22 માર્ચે જનતા કર્ફ્યૂ પછી વડાપ્રધાને 24 માર્ચ, 2020ના રોજ જાહેરાત કરી હતી કે દેશમાં 25 માર્ચથી 14 એપ્રિલ સુધી 21 દિવસનું લૉકડાઉન રહેશે. એ વાતને આજે એક વર્ષ પૂરું થયું. ત્યારે કોઈએ વિચાર્યું સુદ્ધાં ન હતું કે આ લૉકડાઉન વધીને 15 એપ્રિલથી 3 મે, પછી 17 મે અને છેવટે 31 મે સુધી પહોંચી જશે. સંપૂર્ણ લૉકડાઉનના આ 68 દિવસ આપણે ક્યારેય નહીં ભૂલીએ. ત્યાર પછી 1 જૂનથી 30 નવેમ્બર સુધી 6 તબક્કામાં અનલૉક થયું, જે આજ સુધી ચાલુ છે. ઘણું બધું ખૂલી ગયું, પરંતુ તમામ ટ્રેનો અને આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રા શરૂ થવાની હજુ બાકી છે. લૉકડાઉનથી અનલૉક વચ્ચેનું આ અંતર નક્કી કરતા દેશમાં 1.17 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ગયા અને આપણે 1.60 લાખ લોકોને હંમેશા માટે ખોઈ પણ નાંખ્યા. આ વર્ષ આપણને ઘણું બધું શીખવી ગયું. પરિવારનું મહત્ત્વ અને મુશ્કેલીઓ સામે લડવાની તૈયારી વિશે પણ આપણે જાણ્યું પરંતુ સૌથી મહત્ત્વની વાત આપણે શીખી કે કુદરતથી વધુ શક્તિશાળી કશું જ નથી.
ફક્ત 15.5% માને છે કે કોરોના પર કાબૂ રાખવામાં સરકારની ભૂમિકા મહત્ત્વની
અમારો સવાલ હતો કે, કોરોનાને કાબૂમાં લેવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા કોની છે? 58.1% લોકોએ પોતાની ભૂમિકાને મહત્ત્વની ગણાવી એટલે કે લોકો મહામારીમાં પોતાની જવાબદારી સમજે છે. જ્યારે 21.1% લોકોએ ડૉક્ટરોની ભૂમિકા મહત્ત્વની ગણાવી, જ્યારે ફક્ત 15.5% લોકોએ સરકારની અને 5.3% લોકોએ સમાજની ભૂમિકા મહત્ત્વની માની.
22% લોકોએ લૉકડાઉન દરમિયાન એકલતા અનુભવી
સરવેમાં 22% લોકોએ કહ્યું કે તે સતત ઘરે રહેવાને કારણે અને મિત્રોથી દૂર થવાને લીકે એકલતાનો શિકાર થયા. એક અન્ય સવાલના જવાબમાં 15%એ કહ્યું કે આ દરમિયાન યોગ-ધ્યાનની ટેવ અપનાવી. 16%એ કહ્યું કે લૉકડાઉન દરમિયાન ફાલતુ ખર્ચ ઓછો થયો, બચત કરતા શીખ્યા. 4%એ કહ્યું કે નશાની ટેવ છૂટી ગઈ.
69%એ કહ્યું - મજૂરોનું જીવન પડકારજનક બન્યું
આ દોર કોના પર સૌથી ભારે પડ્યું તે સવાલના જવાબમાં 69.2% લોકોએ કહ્યું કે મજૂરો. એક અન્ય સવાલના જવાબમાં 52%એ કહ્યું કે મજૂરોની ઘરવાપસીની વ્યવસ્થા સમયસર ન કરવી તે ખોટો નિર્ણય હતો. 32.3% લોકોને પાર્ટીઓની ચૂંટણી રેલીના આયોજન પણ પસંદ ન આવ્યા. 10.1%એ કહ્યું કે આ દરમિયાન ચૂંટણી યોજવાનો નિર્ણય જ ખોટો હતો.
48%એ કહ્યું - રોજગાર જ અમારી પ્રાથમિકતા
સરવેમાં 62%એ કહ્યું કે રોજગાર ગુમાવવાથી તકલીફ પડી. જોકે 20%એ કહ્યું કે તેમને લૉકડાઉન દરમિયાન કોઈને કોઈ રીતે નાણાકીય સંકટનો સામનો કરવો પડ્યો. ત્યારે કોરોનાકાળ પછી સૌથી મોટી પ્રાથમિકતાના સવાલ પર 48%એ કહ્યું કે રોજગારી અમારી પહેલી પ્રાથમિકતા છે. રોજગાર હાલ લોકો માટે પ્રાથમિકતામાં પરિવારથી પણ ઉપર છે.
42.1%એ કહ્યું - મુશ્કેલી માટે તૈયાર રહેવાનું શીખ્યા
અમે પૂછ્યું કે કોરોનાકાળમાં તમે શું શીખ્યાં? તેના જવાબમાં 42.1%એ કહ્યું કે સંકટ માટે હંમેશા તૈયાર રહેવાની શીખ આ સમયગાળામાં મળી. જોકે 27.1%એ કહ્યું કે અમે શીખ્યા કે સારું સ્વાસ્થ્ય જરૂરી છે. 15.2% લોકો બચત કરવાનું શીખ્યા, જોકે 15.6% પરિવારને મહત્ત્વ આપતાં શીખ્યા. લોકો માટે સ્વાસ્થ્ય એક મોટી જરૂરિયાત બનીને સામે આવ્યું છે.
30.7%એ કહ્યું - હવે સામાન્ય થવામાં સમય લાગશે
સરવેમાં 34.5% લોકોએ કહ્યું કે મહામારી કાબૂમાં આવતા સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થવામાં 2-3 વર્ષ લાગશે. જોકે 30.7% લોકોએ કહ્યું કે હજુ વધારે સમય લાગશે. 19.4% લોકો એવા પણ હતા જેમને લાગે છે કે ચાલુ વર્ષે સ્થિતિ સામાન્ય થઈ જશે. 15.4% લોકોએ આગામી વર્ષ સુધી બધું સામાન્ય થવાની આશા રાખી છે.
29.5%ને નોકરી ગુમાવવાનો ખતરો દેખાયો, 27.3%ના મનમાં ગામડે પાછા ફરવાની ઈચ્છા
અમે લોકોએ પૂછ્યું કે કોરોનાકાળમાં તમે શું અનુભવ્યું? તેના જવાબમાં લોકોની આંત્રપ્રિન્યોરશિપની ઈચ્છા સામે આવી. 29.5% લોકોએ કહ્યું કે તેમને નોકરી ગુમાવવાનો ખતરો મહેસૂસ થયો. જોકે 32% લોકોના મનમાં પોતાનો ધંધો કરવા અને 27.3% લોકોએ ગામડે પાછા ફરી પોતાનો ધંધો કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ બંનેનો કુલ આંકડો 59.3% થાય છે. 11.1% લોકો એવા હતા જેમને મુશ્કેલ સમયમાં ધંધો બદલવાનો વિચાર આવ્યો.
45.5% આ મુશ્કેલીનો સામનો કર્યા બાદ હવે પોતાનું ઘર ખરીદવા માગે છે
અમે સરવેમાં લોકોને સવાલ કર્યો કે કોરોનાકાળની તકલીફ બાદ કઈ વસ્તુ સૌથી પહેલા ખરીદવા માગો છો. 45.5% લોકોએ કહ્યું કે તે આ સંકટના દોરમાં પહેલા પોતાનું ઘર ખરીદવા માગે છે. જોકે 41.6% લોકોએ કહ્યું કે તે બાળકોના ઓનલાઈન અભ્યાસ માટે નવો સ્માર્ટફોન કે લેપટોપ ખરીદશે. 13%એ કહ્યું કે તે સૌથી પહેલા પોતાની ગાડી ખરીદવા માગે છે.
22% લોકોએ પહેલીવાર જાણ્યું, ઘરની મહિલાઓનું કૂકિંગનું કૌશલ્ય
આ સરવેમાં 22% લોકોએ કહ્યું કે અમને કોરોનાકાળમાં પહેલીવાર ખબર પડી કે, ઘરની મહિલાઓ કેટલી સરસ રસોઈ બનાવે છે. અમે તેમને પૂછ્યું કે, લૉકડાઉનમાં ઘરની મહિલાઓના કયા કૌશલ્ય વિશે તમે જાણ્યું? તેમાં 12% લોકોએ કહ્યું કે મહિલાઓ ઓછા બજેટમાં ઘરનું સુંદર મેનેજમેન્ટ કરે છે. કેટલાક લોકોએ મહિલાઓની ગાઈકી પ્રતિભાને પણ ઓળખી. જોકે, તમામ લોકોએ કહ્યું કે, હવે મહિલાઓને તેમની પ્રતિભા વધારવામાં મદદ કરશે.
41% માટે હવે સૌથી મોટી પ્રાથમિકતા પરિવાર
સરવેમાં 70% લોકોએ કહ્યું કે લૉકડાઉન વખતે અમને ઘરમાં પરિવાર સાથે સમય વિતાવવાની જે ખુશી મળી, તે સૌથી મહત્ત્વની છે. જ્યારે અન્ય એક સવાલના જવાબમાં 41% લોકોએ કહ્યું કે હવે અમારી પ્રાથમિકતા ફક્ત પરિવાર છે. 33% લોકો આ સમયમાં પરિવારની મદદ કરતા પણ શીખ્યા અને ઘરમાં રહીને ગૃહિણીઓને મદદ કરતા પણ શીખ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.