ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન:શંકાસ્પદ દસ્તાવેજોને લીધે હેલ્થ વર્કરની ભરતી અટકી

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોએ દસ્તાવેજ તપાસવા માગ કરી હતી
  • વેરિફિકેશન પ્રક્રિયામાં વિલંબનું દુ:ખ: મંડળ

મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી થઈ ન હોવાથી મંડળ અંતિમ લિસ્ટ જાહેર કરી શક્યું નથી. જ્યારે 3 માર્ચ સુધી અંતિમ મેરિટ લિસ્ટ જાહેર થવાની શક્યતા હતી, પરંતુ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, ઘણા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યું છે, જેથી હાલમાં અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરાયું નથી.

આ પહેલાં મંડળને રજૂઆત મળી હતી કે, કેટલાક ઉમેદવારોના દસ્તાવેજો શંકાસ્પદ છે. એટલે કે જે સંસ્થાનું ભરતીની લાયકાત માટેનું સર્ટિફિકેટ છે તે સંસ્થા જ શંકા ઉપજાવે છે, તેથી મંડળે આ અંગે તપાસ કરવી જોઈએ. આ માટે વિવિધ સંસ્થાઓનો સંપર્ક મંડળે કર્યો છે. ઘણી સંસ્થાઓના જવાબો મંડળને મળ્યા છે, પરંતુ ઘણી સંસ્થાની હજુ યોગ્ય પ્રતિક્રિયા મળી નથી. આ સ્થિતિમાં હાલ પૂરતું અંતિમ લિસ્ટ જાહેર કરાયું નથી.

પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે, ઉમેદવારોની નિરાશા સમજી શકાય છે. 27 ફેબ્રુઆરી સુધી રિઝલ્ટ જાહેર કરવાની અમને આશા હતી, પરંતુ તેમ ન થઈ શક્યું. ફરી તારીખ લંબાવવી ન પડે તે માટે અમે અમારી અપેક્ષા કરતાં ચાર દિવસ વધારે લીધાં છે છતાં તે શક્ય ન બન્યું, તેનું અમને દુ:ખ છે.

અન્ય સમાચારો પણ છે...