ઇન્જેક્શન નથી તો બોલાવ્યા કેમ?:ઝાયડસે ટોકન આપ્યા બાદ રેમડેસિવિર ઇન્જેક્શન આપ્યાં વગર જ ભગાડતા લોકો રોષે ભરાયા

અમદાવાદ9 મહિનો પહેલા
  • સવારે 10 વાગ્યા સુધીમાં 1000 જેટલા લોકોને ટોકન આપી દેવામાં આવ્યાં છે
  • પોલીસ દ્વારા પરત મોકલાતાં લોકો રોષે ભરાયા
  • 1.45 લાખ યુનિટ સરકારને પહોંચાડ્યાં, હવે નવો સ્ટોક આવશે ત્યારે વેચાણ શરૂ થશે
  • રાજ્ય સરકારને રેમડેસિવિરનાં 3 લાખ ઇન્જેક્શન આપવાના હોવાથી વેચાણ બંધ કરાયું

કોરોનાના કેસ વધતાં અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં રેમડેસિવિર ઇન્જેક્શનો મેળવવા માટે દર્દીનાં સગાંઓ લાઇનો લગાવી રહ્યાં છે. ત્યારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર પણ ઇન્જેક્શન લેવા માટે લોકો રાતથી લાઇનમાં લાગી ગયા હતા. ત્યારે ઝાયડસ હોસ્પિટલ દ્વારા ઇન્જેક્શનનો જથ્થો ખૂટી ગયાનું કારણ જણાવીને વેચાણ બંધ કરી દીધું હતું. જેને કારણે ઇન્જેક્શન લેવા માટે કલાકોથી લાઇનમાં ઊભા રહેલા લોકોએ હોબાળો મચાવતાં પોલીસ દ્વારા ભગાડવામાં આવતાં લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

એસજી હાઈવે પરની ઝાયડસ હોસ્પિટલે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક ન હોવાનું કહી વેચાણ બંધ કરી દેતાં સોમવારે લાઇનમાં ઊભેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો
એસજી હાઈવે પરની ઝાયડસ હોસ્પિટલે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક ન હોવાનું કહી વેચાણ બંધ કરી દેતાં સોમવારે લાઇનમાં ઊભેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો

ઝાયડ્સ 3 લાખ યુનિટ સરકારને આપશે
ઝાયડસ હોસ્પિટલના સીઇઓ ડો. વી. એન. શાહ જણાવે છે કે, છેલ્લાં પાંચથી સાત દિવસો દરમિયાન ઝાયડસ હોસ્પિટલ ખાતેથી અમે 30 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ કર્યું છે. પરંતુ, કોવીડ ટાસ્ક ફોર્સની મીટીંગમાં નક્કી થયા મુજબ, રેમડેસિવિર ઇન્જેક્શનના 3 લાખ યુનિટ જેટલો અમારે રાજ્ય સરકારને આપવાના છે, તેની સાથે હોસ્પિટલમાં રહેલા ઇન્જેક્શનનો જથ્થો ખુટી જતાં 12 એપ્રિલે સાંજે 4.00 વાગ્યે ઝાયડસ હોસ્પિટલ ખાતેથી થતું રેમડેસિવિરનું વેચાણ અમે બંધ કર્યું છે. જો કે, રાજ્ય સરકારે માંગેલા ઇન્જેક્શનનાં 3 લાખ યુનિટમાંથી 1.45 લાખ યુનિટ અમે સરકારને પહોંચાડ્યા છે. તેમજ બાકીના ઇન્જેક્શનનો જથ્થો તૈયાર થઇ રહ્યો છે, જેની પર સરકારના બે અધિકારીઓ દ્વારા દેખરેખ રખાઇ રહી છે. ત્યારબાદ અમને વધુ ઇન્જેક્શનનો જથ્થો મળશે તો વેચાણ ફરી શરૂ કરી શકાશે.

સ્ટોક ખૂટી હોવાથી વેચાણ બંધ કર્યું
એકની એક વ્યકિત બે વાર ઇન્જેક્શન ન લઇ જાય તે માટે ઝાયડસ હોસ્પિટલ દ્વારા ટોકનમાં બારકોડની સીસ્ટમ લાવ્યાં હતા, તેમજ બારકોડ ટોકનનું ડુપ્લીકેશન ન થાય તે માટે દરરોજ ટોકનના કલર બદલવાનું આયોજન પણ કર્યું હતું. 12 એપ્રિલને સોમવારે પણ લોકો કલાકોથી ઇન્જેક્શન લેવા માટે લાઇનમાં ઉભા હતા, તેવામાં હોસ્પિટલ દ્વારા સ્ટોક ખુટી ગયા હોવાથી વેચાણ બંધ કર્યાની જાહેરાત કરતા લોકોએ ભારે હોબાળો મચાવતા પોલીસ દ્વારા લોકોને ભગાડવામાં આવતાં લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

મોડી રાતથી ઈન્જેક્શન માટે રાહ જોઈ રહ્યા છે
આવતીકાલ મંગળવાર સુધીનાં ઇન્જેક્શન માટે ટોકન આપી દેવામાં આવ્યા છે. બુધવારે ઇન્જેક્શન લેવા માટે આવતીકાલે મંગળવારે લોકોને આવવા માટે કહેવામાં આવ્યું છે. રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન રોજબરોજ વધી રહી છે. આજે ટોકન લેવા આવેલા લોકોને પણ પરત જવાનો વારો આવ્યો હતો. 1000 જેટલાં ટોકન રોજ આપવામા આવે છે. ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિરનો આજનો સ્ટોક ખાલી થઈ ગયો છે હોસ્પિટલે લોકોને પરત જવા માટે કહ્યું છે. મોડી રાતથી ઈન્જેક્શનની રાહ જોઈ રહેલા લોકોમાં રોષ ફેલાયો છે કે જો હોસ્પિટલમાં સ્ટોક નથી તો શા માટે ટોકન આપવામાં આવે છે? પહેલા કેમ જાણ ન કરી.

ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિરનો આજનો સ્ટોક ખાલી થઈ ગયો છે.
ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિરનો આજનો સ્ટોક ખાલી થઈ ગયો છે.

ઝાયડસની બહારનો વીડિયો વાઇરલ થયો હતો
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની બહાર રોજ અનેક લોકો દૂર-દૂરથી આવે છે અને રેમડેસિવિર ઇન્જેક્શન મળશે એ માટે લાઈનમાં બેસે છે. આ બધાની વચ્ચે હવે કર્ફ્યૂના સમયમાં પણ લોકો ત્યાં સવારે તેમનો નંબર આવશે અને સ્વજનોને માટે ઇન્જેક્શન મળી જશે એવી આશા રાખીને આખી રાત બેઠા હોય છે. હાલ રવિવારે રાતનો ઝાયડસ હોસ્પિટલની બહાર આવા મજબૂર લોકોનો વીડિયો સામે આવ્યો છે, જેને કર્ફ્યૂ કરતાં પોતાના સ્વજનનો સાદ સાંભળવો છે. હવે તેમના માટે કોઈ બીજો ઉપાય રહ્યો નથી.

હોસ્પિટલ બહાર 1 કિલોમીટર લાંબી લાઈન
રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે પડાપડી થઈ રહી છે. સુરત શહેરમાં હોસ્પિટલ લાંબી લાઈન બાદ ગઈકાલે અમદાવાદ શહેરમાં થલતેજમાં આવેલી ઝાયજસ હોસ્પિટલમાં આજથી રેમડેસિવિર ઈન્જેક્શનનું વેચાણ શરૂ કરાયું છે. એવામાં હોસ્પિટલ બહાર વહેલી સવારથી જ રેમડેસિવિર ઇન્જેકશન મેળવવા માટે લોકો લાઈનમાં ઊભા રહી ગયા હતા. સવારે 6 વાગ્યાથી લોકો લાઈનમાં હતા. હોસ્પિટલ બહાર 1 કિલોમીટરથી વધુ લાંબી લાઈન લાગી ગઈ હતી. હાલની સ્થિતિએ 700 લોકોને ટોકન આપવામાં આવ્યાં છે. ટોકન આપવામાં આવશે એ મુજબ ઇન્જેક્શન આપવામાં આવી રહ્યાં છે. ઈન્જેક્શન લેવા માટે વહેલી સવારથી તડકામાં ઊભેલા લોકોને રાહત માટે પોલીસ મદદે દોડી આવી હતી. કલાકોથી તડકામાં ઊભેલા લોકોને સોલા પોલીસે પાણીની બોટલનું વિતરણ કર્યું હતું.