શાહીબાગમાં ઓર્કિડ ગ્રીન ફલેટના 7મા માળે લાગેલી આગથી મોતને ભેટેલી કિશોરી મામલે હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠ આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. ફાયર સેફટીના અભાવ મામલે થયેલી જાહેરહિતની અરજીમાં એડવોકેટે તાજેતરમાં આગથી બનેલી દુર્ઘટના અંગે રજૂઆત કરતા ખંડપીઠે તેની વિગતો રજિસ્ટ્રીમાં રજૂ કરવા આદેશ કરીને સુનાવણી આગામી દિવસો પર મુલતવી રાખી છે.
રાજ્યમાં ફાયર સેફટીનો અમલ કરાવવા મામલે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમ્યાન અરજદાર તરફથી એડવોકેટે શાહીબાગમાં ઓર્કિડ ગ્રીન ફલેટમાં લાગેલી આગમાં ભુંજાઇને મોતને ભેટેલી કિશોરી અંગે રજૂઆત કરી હતી. ખંડપીઠે આ અંગે અરજદારને રજિસ્ટ્રીમાં સોગંદનામું કરવા આદેશ કર્યો છે. આગથી બનેલા તમામ બનાવો અંગે ફાયર સેફટીની જાહેરહિતની અરજી સાથે સુનાવણી કરવા આદેશ કર્યો છે.
ફાયર સેફટીના કડક અમલ અંગે થયેલી જાહેરહિતની અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએ બનેલી આગની દુર્ઘટના અંગે સાથે સુનાવણી કરવામાં આવે છે. શાહીબાગમાં બનેલી દુર્ઘટનામાં ફાયર બ્રિગેડ પાસે આગને નિયત્રંણમાં લેવાના પૂરતા સાધનો નહીં હોવાની પોલ ખુલી હતી. જો ફાયર પાસે પાણી છાંટવાના યોગ્ય સાધનો હોત અને સમયસર તેનો અમલ થયો હોત તો કિશોરીને બચાવી શકાઇ હોત. આગ ઓલવવા માટે ફાયર વિભાગને 30 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. 7માં માળે જવા માટે ફાયર વિભાગને રસ્તો નહીં મળતો હોવાથી ઘણો લાંબો સમય લાગી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.