બોમ્બે હાઈકોર્ટ ઓર્ડરની અસર:એકલ-દોકલ મેમ્બરના વિરોધને લીધે અટકેલા રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો માર્ગ મોકળો થશે, ગુજરાતના બાંધકામ ઉદ્યોગને વેગ મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બિનજરુરી રીતે રિ-ડેવલપમેન્ટને રોકનાર મેમ્બરની જવાબદેહી નક્કી કરવા બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો

રિડેવલપમેન્ટમાં જઈ રહેલા મકાનોને લગતો એક મહત્ત્વનો ચુકાદો બોમ્બે હાઈકોર્ટે આપ્યો છે. આ મુજબ રિડેવલપમેન્ટમાં જઈ રહેલા મકાનનો કબજો ધરાવતી વ્યક્તિ કોર્ટનો વિપરીત આદેશ ન હોય તો ટ્રાન્ઝિટ ભાડું મેળવવાને હકદાર બનશે. તે વ્યક્તિ મકાનની માલિકી પણ કેમ ન ધરાવતા હોય, એમ બોમ્બે હાઈકોર્ટે ઠેરવ્યું છે. તદુપરાંત એકલ-દોકલ ઓક્યુપાયરને કારણે રિડેવલપમેન્ટ અટકતું હોય તો તેની જવાબદેયીતા નક્કી કરવાનું પણ હાઈકોર્ટે ઠેરવ્યું છે. આ ચુકાદાની ગુજરાતના ઘાંચમાં પડેલા હજારો રિડેવલપમેન્ટ બાંધકામને અસર થશે અને બાંધકામની પ્રવૃત્તિને વેગ મળશે.

એક-બે મેમ્બરોના વિરોધમાં આખો પ્રોજેક્ટ અટવાય છે
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રિડવલપમેન્ટ માટે હજારો પ્રોજેક્ટ મંજૂરીના આરે છે. પરંતુ યેનકેન પ્રકારે માત્ર એકાદ-બે મેમ્બરના વિરોધ અથવા તો વધુ નાણાં મેળવવાની લાલચને કારણે આખો પ્રોજેક્ટ અટકી પડે છે. મણિનગર વિસ્તારમાં જ આવી એક આશરે 40 વર્ષ જૂની સ્કીમ છે જેમાં 90 ટકા મેમ્બર રેડી છે, પરંતુ બે મેમ્બરના વિરોધને લીધે આખેઆખું રિડલેવપમેન્ટ ઘોંચમાં પડ્યું છે. આવી રામકહાણી તો અસંખ્ય પ્રોજેક્ટોની છે.

બે-ચાર લોકોના વિરોધથી આખો પ્રોજેક્ટ અટકે છે
ક્રેડાઈ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ તેમજ શ્રી અમી ઇન્ફ્રાના ધ્રુવ પટેલે કહ્યું કે, રિ-ડેવલપમેન્ટમાં દરેક સોસાયટી મેમ્બર્સના પ્રશ્નો અલગ અલગ હોય છે. નિયમ મુજબ 75% ઓનર્સની મંજૂરી હોવી જરૂરી છે પણ અમુક લોકો વાંધો ઉઠાવે તો આખી સ્કીમ અટકી પડે છે. આના માટે ફરી હાઇકોર્ટમાંથી મંજૂરી લેવી અને બીજા કેસ થાય તેના કારણે રી-ડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ ધીમા પડી જાય છે. આ બધા માટે ફાસ્ટ ટ્રેક એપ્રુવલ સિસ્ટમ આવી જાય તો ડેવલપર્સ આવા પ્રોજેક્ટ જ ઝડપી શરુ કરી શકે છે.

પ્રોજેક્ટ મોડો પડતાં કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી જાય છે
ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ જણાવ્યું કે, સોસાયટી મેમ્બર્સ વચ્ચે વિખવાદ ચાલતો હોય કે પછી ડેવલપર્સ સાથે કોઈ વાંધા હોય તેવા કિસ્સામાં પ્રોજેક્ટ બે-અઢી વર્ષ મોડો થઈ જાય છે. જે રીતે કન્સ્ટ્રક્શન મટીરિયલ્સના ભાવ વધે છે તેના કારણે આ દરમિયાન આખા પ્રોજેક્ટની કોસ્ટ તેના મૂળ અંદાજ કરતાં ઘણી વધી જાય છે. આ બધા કારણોસર પ્રોજેક્ટ પડતો પણ મૂકવો પડે છે. મેજોરિટી મેમ્બર્સ માની ગયા હોય તેવા કિસ્સામાં અમુક સભ્યોના વાંધા અવરોધ ન બને તેવા નિયમો અને તેની અમલવારી જરૂરી છે.

સભ્યો ન માને તો તેવા કિસ્સામાં શું કરવું તેની કલેરિટી નથી
પરીખ રિયલ એસ્ટેટના મોનિલ પરીખે જણાવ્યું કે, રી-ડેવલપમેન્ટમાં જતી સોસાયટીના 75% સભ્યો માને તો સોસાયટી રી-ડેવલપમેન્ટ જઈ શકે છે તેવો કાયદો તો છે પણ સાથે જ જે 25% સભ્યો માન્યા નથી તો તેવી સ્થિતિમાં કઈ ઓથોરિટી પાસે જવું તેની કોઈ સ્પષ્ટતા નથી. બીજું કે રોડ કપાત કે અન્ય કપાત બાદ ફાઇનલ પ્લોટ કેટલો હાથમાં આવે છે તેના પર FSI નક્કી થતી હોય છે અને તેના આધારે જ પ્રોજેક્ટ ડેવલપ થાય છે. ઘણા કિસ્સામાં સભ્યો આ વાત સમજતા નથી હોતા. 200-300 સોસાયટી હશે જે રી-ડેવલપમેન્ટમાં જવા ઈચ્છે છે પણ આ બધા કારણોને લીધે સફળતા મળતી નથી. જેના કારણે શહેર એક્સપાન્ડ થાય છે. આ ડેવલપ શહેરની નિશાની નથી.

અમદાવાદમાં એક વર્ષમાં 48 બાંધકામ રિ-ડેવલપમેન્ટમાં ગયા
અમદાવાદ મ્યુનિ.ના ટાઉન પ્લાનીંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ, અમદાવાદમાં 48 જેટલા ફ્લેટ અને સોસાયટીને રિડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યાં છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ 31 જેટલા ફ્લેટ અને સોસાયટીઓને રીડેવલપમેન્ટ પ્લાન હેઠળ મૂકવામાં આવ્યા છે. જો કે રિડેવલોપમેન્ટ સ્કીમમાં બિલ્ડરો દ્વારા રહીશોને સમયસર ભાડું તેમજ ફર્નિચર સહિતનો ખર્ચ આપવામાં આવતો નથી. બિલ્ડરો જ્યારે પઝેશન આપવાનું હોય ત્યારે કેટલાક વાદ વિવાદ ઉભા કરે છે જેથી મકાનો ફાળવવામાં સમય લાગે છે.

અન્ય સમાચારો પણ છે...