વધુ એક ભરતીમાં ગોટાળો?:'ભરતી, ભ્રષ્ટાચાર અને ભાજપ સગા ભાઈ-બહેન જેવો સંબંધ', માહિતી ખાતાની પરીક્ષામાં ગેરરીતિ થઈ: અર્જુન મોઢવાડિયા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
અર્જુન મોઢવાડિયાની પ્રેસ કોન્ફરન્સની તસવીર - Divya Bhaskar
અર્જુન મોઢવાડિયાની પ્રેસ કોન્ફરન્સની તસવીર
  • ગઈકાલે ગુજરાત હાઇકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પ્રક્રિયા પર રોક લગાવી હતી
  • ભરતીમાં અનામતની જોગવાઈને પણ રફે દફે કરી નાખવામાં આવી

ગુજરાતમાં હેડકલાર્કની ભરતી પરીક્ષામાં પેપર ફુટી નીકળ્યાની ઘટના બાદ સરકારે પરીક્ષા રદ કરી છે. તેની સાથે રાજયમાં હાલમાં લેવાયેલી માહિતી ખાતાની વર્ગ-1 અને 2ની ભરતી પ્રક્રિયામાં મેરીટના આધારે ઉમેદવારોને પાસ જાહેર કરીને તેઓની નિયુક્તિની પ્રક્રિયા ચાલુ છે તે સમયે પાસ ન થયેલા અનેક ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પદ્ધતિ સામે પ્રશ્ન ઉઠાવીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ હાઈકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે, બીજી તરફ કોંગ્રેસે પણ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનું જણાવ્યું છે.

'કમલમમાંથી આવતા લિસ્ટ મુજબ મળતીયાની ભરતી કરાઈ'
આ મામલે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, 'મધ્ય પ્રદેશના વ્યાપમથી લઈને ગુજરાતમાં વ્યાપક ભરતી કૌભાંડના સીલસીલામાં એક નવું ભરતી કૌભાંડ તમારી સમક્ષ લાવ્યો છું. આખા દેશમાં જે ક્લાસ 1-2 અધિકારીઓની ભરતી કરવાની હોય તો ભારતના અને રાજ્યના કાયદા મુજબ UPSC અને ગુજરાતમાં GPSC હેઠળ ભરતી કરવાની હોય છે. અત્યાર સુધીમાં આ પ્રક્રિયા જળવાઈ છે અને કાયદા મુજબ, ક્લાસ 1-2 પછી તે આરોગ્ય વિભાગના અધિકારી હોય, કે કોઈપણ ક્ષેત્રની ભરતી તેના હેઠળ કરાઈ છે. જો આ સિવાય ભરતી કરવામાં આવે તો તે ભરતી સંપૂર્ણ ગેરકાયદેસર ઠરાય છે. પહેલીવાર એવું બન્યું કે જે માહિતી અધિકારી હોય, ક્લાસ-1, 2 અને 3ની ભરતી પ્રક્રિયા GPSC જેવી પ્રતિષ્ઠિત સંસ્થાને આપવાના બદલે સરકારે એક ભરતી સમિતી બનાવી. જેનો ઈરાદો કમલમમાંથી આવતા લિસ્ટ મુજબ મળતીયાને ભરતી કરવામાં આવે.'

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

પરીક્ષાના સીસીટીવી ફૂટેજ ચકાસવાની માંગ
તેમણે આગળ કહ્યું કે, વર્ગ-1 અને વર્ગ-2માં અનુક્રમે 8 અને 15 ભરતી કરવાની હતી, જેમાં 1200 ઉમેવાદવારોએ અરજી કરી હતી, પરીક્ષા રાજ્ય સરકારે લેવાને બદલે બહારની એજન્સીને રાખીને તેની પાસે પરીક્ષા લેવડાવી. મને સમજાતું નથી કે રાજ્ય પાસે પોતાનું પરીક્ષા બોર્ડ છે, પબ્લિક સર્વિસ કમિશનની પોતાની વ્યવસ્થા છે, એના મારફતે પરીક્ષા લેવાને બદલે બીજી ખાનગી એજન્સીને આ કામ સોંપાયું અને તેમાં મળતીયા લોકોને એક્ઝામીનર તરીકે મૂકવામાં આવ્યા. મારી માંગણી છે કે તે દિવસે પરીક્ષાના સીટીટીવી ફૂટેજ ચકાસીને ત્યાં કોની અવર જવર હતી, તેની તપાસ થવી જોઈએ. આ 1200માંથી પરીક્ષા આપી હતી, તેમાં 138 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ તૈયાર કરીને તેમના પ્રમાણપત્રો ચકાસવામાં આવ્યા અને તેમાંથી 108 ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા.

ઈન્ટરવ્યૂ કમિટી પર આક્ષેપ
તેમણે વધુમાં કહ્યું, જે ઈન્ટરવ્યૂ કમિટી બનાવી, એ પાંચ સભ્યોની હતી, જેમાં એક અધ્યક્ષ હતા અને 3 નિવૃત્ત કર્મચારી હતા, જે એક્સટેન્શન પર છે. રાજ્ય સરકારના આવા ગેરકાયદેસર કામ માટે આખી ટોળકી ઊભી કરવામાં આવી છે, જે અહીં આવા ધંધા કરે છે અને બહારના એક નિષ્ણાંતને મૂકવામાં આવ્યા. ચેરમેન આ કમિટીમાં હાજર ન રહ્યા. નિષ્ણાંત 2 દિવસ હાજર ન રહ્યા અને આખી ટોળકી એણે આ પ્રક્રિયા સંપૂર્ણ પણે પૂરી કરી અને મેરિટ લિસ્ટ બનાવવામાં આવ્યું અને તે 23 અધિકારીઓના બંધારણીય જે કાયદા મુજબની અનામતો છે, 33 ટકા અનામત મહિલાઓ માટેની હતી, 27.5 ટકા અનામત EBC માટેની હતી, 7.5 ટકા અને અને 14.5 ટકા એસ.સી અને એસ.ટી માટે હતી અને 10 ટકા EWS હતી. આ અનામતની જોગવાઈને પણ રફેદફે કરી નાખવામાં આવી અને મરજી મુજબ તેમણે અનામતના રેશિયો જાળવવા વગર આ રીતે કર્યું.

'બધી પરીક્ષાના સ્કેમના માસ્ટર માઈન્ડને પકડવામાં આવે'
મોઢવાડિયાએ ઉમેર્યું કે, ગુજરાતના યુવાનોનું આ એક પ્રકારનું શોષણ કરવા સિસ્ટમ ઊભી કરી છે, અને સિસ્ટમને સંચાલકો કમલમમાં તો બેઠા છે પણ સરકારમાં પણ બેઠા છે. વણ થંભી પ્રક્રિયા છે અને એકપણ પરીક્ષા એવી નથી ગઈ જેમાં સ્કેમ ન થયો હોય, પૈસા ન લેવાયા હોય. નાની માછલીઓને પકડીને જવા દીધા હોય, પણ સ્કેમ કરનાર માસ્ટર માઈન્ડ સલામત રહે છે અને તેમનું એક સ્કેમ પૂરું થાય એટલે બીજા સ્કેમની તૈયારી શરૂ કરી દે છે. એટલે અહીંયા માંગણી એ છે કે, આ બધી પરીક્ષાના માસ્ટર માઈન્ડ કોણ છે તેને પકડવામાં આવે. બધી ભરતીના માસ્ટરમાઈન્ડ કમલમમાં બેસે છે, કોણ બેસે છે તેમની તપાસ થવી જોઈએ અને ધરપકડ થવી જોઈએ. ભરતી, ભ્રષ્ટાચાર અને ભાજપ આને સગા ભાઈ-બહેન જેવો સંબંધ છે.