હવે કાગળનો મેમો બંધ:ટ્રાફિકનો દંડ ભરનારાને SMS કે વ્હોટ્સએપથી રસીદ અપાશે; આવતા અઠવાડિયાથી કાર્યવાહી કેશલેસ અને પેપરલેસ

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ટ્રાફિક-પોલીસે ક્રેડિટ-ડેબિટ કાર્ડથી દંડ લેવા 900 સ્વાઇપ મશીન ખરીદ્યાં

શહેર ટ્રાફિક-પોલીસ આગામી સપ્તાહથી કેશલેસ અને પેપરલેસ કામ શરૂ કરશે. વાહનચાલકો પાસેથી સ્થળ પર જ ક્રેડિટ-ડેબિટ કાર્ડથી દંડ લેવા 900 સ્વાઈપ મશીનો ખરીદ્યાં છે, જેનું ઈન્સ્ટોલેશન પૂરું થતાં ટ્રાફિક-પોલીસોને અપાશે. સ્થળ પર દંડ ભરનારા વાહનચાલકોને હવે પેપર મેમો નહીં, પરંતુ મોબાઈલમાં મેસેજ-વ્હોટ્સએપથી મેમાની રસીદ અપાશે. આ બંને ટેકનોલોજીનો ઉપયોગ કરનારી અમદાવાદ ટ્રાફિક-પોલીસ રાજ્યની પહેલી પોલીસ હશે. આ સાથે રોકડેથી દંડ લેવાનું ચાલુ રહેશે.

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી દંડ ભરી શકાશે
ટ્રાફિક ડીસીપી તેજસ પટેલે જણાવ્યું હતું કે ટ્રાફિક-પોલીસ સ્થળ પર દંડ લે છે અને બીજો ઈ-મેમોથી દંડ ભરાવાય છે. સ્થળ પર દંડ વસૂલતી ટ્રાફિક-પોલીસને એવું સાંભળવું પડે છે કે અમારી પાસે દંડના પૈસા નથી. વાહનચાલકો ક્રેડિટ-ડેબિટ કાર્ડથી દંડ ભરી શકે એ માટે સ્વાઈપ મશીન ખરીદવા યોજના હતી.

પ્રાયોગિક ધોરણે મોબાઇલમાં રસીદ મોકલવાનું ચાલુ
અમદાવાદ ટ્રાફિક-પોલીસને 900 સ્વાઈપ મશીન ખરીદવા માટે ડીજીપી આશિષ ભાટિયાએ બજેટ ફાળવ્યું હતું, જેમાં ઓનલાઈન ઈન્સ્ટોલેશન કામગીરી પૂરી થતાં એ મશીનો ટ્રાફિક-પોલીસને ફાળવાશે. દંડના મેમોની રસીદ પણ પેપરલેસ કરવા ટ્રાફિક-પોલીસે પ્રાયોગિક ધોરણે એન, એલ, એમ, આઈ અને બી ટ્રાફિક પોલીસ સ્ટેશનોએ મેસેજ વ્હોટ્સએપથી રસીદ મોકલાવનું શરૂ કર્યું છે. જ્યારે બીજા પોલીસ સ્ટેશનોમાં પણ આગામી દિવસોમાં આ પ્રમાણે કામગીરી શરૂ કરાશે. આ સિસ્ટમથી જેથી કોઇપણ ટ્રાફિક-પોલીસ કોઇ વાહનચાલક પાસેથી વધુ દંડ લઇ બદમાશી કરી શકશે નહીં.

મેમોનો રેકોર્ડ અધિકારી ઓનલાઈન જોઈ શકશે
જે પણ વ્યકિત પાસેથી ટ્રાફિક-પોલીસ સ્વાઈપ મશીનથી દંડ વસૂલશે અને મેસેજથી દંડ ભર્યાની રસીદ આપશે એ તમામનો ડેટા ટ્રાફિક-પોલીસના અધિકારીઓ ચેમ્બરમાં બેઠાં- બેઠાં ઓનલાઈન જોઈ શકશે, જેથી ટ્રાફિક-પોલીસો મેમોમાં તારીખ-દંડની રકમ કે કોઇપણ પ્રકારનો ફેરફાર કરીને બદમાશી કરી શકશે નહીં.

વાહનચાલકની સંપૂર્ણ વિગતો પોલીસને મળશે
જે વાહનચાલક દંડ ભરશે તેને ટ્રાફિક-પોલીસ તેના મોબાઈલથી મેસેજ કે વ્હોટ્સએપથી મેસેજ કરીને દંડ ભર્યાની રસીદ આપશે. આમ કરવાથી ટ્રાફિક-પોલીસના સર્વરમાં દંડ ભરનાર વાહનચાલકનો મોબાઈલ નંબર, એડ્રેસ, આધાર કાર્ડ સહિતની તમામ માહિતી આવી જશે. એ સાથે વાહનચાલક પાસે પણ દંડ ભર્યાની રસીદ મોબાઈલ ફોનના મેસેજમાં જ રહેશે.