સુનાવણી:રીપિટર્સને ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓ સાથે સરખાવી ના શકાય, પરીક્ષા લેવાવી જોઈએઃ હાઈકોર્ટ

અમદાવાદ3 મહિનો પહેલા
ફાઈલ ફોટો
  • કોર્ટે અરજદારની રજુઆત સાંભળીને આ અરજીની સુનાવણી મંગળવાર સુધી મુલતવી રાખી

કોરોનાની મહામારીમાં શિક્ષણને અસર પહોંચી છે. વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ છેલ્લા એક વર્ષથી ઓનલાઈન ચાલી રહ્યું છે. તે ઉપરાંત કેટલીક પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને કેટલીક પરીક્ષાઓ પાછી ધકેલવામાં આવી છે. સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. પરંતુ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી 15 જુલાઈએ યોજાવાની છે. જેને લઈને ઓલ ગુજરાત વાલી મંડળે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં. વાલી મંડળે રજૂઆત કરી હતી કે રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ ન થવો જોઈએ તેમને પણ માસ પ્રમોશન મળવું જોઈએ.

કોર્ટે અરજદારની તમામ રજુઆત સાંભળી
આજે હાઇકોર્ટે આ બાબતની સુનવણી દરમિયાન અરજદારની તમામ રજુઆત સાંભળી હતી. કોર્ટે કહ્યું હતું કે રેગ્યુલર અને રિપીટર આ વિધાર્થીઓને સરખાવી ન શકાય. કારણ કે રેગ્યુલર વિદ્યાર્થીઓ શાળાના ઓનલાઈન લેક્ચર લઈને ભણ્યા છે જેનો પુરાવો છે તેના આધારે તેઓ ને માસ પ્રમોશન યોગ્ય છે. પરંતુ રિપીટર વિદ્યાર્થીઓ આ મહામારીમાં કેવી રીતે ભણ્યા અથવા ન પણ ભણ્યા હોય તેના આધારે તેઓને પ્રમોશન આપવું યોગ્ય નથી. તેઓએ તેમના કરિયરમાં 1 કે 2 વર્ષ ફેલ થવાના કારણે બગાડ્યા છે તેથી હવે પરીક્ષાને લંબાવીને પણ તેમને જ નુકશાન છે. આ બાબતે અમે હાલ સરકારને કોઈ ટીપ્પણી કરતા નથી.તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે પણ અમે સલાહ આપીએ છીએ.આ બાબતે વધુ સુનવણી મંગળવારે હાથ ધરાશે.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ

સરકાર વચગાળાનો રસ્તો કાઢે તો વિદ્યાર્થીઓને રાહત મળે
અરજદાર ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ એ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોર્ટમાં મારા તરફથી જે દલીલો થઈ તેમાં કોર્ટે કહ્યું છે કે હવે બાળકો પણ મેદાનમાં રમે છે. પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ત્યારે મારુ માનવું છે કે આ મહામારીમાં કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની છત્રછાયા ગુમાવી છે. જેથી તેમનામાં કોરોનાનો ડર છે અમારી માંગ છે કે સરકાર આ બાબતે વિચારીને વચગાળાનો રસ્તો કાઢે તો તમામ વિદ્યાર્થીઓને રાહત મળશે.

ઓનલાઈન પરીક્ષા લેવાય તો સંક્રમણનો ભય ન રહે
નરેશ શાહે કહ્યું હતું કે, અમારી માંગ છે કે પરીક્ષા ઓફલાઈન નહીં પરંતુ ઓનલાઈન લેવાય તો બાળકોને સંક્રમણનો ભય ન રહે. હજી 18 વર્ષથી ઓછી વયના બાળકોની વેક્સિન આવી નથી. એટલે આ પરીક્ષા ઓફલાઈન લેવાય તો જોખમ છે. તેની સાથે કેટલીક સંસ્થાઓ અને વિભાગ કે જે હજી પણ ઓનલાઈન ચાલી રહ્યા છે તો તેમને કોરોનાનો ડર હોય તો આ માસુમ બાળકોને કઈ રીતે પરીક્ષા માટે મોકલી શકાય. આ બાબતે સરકારે કોઈ નિર્ણય લેવો જોઈએ.