ઇન્જેક્શન વિશે અણિયાળા સવાલ:જનાક્રોશ જોઈને સીઆર પાટીલે સ્ટ્રેટેજી બદલી: સરકાર કરતાં પક્ષ મોટો, રૂપાણી સીએમ, પાટીલ સુપર સીએમ

2 વર્ષ પહેલાલેખક: મનીષ મહેતા, એડિટર, દિવ્યભાસ્કર ડિજિટલ
  • કૉપી લિંક
  • રેમડેસિવિરની અછત કૃત્રિમ રીતે સર્જાઈ કે કુદરતી એ કહેવું મુશ્કેલ છે

મત માણસને કેટકેટલું કરાવે છે. ચૂંટણીમાં હજારો લોકોને એકઠા કરીને રેલીઓ યોજીને ભાજપે લાખો મત મેળવ્યા. કોન્ગ્રેસે પણ આ પ્રયાસ કર્યો, પણ ન તો એટલા લોકો તેમની રેલીમાં ગયા અને ન તો તેમને મતો મળ્યા. માર્ચના અંતથી કોરોનાએ ગુજરાત સહિત દેશભરમાં સુનામીવેગે તબાહી સર્જી છે. ટેસ્ટમાં લાઇન, હોસ્પિટલમાં લાઇન, સ્મશાનમાં વેઇટિંગ; અરે એ તો ઠીક, તર્પણવિધિમાં પણ વેઇટિંગ છે. વોટ આપવા માટે લાઇનમાં ઊભેલી પ્રજાએ ઇન્જેક્શનની લાઇનમાં ઊભું રહેવું પડશે એવી કલ્પના ક્યારેય કરી હતી? વાસ્તવિકતા કલ્પના કરતાં વધુ વરવી હોય છે.

મતની કિંમત કેટલી? આપ્યા પહેલાં કરોડની, આપ્યા પછી કોડીની
ગુજરાતની પ્રજાએ ભાજપને અઢી દાયકાથી ખોબલે ખોબલે મત આપ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પ્રજાને હવે પોતાની સમજણ વિશે સવાલો થવા માંડ્યા છે. ભાજપના કટ્ટર સમર્થક પણ ગુજરાતના મેડિકલક્ષેત્રની પરિસ્થિતિ જોઈને પોતાને સવાલ કરવા માંડ્યા કે આપણે આના માટે વોટ આપ્યા હતા? જીવનરક્ષક ઇન્જેક્શન તરીકે અત્યારે લોકજીભે ચડેલા રેમડેસિવિર ઇન્જેક્શનની લાઇનમાં ઊભેલા દર્દીના સગાએ રડતાં રડતાં આ સવાલ પૂછી નાખ્યો, કહ્યું- અમારા વોટની કોઈ કિંમત નહિ? ખરી ભાઈ, આપતાં પહેલાં, હવે નહિ.

અમદાવાદમાં ઝાયડ્સ હોસ્પિટલ બહાર કોરોના દર્દીઓનાં પરિવારજનો રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લાઇનોમાં ઊભાં રહે છે.
અમદાવાદમાં ઝાયડ્સ હોસ્પિટલ બહાર કોરોના દર્દીઓનાં પરિવારજનો રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લાઇનોમાં ઊભાં રહે છે.

લાઇનની પીડા અને ઇન્જેકશનનું "દર્દ"
રેમડેસિવિરની અછત કૃત્રિમ રીતે સર્જાઈ કે કુદરતી એ કહેવું મુશ્કેલ છે, પણ 899 રૂપિયામાં મળતું ઇન્જેકશન બિનધાસ્ત 5400 રૂપિયાનાં કાળાં બજારે વેચાયું. જો ખરેખર અછત હતી તો માની લેવું પડે કે કોરોનાના પહેલા વેવ પછી પણ આપણી સરકારે એમાંથી કોઈ ધડો લીધો નહોતો. જો કૃત્રિમ અછત થઈ હોય તો માની લેવાનું કે ભ્રષ્ટાચાર ગુજરાતમાં ચરમસીમાએ છે. બંનેમાં અંતે તો સામાન્ય પ્રજાએ જ ભોગવવાનું આવ્યું છે.

હવે પ્રજા "ઇન્જેક્શન" પણ ભાજપનું જ લેશે
ગુજરાત ભાજપ-પ્રમુખ સીઆર પાટીલે સુરત ભાજપ કાર્યાલય પર ઇન્જેકશનનું વિતરણ કર્યું એનાથી સિસ્ટમ વિશે અનેક અણિયાળા સવાલો ઊભા થયા છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે રેમડેસિવિરનાં ઇન્જેકશન સીઆર પાટીલે ક્યાંથી લીધાં એ તેમને જ પૂછો. પાટીલે સરકારી તંત્રને સમાંતર એક વ્યવસ્થા ઊભી કરી. અંતે તો વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાજ્યના પ્રમુખ હોવું એ જ તેમની સત્તા છે. સીએમની સત્તા મર્યાદિત હોઈ શકે.

સુરતમાં ખાનગી હોસ્પિટલને આપવા રેમડેસિવિર નથી ને ભાજપે આજે 1000 ઇન્જેક્શનનું વિતરણ શરૂ કર્યું, સવારથી લાઈનો જોવા મળી હતી.
સુરતમાં ખાનગી હોસ્પિટલને આપવા રેમડેસિવિર નથી ને ભાજપે આજે 1000 ઇન્જેક્શનનું વિતરણ શરૂ કર્યું, સવારથી લાઈનો જોવા મળી હતી.

સરકારને બાયપાસ કરવી એ નવું "ઇન્ફેક્શન"
આ વ્યવસ્થા સુરતની કે ફોર ધેટ મેટર, રાજ્યની કોઈપણ સરકારી હોસ્પિટલમાં કેમ ન થઈ? કોઈ સંસ્થા ગરીબ બાળકોને નોટબુકનું વિતરણ કરતી હોય એમ ભાજપે ઇન્જેક્શનનું વિતરણ શરૂ કર્યું. કેટલાક સવાલ- શું સરકારી સિસ્ટમ પર પાટીલને ભરોસો નથી? શું સરકાર ઇન્જેક્શન માટે રઝળી રહેલા લોકો માટે સંવેદનશીલ નથી? શું પાટીલને એવું લાગ્યું કે ભાજપ માટે લોકોનો આક્રોશ વધી રહ્યો છે?

પર્ફોર્મન્સ નબળું હોય તો સરકારનો "સીટી સ્કેન" કરો
સવાલ ખાલી રેમડેસિવિરનો નથી. આખું સરકારી તંત્ર હોય ત્યારે પાર્ટી આવી રીતે સરકારને બાયપાસ કરે એ માનસિકતાનો છે. તો શું ચૂંટાયેલા મુખ્યમંત્રીની અને ખાસ કરીને તેમના હોદ્દાની કોઈ ગરિમા નથી? કોઈપણ પક્ષ લોકોની સેવા કરે એની સામે કોઈ વાંધો નથી, પણ તંત્રને સાઇડમાં રાખીને કરે એ ગંભીર સવાલ ઊભા કરે છે. ગયા વર્ષે પરપ્રાંતીય લોકો જ્યારે હિજરત કરવા માંડ્યા હતા ત્યારે પણ આ જ સવાલો ઊભા થયા હતા. સરકારને સમાંતર એક વ્યવસ્થા ઊભી થઈ હતી. જો ખરેખર સરકારનું પર્ફોર્મન્સ નબળું હોય તો આખી સરકારનો સીટી સ્કેન કરવો જોઈએ અને એનો રિપોર્ટ બનાવવો જોઈએ; બાકી સેવાની કોઈપણ વ્યવસ્થા સરકારને પૂરક જ હોવી જોઈએ.
એક અઠવાડિયાથી લોકો પૂછવા માંડ્યા છે કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં અને વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યૂ પણ ગુજરાતમાં હોય તો પછી વિશ્વકક્ષાની મેડિકલ સારવાર અને એના માટેનું તંત્ર ગુજરાતમાં કેમ નહિ? વાંક માત્ર સરકારનો જ નથી, પ્રજા તરીકે આપણા સૌનો વધુ છે. એવો સવાલ પૂછવામાં દેશવિરોધી થઈ જવાનો ડર લાગે છે. પ્રજાએ ચૂંટેલી સરકારની પ્રાથમિકતા પ્રજાની સુખાકારી જ (રિપીટ આપણી સૌની સુખાકારી જ ) હોય એવી ડિમાન્ડ કરવાનું આપણે સૌએ ક્યારનુંય બંધ કરી દીધું છે.