AMCની 100 કરોડની જગ્યા, આવક '0':અમદાવાદમાં જલધારા વોટરપાર્ક ત્રણ વર્ષથી ખંડેર, ગેટ પરનું તાળું પણ કટાઈ ગયું ને બોર્ડ લટકેલી હાલતમાં!

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

અમદાવાદ શહેરમાં વિકાસ અને મનોરંજન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનેક નવાં આયોજનો અને મનોરંજન સ્થળ ઊભાં કરી રહ્યું છે, પરંતુ તેની 100 કરોડથી વધુની જગ્યામાં ઊભા કરાયેલો એકમાત્ર વોટરપાર્ક આજે ખંડેર બની ગયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કાંકરિયા પાસે આવેલો જલધારા વોટરપાર્ક છેલ્લાં ત્રણ વર્ષથી બંધ કરી દેવાયો છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈ દ્વારા ચલાવવામાં આવેલા વોટરપાર્કનો કોન્ટ્રક્ટ પૂર્ણ થયા બાદ ફરીથી એને શરૂ કરવામાં ભાજપના સત્તાધીશોને રસ નથી. શહેરીજનો માટે ઉનાળાની ગરમીમાં મોજ માણવા માટે કાંકરિયા જલધારા વોટરપાર્ક એક સમયે જાણીતો હતો, પરંતુ આજે આ વોટરપાર્ક બંધ કરી ઓળખ ભુલાવવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપના સત્તાધીશોએ કર્યું છે.

ગેટ પર કટાયેલું તાળું, બોર્ડ લટકેલી હાલતમાં
કાંકરિયા વિસ્તારમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 13000 ચોરસમીટરથી વધુની 100 કરોડની જગ્યા પર આવેલા આ જલધારા વોટરપાર્કની દિવ્ય ભાસ્કરે રૂબરૂ મુલાકાત લીધી હતી. વોટરપાર્કના નામનું બોર્ડ આજે લટકી રહ્યું છે. ગેટ પર તાળાં મારી દેવામાં આવ્યાં છે અને સિક્યોરિટી ગાર્ડ બેસાડી દેવામાં આવ્યા છે. અંદર કચરો અને ધૂળ જોવા મળે છે. જો બહારથી આ રીતે ધૂળિયો અને દરેક જગ્યાએ કચરો હોય તો અંદરથી વોટરપાર્કની કેવી હાલત હશે એ વિચારી શકાય છે. પહેલાં આ વોટરપાર્કનો હવાલો કાંકરિયા લેકફ્રન્ટ પાસે હતો, પરંતુ ચલાવવા માટેનો કોન્ટ્રેક્ટ પૂરો થઈ જતાં હવે એસ્ટેટ વિભાગ પાસે વોટરપાર્કનો હવાલો છે. ત્રણ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ જગ્યાને સત્તાધીશો અને તંત્ર ભૂલી ગયાં છે.

TP એન્ડ એસ્ટેટ કમિટીના ચેરમેનનો ગોળગોળ જવાબ તો બીજી તરફ ભાજપના સત્તાધીશો આ મામલે કશું બોલવા તૈયાર નથી. ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને પણ આ મામલે પૂછતાં તેમણે અધિકારી પાસેથી માહિતી લઈને જાણ કરું છું એવો ગોળ ગોળ જવાબ આપ્યો હતો, પરંતુ ત્યાર બાદ તેમનો કોઇ પ્રત્યુત્તર આવ્યો નથી, જેથી ચોક્કસથી કહી શકાય કે હવે આ જલધારા વોટરપાર્ક મામલે ક્યાંક ને ક્યાંક કંઈક છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

2018-19 બાદ ફરી ટેન્ડર કરવામાં રસ જ ન દાખવ્યો
વર્ષ 2018-19માં ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈની કંપની સેવન સ્ટારને આપવામાં આવેલી સમયમર્યાદા પૂર્ણ થઇ જતાં વોટરપાર્કને બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ફરીથી એને શરૂ કરવા માટે કોઇપણ પ્રકારના ટેન્ડર કરવામાં AMC કે સત્તાધારીઓને રસ ન હતો. વર્ષ 2020-21ના બજેટમાં ભાજપના સત્તાધીશો દ્વારા વોટરપાર્કમાં આધુનિક મલ્ટી એક્ટિવિટી સેન્ટર, એન્ટરટેઇનમેન્ટ સેન્ટર તથા 12 D થિયેટર તૈયાર કરવા પ્રોજેક્ટ રિપોર્ટ માટે રૂપિયા 10 કરોડની ફાળવણી કરી હતી અને આ જલધારા વોટરપાર્કને ફરી કાર્યરત કરવા માટે આ રીતે સપનાં બતાવવામાં આવ્યાં હતાં, પરંતુ ભાજપના સત્તાધીશો બજેટમાં કરેલી જાહેરાતને ભૂલી ગયા છે.

જલધારા વોટરપાર્કના ગેટ લાગેલું કાટેલું તાળું.
જલધારા વોટરપાર્કના ગેટ લાગેલું કાટેલું તાળું.

શું મહેન્દ્ર પટેલના ભાઈ સિવાય કોઈને કોન્ટ્રેક્ટ નહીં આપે?
ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈને જલધારા વોટરપાર્ક ચલાવવા માટે કોન્ટ્રેક્ટ આપવા આવ્યો હતો. કોન્ટ્રેક્ટ પૂર્ણ થયા બાદ આજે વોટરપાર્ક બંધ હાલતમાં છે. તેઓ પોતાના ફેસબુક પર જલધારા વોટરપાર્કનો ઉલ્લેખ કરે છે. જલધારા વોટરપાર્ક જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંપત્તિ છે અને આજે પણ આ કોર્પોરેશનની જગ્યા તરીકે ઓળખાય છે. જાણે આ પૂર્વ કોર્પોરેટરના ભાઈ સિવાય કોઈને કોન્ટ્રેક્ટ આપીને વોટરપાર્ક ફરી શરૂ કરવામાં ભાજપના સત્તાધીશોને કોઈ રસ નથી. અનેક અમદાવાદીઓ તેમજ બહારથી પણ અનેક લોકો આ વોટરપાર્કમાં આજથી પાંચ વર્ષ પહેલાં આવતા હતા, પરંતુ આજે ખંભાતી તાળાં જોઈને તેમને પરત ફરવું પડે છે.

મહેન્દ્ર પટેલના FB એકાઉન્ટનો સ્ક્રીન શોટ
મહેન્દ્ર પટેલના FB એકાઉન્ટનો સ્ક્રીન શોટ
અન્ય સમાચારો પણ છે...