હાઇકોર્ટમાં પિતાનો વલોપાત:ખંડપીઠ સમક્ષ રડતા રડતા કહ્યુ, ‘ભરણપોષણના 45 લાખ પરત કરવા તૈયાર, મારી દીકરીને ન્યાય અપાવો’

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • પતિએ ભરણપોષણ પેટે આપેલા 45 લાખ પત્ની આજે બેંકમાં જમા કરાવી દેશે
  • સસરાએ કહ્યું, મારો જમાઈ છેલ્લા 10 વર્ષથી લીવ-ઈનમાં રહે છે અને બે બાળકો પણ છે

પતિ-પત્નીના નાજુક સંબંધમાં તિરાડ પડે ત્યારે એકસાથે બે પરિવારને તેની કિંમત ચૂકવવી પડે છે. હાઇકોર્ટમાં પતિ-પત્નીના લગ્ન તૂટ્યા બાદ મહિલાના પિતા કોર્ટ સમક્ષ રીતસર રડી પડ્યા હતા.તેમણે જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી હતી કે, તેમનો જમાઇ 500 કરોડનો માલિક છે તે 10 વર્ષથી લીવ-ઇન રિલેશનશીપમાં બીજી મહિલા સાથે રહીને બે બાળકો પણ કરી લીધા છે, પણ મારી દીકરીની જિંદગી બગાડી છે. તેમણે કોર્ટને એવું પણ જણાવ્યું હતું કે હું 45 લાખ ભરણપોષણના પરત કરવા તૈયાર છું. તેમણે કોર્ટને બાંયધરી આપી કે બુધવારે પૈસા જમા થઈ જશે. પણ મારી દીકરીને ન્યાય અપાવો. ખંડપીઠે તેમને ખાતરી આપી હતી કે તમને અને દીકરીને ન્યાય મળશે. આ અંગે આખરી સુનાવણી 18 જાન્યુઆરીએ મુકરર કરી હતી.

ખંડપીઠે પતિને એવી ટકોર કરી હતી કે તમે બધું ખોટું કર્યું છે બધું જ પુરાવા સ્વરૂપે હાજર છે છતાં શા માટે મહિલાને હેરાન કરો છો? પતિ બીજી મહિલા સાથે છેલ્લા 10 વર્ષથી લીવ- ઇન રિલેશનમાં રહે છે અને એ સંબંધથી બે બાળકો પણ છે. આ હકીકત બધાં જાણે છે છતાં તમે તમારી પત્નીને કેમ દોષ દો છો? પત્નીના પિતાને કહ્યું ભરણપોષણના કાલે 45 લાખ જમા કરાવી દો. દીકરીના પિતાએ એવી દલીલ કરી હતી કે 10 વર્ષથી મારી દીકરી હેરાન થાય છે. આ પુરૂષે મારી દીકરી સાથે છેતરપિંડી કરી છે. કોર્ટના કાયદા વિદેશી છે. હિદુસ્તાનના કાયદા જ નથી. કોર્ટે તેમને કહ્યું કે, તમે આવા પુરૂષ સાથે પાછા જઇને શું પામશો?

કોર્ટમાં કોઇ રડીને જાય તે અમને ગમતું નથી: હાઇકોર્ટ
દીકરીના પિતાએ રડતા રડતા એવી રજૂઆત કરી હતી કે, લગ્ન બાદ તરત જ તેમનો જમાઇ બીજી મહિલા સાથે લીવ ઇનમાં રહે છે,પોતાની ઇચ્છા મુજબ વર્તન કરે છે પરતું આ દેશના કાયદા તેને કોઇ સજા નથી આપતા માત્ર મારી દીકરીને તેની સજા કેમ મળે છે? તેની દિકરી સાથે છેતરપિંડી કરીને બે બાળકો પણ કરી લીધા. પણ મારી દિકરી સાથે લગ્ન કોણ કરશે? અમને ન્યાય કેમ નથી મળતો? અમારે તેના પૈસા નથી જોઈતા. પિતાનો વલોપાત જોઇને ખંડપીઠે તેમને આશ્વાસન આપતા કહ્યુ કે, અમારી કોર્ટમાંથી કોઇ રડીને જાય તે અમને ગમતું નથી. પણ કાયદો પુરાવો જુએ છે. અને આવા પતિ સાથે રહીને તમારી દીકરી ખુશ રહી શકશે? ન્યાયતંત્ર પર ભરોસો રાખો. તમને ન્યાય મળશે.

અન્ય સમાચારો પણ છે...