‘જજ સાહેબ! તેમને ફાંસી આપો’:અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ગુજરાતની પ્રજાની વિનંતી; 13 વર્ષ ટ્રાયલ ચાલી, માત્ર 16 મિનિટમાં ચુકાદો અપાયો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલના ટ્રોમા સેન્ટર બહાર થયેલા બોમ્બબ્લાસ્ટની ફાઇલ તસવીર. - Divya Bhaskar
સિવિલના ટ્રોમા સેન્ટર બહાર થયેલા બોમ્બબ્લાસ્ટની ફાઇલ તસવીર.
  • 5 પોઇન્ટમાં સમજો સિરિયલ બ્લાસ્ટ કેસ, એક જ કેસમાં એકસાથે 49 આરોપી દોષિત ઠર્યાની પ્રથમ ઘટના
  • કોર્ટે 49 આરોપીને દોષિત જાહેર કર્યા, તાજના એક સાક્ષીની સજા માફ કરાઇ અને 28 આરોપી દોષમુક્ત, આજે સજાનો ચુકાદો
  • મોટા કેસમાં પહેલી વખત વર્ચ્યુઅલ ચુકાદો, કુલ 78 આરોપી, 6,752 પેજમાં ચુકાદો, આજે વર્ચ્યુઅલ સીટિંગમાં સજા સંભળાવાશે

અમદાવાદમાં 26 જુલાઇ 2008ના રોજ 20 જગ્યાએ થયેલા સિરિયલ બ્લાસ્ટમાં ડેઝિગ્નેટેડ જજ અંબાલાલ પટેલે 6752 પાનાના ચુકાદામાં 78 આરોપી પૈકી 49 આરોપીને દોષિત ઠેરવ્યા છે, જ્યારે 28 આરોપીને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મૂક્યા છે. દોષિત ઠેરવેલા આરોપીઓને કોર્ટ બુધવારે સજા સંભળાવાશે.

કેસની 13 વર્ષની લાંબી કાર્યવાહી થઈ
દોષમુક્ત ઠરેલા 28 પૈકીના 22 આરોપીઓ વિરુદ્ધ અન્ય રાજ્યોમાં કેસ ચાલતા હોવાથી તેઓ જેલની બહાર નીકળી નહીં શકે. ઉલ્લેખનીય છે કે ત્રાસવાદી કૃત્ય બદલ દેશભરમાં પહેલીવાર એકસાથે 49 આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે આરોપીઓ વિરુદ્ધ જેહાદી ષડયંત્ર અને ત્રાસવાદી કૃત્ય માન્યું છે. 13 વર્ષની લાબી કાનૂની કાર્યવાહી પૂરી થતાં મંગળવારે ખાસ કોર્ટે ચુકાદો જાહેર કરવાનો નિર્દેશ કર્યો હતો. સૌ પ્રથમવાર આટલા મોટા કેસની કાર્યવાહી વીડિયો-કોન્ફરન્સથી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે તબક્કાવાર ચાર્જશીટ દાખલ કરી હતી
26 જુલાઇ 2008 શનિવારે સાંજે 6.15 થી 7.45 સુધીના 90 મિનિટના સમયગાળામાં 20 જગ્યાએ સાઇકલ, કાર અને બસમાં પ્લાન્ટ કરાયેલા બોંબબ્લાસ્ટ થતાં શહેર ધ્રૂજી ઊઠ્યું હતું. આ બ્લાસ્ટમાં 56 લોકોના મોત નીપજ્યાં હતાં. જ્યારે 246 લોકો ગંભીર રીતે ઘવાયા હતાં. જેમાં સિવિલ અને એલ.જી.હોસ્પિટલમાં ત્રાસવાદીઓએ પાર્ક કરેલી વેગન આર અને મારુતિ કારમાં બોંબ બ્લાસ્ટ થયા હતા. આ કેસમાં પોલીસે 19 દિવસમાં કેસને ઉકેલી તબક્કાવાર આરોપીઓને પકડી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

સમગ્ર કાર્યવાહી સાબરમતી જેલમાં થઈ
આ કેસની કાનૂની કાર્યવાહી સાબરમતી મધ્યસ્થ જેલમાં ચાલી હતી, જેમાં સરકારી વકીલ એચ.એમ.ધ્રુવ, સુધીર બ્રહ્મભટ્ટ, અમિત પટેલ અને મિતેશ અમીને દલીલો કરી હતી. જ્યારે આરોપીઓ તરફે એમ.એમ.શેખ, ખાલીદ શેખ સહિતના વકીલોએ દલીલો કરી હતી.

5 પોઇન્ટમાં સમજો સિરિયલ બ્લાસ્ટ કેસ
કોર્ટે જેહાદી ષડયંત્ર અને ત્રાસવાદી કૃત્ય માન્યું હોવાથી આરોપીઓને ફાંસી કે જન્મટીપની સજા થઈ શકે છે

સિરિયલ બ્લાસ્ટ કેસના સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કોર્ટે જેહાદી ષડયંત્ર અને ત્રાસવાદી કૃત્ય માન્યું છે. એટલે આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે. આથી કાયદાની જોગવાઇઓ મુજબ આરોપીઓને ફાંસીની સજા થઇ શકે છે. સજા બાબતે કોર્ટ જો સરકારી વકીલોની દલીલો માને તો આરોપીઓને ફાંસીની સજા થઇ શકે અથવા જન્મટીપની સજા થઇ શકે છે.

આજે આરોપીઓને સજા સંભળાવાશે
બુધવારે સવારે 10.30 વાગે દોષિત ઠરેલા 49 આરોપીઓ વીડિયો-કોન્ફરન્સમાં જોડાશે. ત્યારે કોર્ટ તેમને બોલશે કે તમને વિવિધ કલમો હેઠળ દોષિત ઠરાવ્યા છે. એ વિષે તમારે શું કહેવું છે. આરોપીઓને સાંભળ્યા બાદ આરોપીઓના વકીલો સજા ઓછી કરવા દલીલ કરશે. જ્યારે સરકારી વકીલો વધુમાં વધુ સજા ફટકારવાની દલીલો કરશે. આરોપીઓ અને વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ આરોપીઓને સજા ફટકારવાનો આદેશ કરશે.

વર્ચ્યુઅલ ચાલેલી કાર્યવાહી 16 મિનિટમાં જ આટોપાઈ
સિરિયલ બ્લાસ્ટ કેસના ચુકાદાની વર્ચ્યુઅલ કામગીરીમાં 10.57 વાગે શરૂ થઇ હતી, પરંતુ ટેક્નિકલ રીતે 9 મિનિટ કાર્યવાહી સ્થગિત થઇ હતી. 11.16 વાગે ખાસ જજ એ.આર.પટેલે વીડિયો-કૉન્ફરન્સ દ્વારા શરૂ કરેલી. કોર્ટે તમામ 78 આરોપી હાજર હોવાનું કહ્યું હતું. તમામ આરોપી હાજર હોવાથી કોર્ટે કહેલું કે, પહેલા 28 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવે છે. અને બાકીના 49 આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા છે.

બ્લાસ્ટ કેસમાં નિર્દોષ સાબિત થયેલા 28માંથી 22 આરોપી દોષમુક્ત હોવા છતાં તેમને જેલમાં જ રહેવું પડશે
સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટે કુલ 28 વ્યકિતને નિર્દોષ જાહેર કર્યા છે. તે પૈકી 22ૃ વ્યકિત જેલમાંથી છૂટી શકશે નહી. 22 વ્યકિત સામે વિવિધ રાજ્યોમાં અન્ય ગુના નોંધાયા હોવાથી તેમને જેલમાં જ રહેવું પડશે. માત્ર 6 વ્યકિત જેલમાંથી બહાર આવશે.

સુરતમાં 15 સ્થળેથી અને બે કારમાંથી જીવતા બોમ્બ મળ્યા, સદભાગ્યે એક પણ બ્લાસ્ટ નહીં, આરોપી તાહીર દોષિત ઠર્યો
સુરત શહેરના વિવિધ વિસ્તારમાં ત્રાસવાદીઓએ બોંબ પ્લાન્ટ કર્યા હતાં. તેમજ બે કારમાં બોંબ મુક્યા હતાં. સદનસીબે એક પણ બોંબબ્લાસ્ટ થયા નહોતા. સુરત પોલીસે 15 ફરિયાદો નોંધી હતી. મંગળવારે ખાસ કોર્ટે ચુકાદો જાહર કર્યો જેમાં સુરત કેસમાં આરોપી ઝહીર પટેલને નિર્દોષ છોડ્યો છે. જ્યારે આરોપી તાહીર મોહમંદ તનવીરને દોષિત ઠેરવ્યો છે. આતંકીઓએ હોર્ડિગ્સ પર, પુલના છેડે, ઘાસની વચ્ચે જેવા સ્થળે બોમ્બ પ્લાન્ટ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...