પુસ્તક પ્રકાશકોમાં ખુશી:LRD, PSI સહિતની ભરતી આવતા પરીક્ષાલક્ષી સાહિત્ય પ્રકાશનના ધંધામાં નવા પ્રાણ ફૂંકાયા, પુસ્તકોના ભાવ 20 ટકા સુધી વધ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું ફરીથી વેચાણ વધ્યું
  • કોરોનાના કારણે નવી ભરતી બહાર ન પડાતા પુસ્તક પ્રકાશનનો ધંધો ઠપ થઈ ગયો હતો
  • આગામી સમયની ભરતીને લઈને જે-તે વિભાગને અનુલક્ષીને પરીક્ષાલક્ષી પુસ્તકો તૈયાર કરાયા

પાછલા બે વર્ષમાં કોરોના બાદ હવે અલગ અલગ ક્ષેત્રમાં સરકારી ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે. તેમાંય ખાસ LRD અને PSI ભરતી માટેની જાહેરાત થતા, ઉમેદવારો તેની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષા પર નિર્ભર રહેલા મુખ્ય વ્યવસાય એટલે કે તેના સાહિત્ય તૈયાર કરતા પ્રકાશકો, જે કોરોનાના કારણે ઠપ હતો, તેમાં નવા પ્રાણ ફૂંકાયા છે.

કોરોનાના કારણે નવી ભરતીની જાહેરાત નહોતી થઈ
કોરોનાના કારણે લાંબા સમયથી મોટી ભરતી આવી ન હતી. કોરોનાકાળ દરમિયાન સાહિત્ય પ્રકાશનના ધંધાને મોટો ફટકો પડ્યો હતો. પરંતુ હાલ પોલીસ વિભાગ અને આવનાર પંચાયતી વિભાગની ભરતીના કારણે ફરીથી તેમના ધંધા-વેપાર બેઠા થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેથી પ્રિન્ટિંગ પ્રેસમાં પુસ્તકોના પ્રકાશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કુમાર પબ્લીકેશનના પાર્થ શાહની તસવીર
કુમાર પબ્લીકેશનના પાર્થ શાહની તસવીર

પુસ્તકોના ભાવ 20 ટકા સુધી વધ્યા
કુમાર પબ્લીકેશનના પાર્થ શાહે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, કોરોના અને લોકડાઉન દરમિયાન પ્રકાશિત થયેલા પુસ્તકો પડ્યા રહ્યા, જેથી મોટું નુકસાન વેઠવું પડ્યું. જે બાદ હવે લાંબા સમય પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાશે. જેથી ધંધા-વેપાર માટે નવી આશા જાગી છે, કારણ કે લાંબા સમય બાદ લાખોની સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવા જઇ રહ્યા છે, માટે જે-તે વિભાગને અનુલક્ષીને પરીક્ષાલક્ષી સાહિત્ય તૈયાર કરેલા છે. મોટી વાત એ છે કે કાગળ અને રો-મટીરીયલના ભાવમાં વધારો થવાના કારણે પુસ્તકના ભાવ પણ 20% ટકા સુધી વધ્યા છે. દિવસેને દિવસે સ્પર્ધા વધવાના કારણે મુખ્ય પુસ્તકની સાથે સપ્લીમેન્ટરી પુસ્તિકા આપવાની ફરજ પડી છે.

6 મહિનામાં 25 હજાર જગ્યાની ભરતી માટે જાહેરાત
લિબર્ટી પ્રકાશના જગદીશ પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, આવનારા દિવસોમાં પોલીસ કોન્સ્ટેબલ, પી.એસ.આઇ ભરતી માટેની પરીક્ષા યોજાવાની છે. સાથે સાથે પંચાયત વિભાગમાં ક્લાર્કની ભરતી થવાની છે. જેથી કુલ મળી અંદાજે 20થી 25 હજાર જગ્યાની જાહેરાત આગામી 6 મહિનામાં આવી શકે છે. જેના કારણે સાહિત્ય પ્રકાશનને લગતા વેપારમાં બુસ્ટર ડોઝ મળી શકે છે. કારણ કે બે વર્ષમાં જે ધંધો ઠપ થઇ ગયો હતો તે સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત આવતા વેપાર ફરી શરૂ થયો છે.

લિબર્ટી પ્રકાશના જગદીશ પટેલની તસવીર
લિબર્ટી પ્રકાશના જગદીશ પટેલની તસવીર

ગુજરાતમાં 10થી 15 પ્રકાશકો
નોંધનીય છે કે, ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું સાહિત્ય તૈયાર કરતાં પ્રકાશનોનું મોટું માર્કેટ છે. યુવાનોમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાનો ટ્રેન્ડ વધવાના કારણે પાછલા એક દાયકામાં પ્રકાશક લોકોની સંખ્યા પણ વધી છે. જેથી હાલ રાજ્યમાં મોટા 10 થી 15 જેટલા પ્રકાશકો પરીક્ષાલક્ષી સાહિત્ય તૈયાર કરે છે.