એલિસબ્રિજથી સારંગપુર જતા રસ્તા પર આવતા ઇ-ચાલાન માટે લગાવવામાં આવેલા કેમેરા છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં છે. જે અંગેની તપાસ માટે દિવ્ય ભાસ્કર દ્વારા ટ્રાફિક કમિશનર અને સીસીટીવી કેમેરા ઓપરેટ વિભાગની મુલાકાત લેવામાં આવી અને ત્યાંથી જાણવા મળ્યું કે તેઓ પોતે પણ આ કેમેરાની બંધ હાલતથી અજાણ છે.
ટ્રાફિકને કંટ્રોલમાં રાખવા માટે ઇન્સ્ટોલ કરવામાં આવેલા આ કેમેરાની હાલત ભંગાર અવસ્થામાં જોવા મળી રહી છે. ગોળલીમડા, ઢાળની પોળ, આસ્ટોડિયા દરવાજા, સારંગપુર, ખાડિયા, જમાલપુર, તિલકબાગ આ વિસ્તારમાં લગાવવામાં આવેલા ઈ-ચાલાનના કેમેરામાંથી છુટ્ટા વાયર ચોખ્ખા દેખાય છે. તેમજ ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે પણ ઘણા વિસ્તારમાં તો કોઈ જવાન પણ નથી દેખાતા. કેમેરાને જોડવા માટે જે પિલર જોવા મળે છે તે પિલરમાંથી કનેક્શનના વાયર છુટ્ટા દેખાય છે.
2,200થી વધારે કેમેરામાં અમુક બંધ હોઈ શકે તે સામાન્ય બાબત કહેવાય
અમદાવાદમાં ટ્રાફિક નિયંત્રણ અને સર્વેલન્સ માટે 2,200થી વધારે કેમેરા મુકાયા છે તો તેમાંથી અમુક કેમેરા બંધ હોઈ શકે, તે સામાન્ય બાબત છે. સ્માર્ટ સિટી અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલા આ કેમેરાના મેન્ટેનન્સનું ધ્યાન કોર્પોરેશન દ્વારા રાખવામાં આવે છે. પણ જે કેમેરા બંધ છે તેની તપાસ કરાશે. -મયંકસિંહ ચાવડા, જોઈન્ટ ટ્રાફિક પોલીસ કમિશનર
શહેરમાં હાલ 53 જંક્શન છે તેમાંથી કેટલાક જંક્શનમાં કેમેરા બંધ છે
અમદાવાદમાં અત્યારે 53 જંક્શન છે તેમાંથી કેટલાક જંક્શનમાં હાલ કેમેરા બંધ છે. જે વિસ્તારમાં કેમેરા બંધ છે ત્યાં
ઇ-ચાલાનનું પ્રમાણ ઓછું હોવાથી ત્યાં કેમેરા બંધ રાખવામાં આવ્યા છે. આ કેમેરા સ્માર્ટ સિટી અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ઘણા સ્થાનિક લોકો પણ કેમેરાના વાયર ખેંચીને ખરાબ કરી રહ્યા છે. - એસ. જે. કોટવાલ, PSI સીસીટીવી સર્વેલન્સ વિભાગ
કોર્પોરેશનની ઓફિસ બહારના કેમેરા જ બંધ હાલતમાં છે
કોર્પોરેશન ઓફિસની બહારના ટ્રાફિક ઇ-ચાલાન માટેના કેમેરા જ બંધ છે. બધા કેમેરાને જોડતા વાયર છુટ્ટા દેખાય છે. સર્વેલન્સ માટે મુકવામાં આવેલા કેમેરા નિષ્ક્રિય જોવા મળે છે. જ્યાં કેમેરા બંધ જોવા મળે છે ત્યાં ટ્રાફિક સિગ્નલમાં પીળી લાઈટ ચાલુ રાખી દેવામાં આવી છે જેનાથી ટ્રાફિક પણ બેફામ બને છે. એક તરફ ટ્રાફિક કંટ્રોલના અધિકારીઓ કહી રહ્યાં છે કે જ્યાં ઈ-ચાલાન ઓછા આવે છે ત્યાં કેમેરા બંધ રાખવામાં આવ્યા છે પણ જ્યારે દિવ્ય ભાસ્કર દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે જ્યાં કેમેરા બંધ છે ત્યાં રોજ ટ્રાફિકનો જમાવડો થાય છે અને રોંગ સાઈડમાં લોકોની અવરજવરનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.