પરીક્ષા તો લેવાશે:'ધો. 10 અને 12ના રીપીટર્સની પરીક્ષા તો યોજાશે જ, JEE અને NEETની તારીખ બાદ ગુજેક્ટની પરીક્ષા તારીખ જાહેર થશે'

અમદાવાદ3 મહિનો પહેલા
શિક્ષણમંત્રીની ફાઈલ તસવીર
  • GTU એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શિક્ષણમંત્રીએ ઈલેક્ટ્રિક બાઈક ચલાવી
  • રીપીટર્સને માસ પ્રમોશન મુદ્દે શિક્ષણમંત્રીએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો

ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે વિરોધ થઈ રહ્યો છે, જેમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાની માંગણી કરી હતી. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા રદ કરવાની સ્પષ્ટ ના પાડી છે અને પરીક્ષા લેવાની પૂરી તૈયારી દર્શાવી છે અને ગુજકેટની પરીક્ષાની તારીખ પણ JEE અને NEETની પરીક્ષાની તારીખ બાદ જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

'રીપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે જ'
ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી ખાતેના કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા તે દરમિયાન શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, 'ભલે રીપીટરની પરીક્ષાનો વિરોધ થઈ રહ્યો હોય, પરંતુ પરીક્ષા તો યોજાશે જ, પરીક્ષા રદ થાય તેવા વહેમમાં રહેવું નહિ. 15 જુલાઈથી પરીક્ષા છે તે માટે ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે અને તૈયારી પણ થઈ ચૂકી છે. ધોરણ 12 સાયન્સ બાદ JEE અને NEETની પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ ગુજકેટની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવશે. પરીક્ષાની તરીખો ક્લેશ ના થાય તે માટે હમણાં જાહેર કરવામાં આવી નથી. 1 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે.'

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઈલેક્ટ્રિક બાઈક ચલાવી
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઈલેક્ટ્રિક બાઈક ચલાવી

શિક્ષણ મંત્રીએ GTU કેમ્પસમાં ઈલેક્ટ્રિક બાઈક ચલાવ્યું
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે અટલ ઇક્યુબેશન સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમમાં હજાર રહ્યા હતા.આ દરમિયાન સ્ટાર્ટઅપ અને સંશોધન કરી રહેલ કેટલાક વિદ્યાર્થીઓની પણ શિક્ષણમંત્રીએ મુલાકાત કરી હતી. ત્યારે બેટરીથી ચાલતા બાઈકનું સંશોધન કરેલ વિદ્યાર્થીને બાઈક સાથે મળ્યા હતા. શિક્ષણમંત્રીએ વિદ્યાર્થી પાસે બાઇક ચલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને બાદમાં બેટરીવાળું બાઈક પણ ચલાવ્યું હતું. બાઈક પર બેસતા શિક્ષણમંત્રીએ કહ્યું કે, 30 વર્ષ પછી બાઈક ચલાવું છું. GTU કેમ્પસમાં જ શિક્ષણમંત્રીએ બાઈકનો આંટો માર્યો હતો.

પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને લખેલો પત્ર
પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને લખેલો પત્ર

પરેશા ધાનાણીએ રીપીટર્સને પ્રમોશન આપવા રજૂઆત કરી હતી
આ પહેલા પરેશ ધાનાણીએ પત્ર લખીને રજૂઆત કરી હતી કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્રને અસર થઈ હોય તો તે શિક્ષણ વ્‍યવસ્‍થા છે. કોરોનાના કારણે માર્ચ-2020થી શાળા-કોલેજો સંપૂર્ણ બંધ છે અને ક્‍યારે ખુલશે તે અંગે હજુ કહી શકાય તેમ નથી. કોરોનાના વધતા જતા સંક્રમણ અને કોરોનાની બીજી લહેરને ધ્‍યાનમાં લઈ સીબીએસઈ (CBSE) સહિતના નેશનલ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧રના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશનનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. ત્યારે ધોરણ-10 અને ધોરણ-12ના રીપીટર વિદ્યાર્થીઓને પણ અન્‍ય વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન આપવા રજૂઆત કરી હતી.