નવી સુવિધા:અમદાવાદની વીએસ અને શારદાબેન હોસ્પિટલનું 300 કરોડના ખર્ચે નવીનીકરણ, આગામી દિવસોમાં કામગીરીનું ભૂમિપૂજન-ખાતમુહૂર્ત કરાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ડિઝાઇન કન્સલ્ટન્ટની નિમણુંક કરવામાં આવી

અમદાવાદના ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને સારવાર મળી રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે. રૂ. 250થી 300 કરોડના ખર્ચે આ બંને હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવનાર છે જેના માટે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ડિઝાઇન કન્સલ્ટન્ટની નિમણુંક કરવામાં આવી હતી. સ્કાયલાઈન આર્કિટેક્ચરલ કન્સલ્ટન્ટની બંને હોસ્પિટલના ડિઝાઇન કન્સલ્ટન્ટ તરીકે નિમણુંક કરવાની દરખાસ્તને મંજુર કરવામાં આવી છે. કન્સલ્ટન્ટ કંપનીને પ્રોજેકટ કોસ્ટના 0.29 ટકા અને પ્રવર્તમાન ટેક્સ લાગુ પડતા ટેક્સ (સૌથી ઓછા ભાવ) મુજબની ફી નક્કી કરવામાં આવી છે. ત્રણ વર્ષમાં આ બંને હોસ્પિટલો બનીને તૈયાર થઈ જશે. નવીનીકરણના કામ માટેનું ભૂમિપૂજન- ખાતમુહૂર્ત આગામી દિવસોમાં કરવામાં આવશે.

વીએસ હોસ્પિટલમાં 40 ICU બેડ હશે
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટિ બેઠકમાં વીએસ હોસ્પિટલ અમે શારદાબેન હોસ્પિટલના નવીનીકરણ માટે ડિઝાઇન કન્સલ્ટન્ટની નિમણુંક માટેનું તાકીદનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં વીએસ હોસ્પિટલમાં 40 ICU બેડ, 350 જનરલ બેડ, 8 ઓપરેશન થિયેટર, સ્પેશિયલ રૂમ, ઓપીડી કન્સલ્ટન્ટેશન રૂમ હશે. જ્યારે શારદાબેન હોસ્પિટલમાં 750 જનરલ બેડ, ઓપરેશન થિયેટર, સ્પેશિયલ રૂમ, અદ્યતન ઓપીડી કોમ્પલેક્ષ, 98 જેટલા ઇમરજન્સી મેડિકલ અને સર્જિકલ આઇસીયુ, પીડિયાટ્રિક અને બર્ન્સ આઇસીયુ હશે. અદ્યતન હોસ્પિટલ બન્યા બાદ શહેરીજનોને વધુ સારી સારવાર મળી રહેશે તેવો દાવો મેયર કિરીટ પરમારે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...