કુછ તો ગડબડ હૈ:રાજ્યમાં લાયકાત વિનાના શિક્ષકોની ભરતી, આચાર્યો-શિક્ષકોની હજારથી વધુ જગ્યા ખાલી છતાં કેન્દ્ર કહે છે, 'ગુજરાત નંબર વન'

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાના બજેટસત્ર દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યોએ શિક્ષણમાં ચાલતી લોલમલોલને ઉઘાડી પાડવા પ્રશ્ન પૂછ્યા હતા
  • રાજ્યના 6 જિલ્લામાં 4510 શિક્ષકો લાયકાત વગરના છે
  • લાયકાત વિનાના શિક્ષકોને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ મોટી અસર પડે છે

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાના જાહેર કરેલા પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ(P.G.I)માં 2019-20ના વર્ષ માટે ગુજરાતને A+ ગ્રેડ આપ્યો છે, જેને પગલે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ રાજ્યના શિક્ષણ વિભાગને સુદૃઢ આયોજન અને સમગ્ર શિક્ષક આલમને સફળ અમલીકરણ માટે અભિનંદન પાઠવ્યાં છે. જોકે ગુજરાત વિધાનસભાના બજેટસત્રમાં શિક્ષણમંત્રીએ પોતે સ્વીકાર્યું હતું કે રાજ્યના અમદાવાદ અને ગાંધીનગર સહિતના 6 જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં લાયકાત વિનાના અને તાલીમ વિનાના 4510 શિક્ષકો છે. બીજી તરફ, રાજ્યમાં 564 આચાર્ય તેમજ 626 શિક્ષકોની ભરતી પણ બાકી છે, તો આ સ્થિતિ વચ્ચે પણ ગુજરાતને A+ ગ્રેડ મળતાં શિક્ષણ મંત્રાલયના નિર્ણય પર સવાલો ઊઠ્યા છે.

રાજ્યના 6 જિલ્લામાં 4510 શિક્ષકો લાયકાત વગરના
શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાએ ગુજરાત વિધાનસભામાં આપેલી સત્તાવાર માહિતી અનુસાર, ગુજરાતના અમદાવાદમાં 2967, ગાંધીનગરમાં 148, પાટણમાં 45, અમરેલીમાં 319, બનાસકાંઠામાં 443 અને રાજકોટમાં 588 લાયકાત વિનાના પ્રાથમિક શિક્ષકો કામ કરી રહ્યા છે. જ્યારે રાજ્યમાં અનેક શિક્ષકો એવા પણ છે, જેઓ લાયકાત ધરાવતા હોવા છતાં તેમને નોકરી મળતી નથી. લાયકાત વિનાના શિક્ષકોને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ મોટી અસર પડે છે. ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યોએ શિક્ષણમાં ચાલતી લોલમલોલને ઉઘાડી પાડવા પ્રશ્ન પૂછ્યા હતા કે સરકારે ઠરાવેલી શૈક્ષણિક લાયકાત અને નિયત તાલીમ વગરના શિક્ષકો પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે કામ કરી રહ્યા છે કે કેમ? આ પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણમંત્રીએ કબૂલ્યું હતું કે રાજ્યના 6 જિલ્લામાં 4510 શિક્ષકો લાયકાત વગરના છે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

સૌથી વધુ લાયકાત વિનાના શિક્ષકો ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં
સૌથી મહત્ત્વની વાત તો એ પણ છે કે 33 જિલ્લા પૈકી 22 જિલ્લામાં આ લાયકાત વિનાના શિક્ષકોની નિમણૂકો ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં થયેલી છે. રાજ્યના 11 જિલ્લા આદિજાતિ વસતિની બહુમતી ધરાવતા તાપી, નવસારી, વલસાડ, અરવલ્લી, મહીસાગર, નર્મદા, ડાંગ, દાહોદ અને છોટાઉદેપુર અને પોરબંદર જિલ્લામાં ખાનગી શાળાઓ જ ન હોય તો આવા લાયકાત વિનાના શિક્ષકોનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. આના ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે શિક્ષણનો ધંધો કરનારી ખાનગી સંસ્થાઓને આદિવાસી વસતિમાં કમાણી થઈ શકે એમ ન હોય ત્યાં શાળાઓ જ શરૂ કરવામાં આવી નથી.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

33 જિલ્લાની શાળાઓમાં 564 આચાર્યની જગ્યા ખાલી
ગુજરાતમાં મોટા પ્રમાણમાં શિક્ષકો તેમજ આચાર્યોની જગ્યાઓ ખાલી છે. ખાસ કરીને શિક્ષણમાં મુખ્ય વિષય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં જ શિક્ષકોની મોટી સંખ્યામાં જગ્યા ખાલી રહેતાં વિદ્યાર્થીઓના ભણતર પર મોટી અસર પડી રહી છે, સાથે જ ઘણી સ્કૂલોમાં આચાર્યોની જગ્યા હજુ સુધી પુરાઈ નથી, જેને કારણે સ્કૂલોમાં શિક્ષણનું સંચાલન કરવું અઘરું બન્યું છે. રાજ્યમાં હજુ 33 જિલ્લામાં આવેલી શાળાઓમાં કુલ 564 આચાર્યની જગ્યા ખાલી છે. જ્યારે મુખ્ય વિષય એવા ગણિત-વિજ્ઞાનના 380 અને અંગ્રેજીના 246 મળીને કુલ 626 શિક્ષકોની જગ્યા ખાલી છે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

શાળાઓને નોટિસ આપવા જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના
આવા લાયકાત વિનાના શિક્ષકોની ભરતી અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે RTE 2009 અમલમાં આવ્યા પહેલાં ધોરણ 1થી 7ની પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી માટે પીટીસીની લાયકાત ગણવામાં આવતી હતી, આર.ટી.ઈ. એકટ અમલમાં આવ્યા બાદ ધોરણ 1થી 5 માટે પીટીસી સમકક્ષ અને ધોરણ 6થી 8 માટે તાલીમી સ્નાતક કક્ષાની લાયકાત નક્કી કરવામાં આવેલી છે. એટલું જ નહીં, આ ઉપરાંત તાલીમી શિક્ષકો ના મળવાને કારણે આવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. પ્રાથમિક શાળાઓમાં લાયકાત વિનાના શિક્ષકોને દૂર કરવા અંગે જે-તે શાળાઓને નોટિસ આપવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપવામાં આવી છે.