાયત
આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠમાં આજે મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા. સમાજ સેવક મનસુખભાઇ સલ્લાને વર્ષ 2022નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આચાર્ય દેવવ્રર્તે ગાંધીવાદી વિચારધારા ધરાવતા મનસુખભાઈને પુરસ્કાર આપ્યો હતો.

આચાર્ય મનસુખ સલ્લાને પુરસ્કાર અર્પણ
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધી વિચારના કેળવણીકાર, સાહિત્યકાર અને આચાર્ય મનસુખ સલ્લાને શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર અર્પણ કર્યો હતો. પુરસ્કાર અર્પણ કરતા આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, મનસુખ સલ્લાની સૌમ્યતા, સરળતા અને સાદગી જ દર્શાવે છે કે, તેમણે પૂજ્ય ગાંધીજીના વિચારોને આત્મીયતાપૂર્વક પોતાના જીવનમાં ઉતાર્યા છે. તેમના વ્યક્તિત્વ, સાહિત્યલેખન અને કર્મયોગમાંથી પ્રેરણા લેવા અને ભવિષ્યમાં આવા પુરસ્કારો મળે એવું જીવન જીવવા તેમણે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

મનસુખ સલ્લાએ સંસ્થાનું ગૌરવ વધાર્યું: આચાર્ય દેવવ્રત
ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે આયોજિત શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર-2022 અર્પણ સમારોહને સંબોધતા આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વર્ષ 1965માં ગુજરાત વિદ્યાપીઠમાંથી અનુસ્નાતક થયેલા મનસુખ સલ્લાને આજે ગુજરાત વિદ્યાપીઠ આ પુરસ્કારથી સન્માનિત કરી રહી છે, એ ઘટના પૂજ્ય મહાત્મા ગાંધીના વિચારો અને આ સંસ્થાના ઉદ્દેશ્યની પૂર્તિનું મોટું ઉદાહરણ છે. મનસુખ સલ્લાએ કેળવણી અને સાહિત્યના ક્ષેત્રે સમાજમાં નોંધપાત્ર યોગદાન આપીને આ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. પૂજ્ય મહાત્મા ગાંધીના આત્માને શાંતિ મળે એવો આ અવસર છે.

‘પૂજ્ય બાપુના વિચારોને જીવનમાં ઉતાર્યા’
પૂજ્ય ગાંધીબાપુના અંતેવાસી મહાદેવભાઈ દેસાઈએ સમાજસેવા, લોકસેવા અને રાષ્ટ્રસેવા માટે પૂજ્ય બાપુને જાત સમર્પિત કરી હતી. આ દેશમાં અંગ્રેજોનું શાસન હતું, ત્યારે પૂજ્ય બાપુએ શિક્ષણના માધ્યમથી ભારતીય જનમાનસમાં જીવનમૂલ્યો, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાની સ્થાપના માટે અતુલ્ય પ્રયત્નો કર્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે, પૂજ્ય બાપુના વિચારોને જીવનમાં ઉતારનાર મનસુખ સલ્લાને અનેક બહુમાનો મળ્યા છે. પણ આજે માતૃસંસ્થા સન્માન કરી રહી છે તેનું મહત્વ સ:વિશેષ છે.

‘આ સન્માનથી આપણે ગૌરવાન્વિત થયા’
મનસુખ સલ્લાનું નામ જ મનને સુખ આપનારું છે. એમ કહીને આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ એમના વ્યક્તિત્વમાંથી સાદગી અને સરળતા શીખવા જેવી છે. સાદગી મનુષ્યની મોટામાં મોટી તાકાત હોય છે. સાદું જીવન અને ઉચ્ચ વિચારો પૂજ્ય ગાંધીજીના જીવનમાંથી આ પ્રેરણા લેવા જેવી છે. સરળતા અને સાદગી માનવીને નવી ઊંચાઈ અર્પે છે. મનસુખ સલ્લાની સૌમ્યતા અને સરળતા તેમના વ્યક્તિત્વની મોટી પૂંજી છે. અન્યની ભલાઈ માટે જીવન વ્યતિત કરે, અન્યના આંસુ પોતાની આંખેથી વહાવી જાણે અને અન્યની પીડાને પોતાની પીડા બનાવે તેવા પૂજ્ય બાપુના જીવન દર્શનને અપનાવીને શ્રેષ્ઠ કર્મો દ્વારા જે પોતાનું જીવન ઉન્નત બનાવે એ જ આવનારી પેઢીને પ્રેરણા આપી શકે. સમાજ એવા જ લોકોને શોધીને સન્માન કરે છે. મનસુખ સલ્લાએ ગુજરાત વિદ્યાપીઠના આદર્શોને જીવનમાં અપનાવ્યા છે. આવા મનસુખ સલ્લાના સન્માનથી આપણે ગૌરવાન્વિત થયા છીએ એમ તેમણે કહ્યું હતું.

‘શિક્ષકોનું જીવન આદર્શ અને પ્રેરણાદાયી હોવું જોઈએ’
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં ઉમેર્યું હતું કે, જેને માતા-પિતા અને ગુરુ શ્રેષ્ઠ મળ્યા છે, ધર્માત્મા મળ્યા છે એનું જીવન ધન્ય છે. વિદ્યાર્થીઓ, બાળકો, શિક્ષકોના ભાષણોથી નથી શીખતા, તેઓ શિક્ષકો, ગુરૂજનોના વર્તનનું અવલોકન કરીને શીખતા હોય છે. એટલે શિક્ષકોના જીવન આદર્શ અને પ્રેરણાદાયી હોવા જોઈએ. તેમણે મનસુખ સલ્લાને અભિનંદન પાઠવ્યા હતા કે, તેમણે પોતાના કર્મોથી અનેક આદર્શ છાત્રોનું નિર્માણ કર્યું છે. તેમણે શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર માટે મનસુખ સલ્લા જેવા યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા બદલ પસંદગી સમિતિને પણ અભિનંદન પાઠવ્યા હતા.

આજનો દિવસ મારા જીવનમાં મધુરઃ મનસુખ સલ્લા
પુરસ્કાર પ્રાપ્ત કરતાં પોતાનો પ્રતિભાવ આપતા મનસુખ સલ્લાએ જણાવ્યું હતું કે, મારી માતૃસંસ્થા-જ્ઞાનસંસ્થા મને પોંખી રહી છે, એટલે આજનો દિવસ મારા જીવનમાં મધુર અને આગવો દિવસ છે. આ પુરસ્કાર મારા માટે ગૌરવની સાથોસાથ જવાબદારી પણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જીવનમૂલ્યો જ કરોડરજ્જુ છે, એને જાળવીએ તો જ આંતરિક વિકાસ સંભવ છે. શિક્ષક હોવાથી મોટું કોઈ સદભાગ્ય નથી. શિક્ષક તરીકે વિદ્યાર્થીવિકાસ અને સ્વવિકાસ એમ બે પાંખે ઉડવાનું છે. વિદ્યાર્થીઓને જવાબદારી સોંપીને જવાબદાર બનાવો. વિદ્યાર્થીઓમાં શુભનું વાવેતર જ શિક્ષકોનું આ સમાજમાં પ્રદાન છે. વૃક્ષો જેમ તેના ફળથી ઓળખાય છે, એમ શિક્ષક તેના વિદ્યાર્થીઓથી ઓળખાય છે. તેમણે શિક્ષકોને અનુરોધ કરતા કહ્યું હતું કે, નિષ્ઠા અને સચ્ચાઈથી કામ કરશો તો એ જરૂર ઊગી નીકળશે. શિક્ષકો માટે તેના આદર્શ વિદ્યાર્થીઓ જ સાચું બેન્ક બેલેન્સ છે. માતૃસંસ્થા ગુજરાત વિદ્યાપીઠે સન્માન કર્યું તેથી વિશેષ ગૌરવ અનુભવતા કહ્યું કે, મા કપાળે ચાંદલો કરે તો પણ ઘણું છે. તેમણે આ માટે ગુજરાત વિદ્યાપીઠનો આભાર માન્યો હતો.

સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુંઃ રાજેન્દ્ર ખીમાણી
ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ પ્રસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગાંધી વિચાર સાથે કાર્યરત બુનિયાદી શાળાઓમાં વાતાવરણ અને ભાવાવરણમાંથી જ બાળકો શીખે છે. શિક્ષણ અને સાહિત્યથી સમાજની સેવાનું ઉત્તમ ઉદાહરણ મનસુખ સલાએ પૂરું પાડ્યું છે. સમારોહના પ્રારંભે કાર્યકારી કુલસચિવ ડૉ. નિખિલ ભટ્ટે સ્વાગત ઉદબોધન કર્યું હતું. ગુજરાત વિદ્યાપીઠના ડૉ.દીપુબા દેવડાએ સન્માનપત્રનું વાંચન કર્યું હતું અને અંતમાં મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સંયોજક ડૉ. કમલેશ પટેલે આભારદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...