AMC દ્વારા સાબરમતી નદી પર અચેર ગામ અને કેમ્પ સદર બજારને જોડતો નવો બ્રિજ બનાવાશે. બ્રિજની નીચે અમદાવાદના રહીશોને લગભગ 15 દિવસ ચાલે એટલો પાણીનો સંગ્રહ કરી શકાય એ માટે વિયર-બેરેજ બનાવાશે. લગભગ 250 કરોડના ખર્ચે તૈયાર થનારા નવા બ્રિજને પરિણામે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે વધારાની કનેક્ટિવિટીનો ઉમેરો થશે તેમજ સાબરમતી, રાણીપ અને ચાંદખેડા વગેરે વિસ્તારોના રહીશોને સીધા એરપોર્ટ જવા-આવવામાં સરળતા રહેશે અને લગભગ 55 ટકા ટ્રાફિકનું ભારણ ઘટશે. નવો બ્રિજ તૈયાર થવાને લીધે શાહીબાગ અન્ડરબ્રિજ સુભાષબ્રિજ અને ડફનાળા થઈને એરપોર્ટ જવા-આવવામાં 8થી 10 કિ.મી.નું અંતર ઘટશે.
આ બ્રિજ 12 વર્ષથી ટલ્લે ચડયો હતો
AMC દ્વારા સાબરમતી નદી પર લગભગ 12 વર્ષ પહેલાં અચેર ડેપો અને તાજ સર્કલ- એરપોર્ટને જોડતો બ્રિજ બનાવવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી. તાજ હોટલ પાછળના વિસ્તારોમાં કેટલાક બિલ્ડરો અને રાજકારણીઓની સ્કીમો અને જમીન આવેલી હોવાને કારણે અચેર-તાજ સર્કલનો જોડતો સૂચિત બ્રિજ બનાવવા સામે વ્યાપક વિરોધ કરવાને કારણે એ 12 વર્ષથી ટલ્લે ચડયો હતો.
ડફનાળા નજીક આર્મીની જગ્યામાં વિશાળ શહીદ પાર્ક બનશે
દેશની રક્ષા કાજે શહીદ થયેલા ગુજરાતના સૈનિકોની યાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ડફનાળા નજીક આર્મીની જગ્યામાં વિશાળ શહીદ પાર્ક બનાવવામાં આવશે. શહીદ પાર્કની સાથે સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સોલ્જર રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત શહીદ પાર્ક બનાવવા મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રક્ષા મંત્રાલય વચ્ચે MOU કરવામાં આવ્યા છે. જમીન રિક્લેમ કરીને આગામી દિવસોમાં ઝડપથી શહીદ પાર્ક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
સાબરમતી રિવરફ્રન્ટ પર ફેઝ-2ની કામગીરી ચાલુ
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ડાયરેક્ટર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર.કે. મહેતાએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત ફેઝ-2ની કામગીરી ચાલી રહી છે, જેમાં ડફનાળા પાસે હનુમાન કેમ્પથી સદર બજાર તેમજ એરપોર્ટ સુધીની નદીના પટની જમીન આર્મી હસ્તગત જમીન આવેલી છે.
શહીદ પાર્કની ડિઝાઇન અંગે ટૂંક સમય નિર્ણય લેવાશે
આર.કે. મહેતાએ વધુમાં કહ્યું હતું કે રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળ આર્મીએ જમીન આપવાના બદલામાં કેમ્પ હનુમાન સામે આર્મીની જગ્યામાં ગુજરાતના શહીદ થયેલા સૈનિકોના સન્માનમાં શહીદ પાર્ક, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સોલ્જર રેસ્ટ રૂમ બનાવવાની માગ કરી હતી, જેને અમે સ્વીકારી છે. જમીન રિક્લેમ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ શહીદ પાર્કની ડિઝાઇન અને સ્વરૂપ અંગે આગામી સમયમાં આખરી નિર્ણય કરાશે.
ફૂટ-ઓવરબ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ
સાબરમતી પર બની રહેલા વિશાળ ફૂટ-ઓવર બ્રિજથી અમદાવાદને નવી ઓળખ મળશે. આશરે 90 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ બ્રિજનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થઈ જશે. એપ્રિલ-2019થી બ્રિજની કામગીરી શરૂ થઈ હતી, પરંતુ કોરોનાને કારણે કામ પૂરું થવામાં વિલંબ થયો હતો. જોકે હવે કોરોનાના કેસો ઘટતાં બ્રિજનું કામ પુન: શરૂ કરાયું છે. બ્રિજ તૈયાર કરવા આશરે 2100 ટન લોખંડનો ઉપયોગ થયો છે. 300 મીટર લાંબા બ્રિજને તૈયાર કરવા આઈઆઈટી ચેન્નઈ અને રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગના ડિઝાઇન ખાતાની મંજૂરી બાદ બ્રિજ બનવાની શરૂઆત થઈ હતી. ડિસેમ્બર-2021 સુધીમાં રાહદારીઓ, સાઇકલચાલકો માટે એનો ઉપયોગ શરૂ થઈ શકશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.