ભાજપ, કોંગ્રેસ અને આપે ગુજરાત વિધાનસભા ચૂંટણીના મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ આ વખતે ચૂંટણીમાં બળવાના અલગ દૃશ્યો જ જોવા મળી રહ્યા છે. 'પાર્ટી વિથ અ ડિફરન્સ' અને શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં બંડના જે દૃશ્યો જોવા મળી રહ્યા છે તેણે ચોંકાવી દીધા છે. વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ કહે છે, 'હું ભાજપથી નથી, ભાજપ મારાથી છે'... તો જામનગરમાં ભાજપના હકુભાથી લઈને કોડિનારમાં કોંગ્રેસના મોહન વાળાએ બળવો કર્યો છે. ઘણે ઠેકાણે બળવાખોરોએ પાર્ટીમાંથી રાજીનામાં આપી અપક્ષ ઉમેદવારી પણ કરી દીધી છે. NCPના કાંધલ જાડેજા અને રેશ્મા પટેલને લઈને બહુ મોટો વિવાદ સર્જાયો છે. તો ચાલો જોઈએ બળવાખોરો...
મધુ શ્રીવાસ્તવ બોલ્યા, 'ભાજપ મારાથી છે.. હું ભાજપથી નહીં'
છેલ્લી છ ટર્મથી વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર MLA રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ અપક્ષ ચૂંટણી લડશે. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, મને ટિકિટ ન મળતા કાર્યકરો નારાજ થયા હતા અને તેમણે જ મને રાજીનામુ આપવા કહ્યું હતું. જેના કારણે મેં ભાજપને રામ-રામ કરી દીધા છે. આ સાથે તેમણે કહ્યું કે મેં મારી રાજકીય કારકિર્દીમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી... અને એક વાત કહી દઉં કે હું ભાજપથી નથી.. ભાજપ મારાથી છે.
વાઘોડિયામાં ચૂંટણી લડવી મધુ માટે અસ્તિત્ત્વનો જંગ
વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ છેક 1995થી વિજયી બનતા આવ્યા છે. અહીં પહેલી વાર અપક્ષ MLA તરીકે ચૂંટાયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. હવે મધુ શ્રીવાસ્તવને 7મી વખત ચૂંટણી લડવી હતી, પરંતુ ભાજપે આ વખતે તેમને રિપીટ કર્યાં નહોતા. વડોદરાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય વારંવાર વિવાદોમાં રહેતા આવ્યા હતા. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયાને ધમકી આપવાની હોય કે તંત્રને ધમકાવવાનું હોય, પોતે જ સર્વોપરી છે તેમ માની અને પોતાની દબંગાઈનો પરચો બતાવતા આવ્યા હતા. હવે આ ચૂંટણી પોતાના માટે અસ્તિત્ત્વનો જંગ હોય તેમ મધુ શ્રીવાસ્તવ હાથપગ મારી રહ્યા છે.
ચોર્યાસી બેઠક પર ઝંખના પટેલ કપાતા સીધો બળવો
સુરતની ચોર્યાસી બેઠક પરના ભાજપે જેને ઉમેદવાર બનાવ્યા છે તે સંદીપ દેસાઈનો વિરોધ થયો છે. ગત 2017ની ચૂંટણીમાં 1 લાખથી વધુ મતોની લીડથી જીતેલા ઝંખના પટેલની ટિકિટ કપાતાં કાર્યકરો નારાજ છે. ઝંખના પટેલના સમર્થકોએ મોરા ગામ ખાતે સંદીપ દેસાઈ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ઝંખના પટેલના સમર્થકોનું માનવું છે કે, ભાજપમાં ચોર્યાસી બેઠક ઉપર તેમને કોઈપણ કારણ વગર કાપી નાંખ્યા છે. આ વાતથી ભાજપમાં પણ હવે અસંતોષ જોવા મળી રહ્યો છે. વિશેષ કરીને ચોર્યાસી બેઠકના મતદારોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. એક જ ચાલે ઝંખના બેન જ ચાલે.. ના સૂત્રો લાગ્યા હતા. સંદીપ દેસાઈના ફોટા ઉપર ચોકડીનું નિશાન મારીને એકત્રિત થયેલા લોકોએ વિરોધ નોંધાવ્યો છે.
ચોર્યાસી 5 લાખ મતદાર, ખાલી 4000ની વસતિવાળાને ટિકિટ?
ચોર્યાસી વિધાનસભા બેઠક પર ઝંખના પટેલ માટે મેન્ડેટ માગી રહેલા કાર્યકરો કહે છે કે, અહીં 5 લાખ મતદારો છે જેમાં દોઢ લાખથી વધુ કોળી પટેલ મતદારો છે. જ્યારે માત્ર 4 હજારની અનાવિલની વસતિ છે છતાં સંદીપ દેસાઈને ટિકિટ કેમ? કાંઠા વિસ્તારમાં તો વધુ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે જ્યાં કોળી પટેલોના મતદારોની સંખ્યા ખૂબ જ વધારે છે. આ તમામ મતદારો ભાજપના કમિટેડ વોટર્સ મનાય છે. સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે ઝંખના બેન અમારા માનનીય નેતા અને આગેવાન છે. એટલે બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી. હું આજે તેઓને મળવાનો પણ છું. તેમજ કોળી સમાજના આગેવાનોને મળીને બધા ભેગા મળીને ચૂંટણીના કામે લાગવાના છીએ.
હકુભા જાડેજાની બાદબાકીથી જામનગરમાં પણ બળવો
જામનગર વિધાનસભાની બેઠક પર ગત વખતે 45 હજાર જેટલા જંગી મતોથી જીતેલા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાની ભાજપે આ વખતે બાદબાકી કરી છે. 2012 અને 2017 એમ બે ટર્મથી ધારાસભ્ય હકુભા રાજકારણના એક એવા ખેલાડી મનાય છે જે કદાપિ પોતાની તલવાર મ્યાનમાં કરે નહીં. ભાજપમાં એમની ટિકીટ કપાઇ છે તો હકુભા જાડેજા શું કરશે ? તેનો જવાબ જાણવા લગભગ જિલ્લા આખાના લોકોમાં ઉત્કંઠા જાગી છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા અપક્ષમાંથી ફોર્મ ભરશે તેવી અટકળો સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં હકુભાએ ભાજપના ખેસ સાથેનો ફોટો મૂક્યો હતો જે ગઇકાલે દૂર કર્યો હતો.
હાઇકોર્ટનો ક્રિમિનલ કેસમાં હકુભાને રાહતનો ઇન્કાર
2007માં 200થી વધુ લોકો આંદોલનમાં હતા. 48 લોકો પર જે-તે સમયે કેસ થયો હતો. ખેડૂત હિત રક્ષક સમિતની અધ્યક્ષતામાં આ આંદોલન હતું. હાઇકોર્ટમાં રાજ્ય સરકારે કેસ પાછો ખેંચવા માટે અરજી કરી હતી. રાજ્ય સરકારે કરેલી આ અરજીને હાઇકોર્ટે ફગાવી હતી. ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાત પહેલા જામનગર ભાજપના ધારાસભ્ય હકુભાને સૌથી મોટો ફટકો પડ્યો હતો, હાઇકોર્ટે ક્રિમિનલ કેસમાં હકુભાને રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો.
NCPના બાય-બાય, કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે
કુતિયાણા બેઠક પર NCP મેન્ડેટ નહીં આપે તો કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે. અહી ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી NCP નેતા જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. ગત ચૂંટણીમાં NCPએ કાંધલ જાડેજાને ટિકિટ આપી હતી. પરંતુ આ વખતે NCPએ હજી સુધી મેન્ડેટ આપ્યું નથી અને જો નહીં આપે તો કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે તેવી માહિતી મળી રહી છે. તમને જણાવી દઈએ કે, સોમવારે ફરીવાર કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરી શકે છે. ગઇકાલે કાંધલ જાડેજાએ NCPના નામે ફોર્મ ભર્યું હતું. જો NCP મેન્ડેટ ન આપે તો કાંધલે ફરી અપક્ષ તરીકે ફોર્મ ભરશે.
કુતિયાણા બેઠક પર 'ગોડમધર'ના પુત્રનું રાજ
સૌરાષ્ટ્રના દબંગ નેતા કાંધલ જાડેજાનો રાજકીય અને કૌટુંબિક ઈતિહાસ મોટો છે. કાંધલ જાડેજાના પિતા સરમણ મુંજા જાડેજા અને તેમના માતા સંતોકબેન જાડેજા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં જાણીતા છે. રાણાવાવ-કુતિયાણા બેઠક પર હાલમાં કાંધલ જાડેજા ધારાસભ્ય છે. આ બેઠક પર સંતોકબેન તેમજ તેમના કાંધલના કાકા ભુરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચુક્યા છે. કાંધલ જાડેજાએ પ્રથમ વખત 2012માં NCPમાંથી રાણાવાવ-કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને 18 હજારથી વધુ મતોથી પરાસ્ત કર્યા હતા.
પાદરા-કરજણના બળવાખોરો પર ગૃહમંત્રી અકળાયા
વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠકના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કરજણ બેઠક ઉપર ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા) અને પાદરા બેઠકના ભાજપાના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)ને ભાજપમાંથી ટિકિટ ન મળતા તેઓએ બળવો કરી ચૂંટણી લડવાની જાહેરાત કરતા ભાજપમાં સન્નાટો વ્યાપી ગયો છે, ત્યારે આ ત્રણેયને સમજાવવા માટે પ્રદેશ ભાજપ દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ત્રણેય બેઠકના કાર્યકરોને મળવાના નામે મુલાકાત લીધી હતી.
સતીષ પટેલે ગૃહમંત્રી સાથે મુલાકાત ટાળી
પ્રદેશ કાર્યાલય તરફથી બળવો કરીને કરજણ બેઠક ઉપર ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા)નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ, ગૃહમંત્રી સાથેની મુલાકાત ટાળવા માટે તેઓએ ફોન રિસીવ કર્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. બળવો કરીને ચૂંટણી લડવાની જાહેરાત કરનાર પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલે (નિશાળીયા) પણ ગૃહમંત્રીની મુલાકાત કરવાનું ટાળતા ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાજપ કાર્યકરોને સંબોધતા સમયે બળાવાખોરો સામે નિશાન સાધ્યું હતું.
ધીરસિંહ બારડ અને મોહન વાળાનું રાજીનામું
ગીર સોમનાથના કોંગ્રેસના બે નેતાએ રાજીનામાં આપ્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ધીરસિંહ બારડ અને ધારાસભ્ય મોહન વાળાએ રાજીનામું આપ્યુ છે. બંને નેતાઓએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામાં આપ્યા છે. ધીરસિહ બારડના નિવાસ સ્થાને મળેલી બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક નેતાઓના મતને ધ્યાને ન લેવાથી અને મહેશ મકવાણાને ટિકિટ આપવાથી નારાજ છે.
મનહર પટેલની ટિકિટ કપાતા મામલો ખડગે સુધી પહોંચ્યો
બોટાદ બેઠક પરથી મનહર પટેલની ટિકિટ કપાવાનો મામલો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સુધી પહોંચ્યો છે. ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓએ મધ્યસ્થી કરી છે. જો કે પાર્ટીએ હાલ પુનઃ વિચારણા માટે હૈયાધારણા આપી છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે બોટાદ બેઠક પર રમેશ મેરને ટિકિટ આપતા મનહર પટેલ નારાજ થયા છે. મનહર પટેલને ટિકિટ ન મળતા સમર્થકો સાથે તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. જયાં બંધ બારણે મનહર પટેલ અને અશોક ગેહલોતની જીવરાજપાર્ક વિસ્તારના ખાનગી પાર્ટી પ્લોટમાં મિટીંગ યોજાઈ હતી. નારાજ મનહર પટેલે કહ્યું, ટિકિટ વહેંચણીને લઈ ફેરવિચારણા કરવામાં આવે.
દ્વારકામાં પાલ આંબલીયા કપાતા કિસાન સેલ ખફા
દ્વારકા બેઠક પરથી પાલ આંબલીયાને કોંગ્રેસે ટિકિટ ન આપતા કોંગ્રેસના કિસાન સેલમાં નારાજગી ફેલાઈ છે. કોંગ્રેસ કિસાન સેલના આગેવાનોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢયો હતો. પાલ આંબલીયાને ટિકિટ મળવી જોઈએ તેવી કોંગ્રેસ કિસાન સેલના આગેવાનોએ માગ કરી છે. દ્વારકા બેઠક પરથી કોંગ્રેસમાંથી પાલ આંબલીયાએ દાવેદારી નોંધાવી હતી. પરંતુ કોંગ્રેસે આંબલીયાના બદલે મૂળુ કંડોરિયાને ટિકિટ આપતા વિરોધનો સૂર ઉભો થયો છે.
રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું
ભાજપ માટે અત્યંત સેફ ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસનું કોકડું ગૂંચવાયુ છે. ભાજપે ડૉ. દર્શીતા શાહને ટીકીટ આપતા કોંગ્રેસ સક્ષમ ઉમેદવાર ઉતારશે. આ રાજકોટ પશ્ચિમ બેઠક પર કડવા પાટીદાર મનસુખ કાલરીયા અને લોહાણા સમાજમાંથી ગોપાલ અનડકટ પ્રબળ દાવેદાર છે. મહત્વનું છે કે આ બેઠક પર કડવા પાટીદાર સમાજ, લોહાણા સમાજ અને બ્રહ્મ સમાજનું પ્રભુત્વ છે. ભાજપે લોહાણા, બ્રાહ્મણને બદલે જૈન ઉમેદવાર મેદાને ઉતર્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક ભાજપની પરંપરાગત બેઠક રહી છે. બે દિવસ થી લોહાણા સમાજ ટીકીટ આપવાની માંગ કરવામાં આવી છે,ત્યારે કોંગ્રેસ આ હાઈ પ્રોફાઈલ બેઠક પર કોને ટિકિટ આપે છે તેના પર સૌ કોઈની નજર છે.
શહેરા, નાંદોદમાં ભાજપમાં વિરોધના સૂર ઉઠ્યા
શહેરા વિસ્તારના ભાજપના આગેવાન ખાતુભાઈ પગી અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. જેઠાભાઈ ભરવાડની જગ્યાએ ખાતુભાઈ પગીને ટિકિટની માંગ કરી હતી. નાંદોદ વિધાનસભા બેઠકની વાત કરીએ તો ત્યાં ભાજપ ઉમેદવારનો વિરોધ જોવા મળી રહ્યો છે. નાંદોદ બેઠક માટે ડો. દર્શનાબેન દેશમુખને ભાજપે ટિકિટ આપી છે આથી વિરોધ જોવા મળી રહ્યો છે. આ બંને જગ્યાએ હવે ભાજપની અંદરથી જ કપાઈ ગયાની લાગણી ધરાવનારા નેતાઓના વિરોધના સૂર ઉઠ્યા છે.
બોટાદ ભાજપમાં પણ વિરોધના વરવા દ્રશ્યો
ભાજપમાં બોટાદ વિધાનસભા બેઠક 107 પર ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે. હાલ ભાજપની સામે ભાજપનો જ વિરોધ જોવા મળી રહ્યો છે. બોટાદ 107 બેઠક પર ભાજપે ઘનશ્યામ વિરાણીની પસદંગી કરી છે. ત્યારે બોટાદ 107 બેઠક પર ઘનશ્યામ વિરાણીનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતા ભાજપના જ એક જૂથ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો અન્ય કાર્યકરો દ્રારા ઘનશ્યામ વિરાણીને સમર્થન આપવામાં આવી રહ્યો છે. આજના દિવસમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક બાજુ વિરોધના તો બીજી બાજુ સમર્થનના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘનશ્યામ વિરાણીએ આ બેઠક પર જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને સાથે જ જીત બાદ પ્રાથમિક સુવિધાના કામ કરવાની પણ ખાતરી આપી છે.
મહુવામાં આર.સીની ટિકિટ કપાતા વિરોધ
ભાવનગરના મહુવા વિધાનસભા 99 માં વર્તમાન ધારાસભ્ય આર.સી મકવાણાની ટિકિટ કપાતા તેમના ટેકેદારો મેદાનમાં આવી ગયા છે. મહુવા શહેર ભાજપ સંગઠન, ગ્રામ્ય સંગઠન, શહેર યુવા મોરચો તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો સહિતના ભાજપના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી સામૂહિક રાજીનામાં આપ્યા છે. વર્તમાન ધારાસભ્ય આર.સી મકવાણાના સમર્થનમાં 400થી વધુ કાર્યકરોએ રાજીનામાં ધરી દીધા છે. મહુવામાં નવા ચહેરા તરીકે શીવાભાઈ ગોહિલનું નામ જાહેર થતા ભાજપમાં આંતરિક વિવાદ શરૂ થયો છે. ભાજપના યુવા કાર્યકરો તેમજ હોદ્દેદારોના રાજીનામાં ભાજપ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયાને આપ્યાં છે.
વિસનગરમાં ઋષિકેશ પટેલને કેમ રિપીટ કર્યા?
વિસનગરમાં ચાલુ ધારાસભ્યોને રીપિટ કરતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. ઋષિકેશ પટેલને સતત ચોથી વખત રિપીટ કરાતા ભાજપ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે વિસનગરમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે વિરોધ દર્શાવ્યો છે. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલે વિરોધ દર્શાવ્યો છે. બીજી તરફ વિસનગરમાં અપક્ષ ઉમેદવારી કરવાની જશુ પટેલે જાહેરાત કરી છે.
ક્યાં-ક્યાં કોનો કેટલો વિરોધ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.