• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Read The Whole Incident From The Serial Blast To The Verdict; A Small Link Found After The Blast Broke The SIMI Network And Prevented The Blasts In The Country

સિરિયલ બ્લાસ્ટની કહાણી, DGPની જુબાની:વાંચો શ્રેણીબદ્ધ બ્લાસ્ટથી લઈને ચુકાદા સુધીની ઘટના; મળેલી એક નાની કડીથી સિમીનું નેટવર્ક તોડી દેશમાં વધુ બ્લાસ્ટ રોકી શકાયા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
DGP આશિષ ભાટિયા (તત્કાલીન JCP ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ હાલ DGP, બ્લાસ્ટની આખી તપાસ તેમના સુપરવિઝનમાં થઈ) - ફાઇલ તસવીર - Divya Bhaskar
DGP આશિષ ભાટિયા (તત્કાલીન JCP ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ હાલ DGP, બ્લાસ્ટની આખી તપાસ તેમના સુપરવિઝનમાં થઈ) - ફાઇલ તસવીર

અમદાવાદના શ્રેણીબદ્ધ બોમ્બવિસ્ફોટ કેસના આરોપીઓ દેશના એકથી વધુ રાજ્યોમાં ફેલાયેલા હતા. તમામ આરોપીઓને શોધીને જેલના સળિયા પાછળ ધકેલવાની અત્યંત જટિલ કામગીરી પોલીસે સુપેરે પાર પાડી હતી. રાજ્યના પોલીસ વડા અને એ સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા આશિષ ભાટિયાએ કેવા પડકારોનો સામનો કરીને પોલીસ આરોપીઓ સુધી પહોંચી એ વિશે મૃગાંક પટેલ સાથે વિગતે વાત કરી હતી. વાંચો તેમના જ શબ્દોમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના નેટવર્કને તોડી પાડવાની કહાની...

આ રીતે ગુજરાત પોલીસે ઇન્ડિયન મુજાહિદ્દીનનું નેટવર્ક તોડ્યું
સાંજે 6.15 પછી મેસેજ મળ્યા...
2008ની 26 જુલાઇએ સાંજનો સમય હતો. સૌથી પહેલા નારોલ સર્કલ અને ગોવિંદવાડી શાકમાર્કેટમાં બોમ્બ ધડાકો થયો હોવાનો મેસેજ સાંજે 6.15થી 6.30ની વચ્ચે મળ્યો. હજુ કશું વિચારીએ એ પહેલા જ સાડા સાત વાગ્યા પછી પૂર્વ અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટ થયાના એક પછી એક મેસેજ મળવા લાગ્યા. છેલ્લે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાંથી પણ બ્લાસ્ટનો મેસેજ મળ્યો જ્યાં સૌથી વધુ લોકોના મૃત્યુ અને ઈજા થઈ હતી. બ્લાસ્ટની થોડી જ મિનિટો પહેલાં ઈન્ડિયન મુજાહિદ્દીને ટીવી ચેનલની મીડિયા ઓફિસને ઈ-મેઈલ મોકલી સિરિયલ બ્લાસ્ટની ચેતવણી આપી હતી અને પછીથી બ્લાસ્ટની જવાબદારી પણ સ્વીકારી હતી. આ એ સમય હતો જ્યારે સર્વેલન્સ માટે અત્યારે છે એવી ટેકનોલોજી નહોતી. સીસીટીવી પણ નહોતા. એટલે સૌ પ્રથમ એફએસએલને સ્થળ પર બોલાવી બ્લાસ્ટમાં વપરાયેલી સામગ્રી તપાસાઈ. તેના આધારે તપાસ શરૂ કરી. 6 એસીપી કક્ષાના અધિકારીઓની પણ ટીમ બનાવી તપાસ સોંપી દેવાઈ જેમાં બેને ટેકનિકલ, બેને ઓપરેશન્સ અને બેને ઈન્ટરોગેશન માટે મુકાયા હતા.

આઇબીના અગાઉના રિપોર્ટમાંથી લિન્ક મળી
અમદાવાદમાં બ્લાસ્ટ થયો એ પહેલાં જયપુર, હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી સહિતના સ્થળોએ સિરિયલ બ્લાસ્ટ થયા હતા તેનો ખ્યાલ હતો અને એ જ મોડસ ઓપરેન્ડીથી અહીં બ્લાસ્ટ થયા હોવાનું જણાયું હતું. આપણે ત્યાં સીમી પર પ્રતિબંધ હતો જેથી કેટલાક સીમી સાથે સંકળાયેલા સભ્યોને રેગ્યુલર એટીએસમાં હાજરી પુરાવવા આવવું પડતું હતું. બ્લાસ્ટના બે-ત્રણ દિવસમાં હાજરી પુરાવવા આવેલા બે સભ્યોની અટકાયત કરી પૂછપરછ કરી પણ તેમાં તેઓ કંઈ વિશેષ બોલ્યા નહીં. પણ અમારી પાસે બ્લાસ્ટ પૂર્વેના મહિના અગાઉનો આઈબીનો જે રિપોર્ટ હતો તે અંગે પૂછપરછ કરી તો એ બે સભ્યોએ કહ્યું કે, બીજા રાજ્યમાં અમે ટ્રેનિંગ લેવા માટે ગયા હતા. જ્યાં અન્ય 40થી 50 યુવકો પણ હતા. જેમાં સ્થાનિક ત્રણેક યુવકો સિમીમાં જોડાયા હતા તેઓ પણ સામેલ હતા. એ લોકો બ્લાસ્ટમાં હોઈ શકે છે તેવી માહિતી અટકાયત કરેલા સીમીના બે સભ્યોએ આપી. જેના આધારે અમદાવાદમાં રહેતા અને ટ્રેનિંગ લેવા ગયેલા નવા ત્રણ ચહેરા પૈકી એકને પોલીસે ઉપાડી લીધો હતો. જેણે બોમ્બ મૂક્યા હોવાની કબૂલાત કરી. સાથે સાથે આઝમગઢના મૌલવીનું પણ નામ આપ્યું અને કહ્યું કે, તેણે બધાને ટ્રેનિંગ આપી હતી.

કાપડનો ધંધો કરવાના બહાને મકાન ભાડે રાખ્યું હતું
બ્લાસ્ટના અમુક દિવસ પહેલાં 15થી 20 છોકરા અમદાવાદમાં રોકાયા હતા અને બ્રિજ નીચે ભાડે મકાન રાખી તેના ધાબા પર મીટિંગ કરતા હતા. વટવામાં મકાન ભાડે રાખ્યાની માહિતી પણ મળી હતી. આ ઉપરાંત જે રોકાયા હતા તેમને પણ ચાર-પાંચ સ્થાનિક લોકોએ મદદ કરી હતી. ગેસ-સિલિન્ડર કાલુપુરમાંથી લવાયું હોવાની માહિતીના આધારે તે આપનારની પણ ધરપકડ કરી હતી. આમ, બાતમીદારો મારફત અને કેટલાક ટેક્નિકલ સંસાધનોથી 15 ઓગસ્ટ 2008ના રોજ 11 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. દરમિયાન બ્લાસ્ટમાં વપરાયેલી બે કાર ભરૂચમાં જોવા મળી હોવાનું બાતમીદાર તરફથી જાણવા મળ્યું હતું. તપાસ કરતાં ખબર પડી હતી કે બ્લાસ્ટના થોડા દિવસ અગાઉ ચાર યુવકોએ ભરૂચમાં કાપડનો ધંધો કરવાના બહાને મકાન ભાડે રાખ્યું હતું. ત્યાં તેઓ બે કાર લાવ્યા હતા, બે મહિના ત્યાં રહ્યા અને બ્લાસ્ટના એક વીક પહેલાં ત્યાંથી નીકળી ગયા.

બાતમીદાર સુધી માહિતી પહોંચતાં ઘટસ્ફોટ
છાપાઓમાં ગાડીઓના ફોટા જોતાં જે વ્યક્તિએ મકાન ભાડે આપ્યું હતું તેણે તેના પાડોશીને આ વાત કરી. પાડોશીએ પોલીસના એક બાતમીદારને કહ્યું, અને આ માહિતી પોલીસ સુધી પહોંચી. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આ કાર મહારાષ્ટ્રથી ચોરીને લાવવામાં આવી હતી. એ જ મકાનમાલિક પાસેથી મકાન ભાડે લેવા માટે ચાર પૈકીના એક યુવકે ફોન કર્યો હતો તેનો નંબર મળ્યો. જે નંબરની તપાસ કરતાં તેણે દિલ્હી, મધ્યપ્રદેશના એસટીડી પીસીઓ પર કોલ કર્યા હોવાની માહિતી મળી. જો કે, બીજી કોઈ લિન્ક મળતી ન હતી પણ તેણે સીમકાર્ડ ખરીદ્યું તે જગ્યા શોધી કાઢવામાં આવી હતી. એ વેન્ડરને ત્યાં પોલીસ ગઈ તો ખબર પડી કે તેણે એક નહીં ત્રણ સીમકાર્ડ આપ્યા હતા. અન્ય બે સીમકાર્ડની તપાસ કરવામાં આવતા એ નંબર પરથી પણ યુપી, દિલ્હી, મુંબઈ પણ ફોન થયા હતા. એક બીએસએનએલ લેન્ડ લાઈન નંબર પર ફોન ગયો હતો જેની ડિટેઈલ્સ ન મળી. આ નંબર દિલ્હીનો હતો એટલે દિલ્હી પોલીસને માહિતી આપવામાં આવી. જો કે, પછીથી દિલ્હીમાં બ્લાસ્ટ થતા આ નંબરો બંધ થઈ ગયા પણ સપ્ટેમ્બરમાં દિલ્હી થયેલા બ્લાસ્ટને પગલે દિલ્હી પોલીસ એક્ટિવ થઈ હતી.

પોલીસને ટેલિકોમ કંપનીના અધિકારી બનવું પડ્યું
20 દિવસ તપાસ કરી પણ કંઈ ન મળ્યું એ વખતે દિલ્હીમાં અસલ નામ અને સરનામા પરથી સિમકાર્ડ મળતા હતા જેથી તે દિશામાં તપાસ કરતા નંબરો ઝાકીરનગરના બાટલા હાઉસના હોવાનું જાણવા મળ્યું હતું. અસલ નામ આપીને નંબર લેવાયા હતા એટલે પોલીસ એક ખાનગી ટેલિકોમ કંપનીના એક્ઝિક્યુટિવ બનીને ઈન્કવાયરી કરવા બાટલા હાઉસ પહોંચી હતી. દરવાજો ખખડાવતા અંદરથી પાંચથી સાત યુવકો હોવાની ખબર પડી હતી. જો કે, તેમને પોલીસ હોવાની શંકા જતા સીધું ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું. ત્યારબાદ ત્રણ લોકો પોલીસને ચકમો આપી ભાગી ગયા હતા અને બે બાથરૂમમાં ઘૂસી ગયા હતા. દિલ્હી પોલીસે બેને પકડી લીધા હતા ત્યાંથી ખબર પડી કે એ લોકો જ અમદાવાદમાં બ્લાસ્ટ કરવા આવ્યા હતા.

આ રીતે આવ્યું ભટકલબંધુઓનાં નામ
બીજી તરફ મહારાષ્ટ્રની પોલીસે પણ ગાડીઓની તપાસ કરી હતી જેમાં નંબરો ટ્રેસ કરી બે વાહનચોરને પકડ્યા હતા. તેમણે અન્ય બે ચોરને ગાડી આપવાનું કામ સોંપ્યું હોવાની કબૂલાત કરી હતી. તેમની તપાસમાં આ નેટવર્ક પૂણેથી ચાલતું હોવાનું ખૂલ્યું હતું. જેમાં 8થી 10 લોકો હતા, જેમણે પૂણેમાં બીજું હેડક્વાર્ટર બનાવી ત્યાં બોમ્બ બનાવતા હતા. મહારાષ્ટ્ર પોલીસે આ બાબત ક્રેક કરી અને ત્યાં પકડેલા લોકોની પૂછપરછમાં આનો મુખ્ય લીડર મેંગ્લોરના ભટકલ ગામના ભટકબંધુ હોવાનું ખૂલ્યું હતું. પોલીસ ત્યાં તપાસ કરવા પહોંચી હતી ત્યારે ભટકલ બંધુઓ ફરાર થઈ ગયા હતા.પણ કેટલાક પકડાયા હતા. જેમની પાસેથી જાણવા મળ્યું હતું કે, બ્લાસ્ટ પહેલાં 40 જેટલા યુવકોએ હાલોલ પાસેના પાવાગઢ નજીકના એક કેમ્પમાં ટ્રેનિંગ લીધી હતી અને ત્યારબાદ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો.

તમામ બોમ્બ ભૂરા રંગની થેલીમાં હતા
ધીમે ધીમે કુલ 81 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જેમાં મુફ્તી અબુ બશીર, મોહમ્મદ કયુમુદ્દીન અને આતંકીઓના ગ્રૂપ લીડર તૌકિરનો પણ સમાવેશ થતો હતો. બોમ્બમાં ટાઈમર ડિવાઈસ સેટ કરી અને વિસ્ફોટક તરીકે એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરી સિવિલ તથા એલજી હોસ્પિટલમાં ગેસ સિલિન્ડર સાથે વાહનમાં બોમ્બ મૂક્યા હતા જ્યારે અન્ય સ્થળોએ સાઈકલ પર ટિફિન બોમ્બ મૂક્યા હતા. જયપુરની જેમ તમામ બોમ્બ ભૂરા રંગની પોલિથિન બેગમાં હતા. જેમ જેમ આરોપી પકડાતા ગયા તેમ તેમ ચાર્જશીટો કરાઈ. અમુક ભાગી ગયા હતા તેમને એમપી પોલીસે પકડીને આપ્યા.

આ કારણોસર ચુકાદામાં આટલો વિલંબ
ચુકાદો આવતા 14 વર્ષ એટલે લાગ્યા હતા કે આરોપીઓ અન્ય રાજ્યોમાં પણ બ્લાસ્ટમાં સંકળાયેલા હતા અને અન્ય રાજ્યોએ પણ કેટલાકને પકડ્યા હતા જેથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં સમય લાગ્યો ઉપરાંત ઘણા બધા આરોપીઓએ જામીન અરજી પણ મૂકી હોવાથી તેના હિઅરિંગમાં પણ સમય લાગ્યો હતો. ઈન્ડિયન મુજાહિદ્દીનના નેટવર્કને તોડવું એ ચેલેન્જ હતી પણ તેમાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...