તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PM મોદીના ભાઈનો આક્ષેપ:રાજ્યમાં રેશનકાર્ડ ધારકોને સમયસર અનાજ નથી મળતું, વહીવટી ખામી છે અને છે..જ, સરકારે વિચારવું જોઈએ

અમદાવાદ3 મહિનો પહેલા
ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસિન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદી
  • અનાજના જથ્થાનો બીજો સ્લોટ જ પહોંચ્યો નથી
  • અનાજનો જથ્થો ન પહોંચતા લોકો દુકાનદારો સાથે બોલાચાલી કરે છે

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દેશના 80 કરોડ ગરીબોને મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. કોરોનાને કારણે તમામ ધંધા-વેપાર પર માઠી અસર પડી છે, તેની સાથે સાથે મજૂર વર્ગને કામ ન મળતા તેમની આવક પણ બંધ થઈ ગઈ છે. આ પ્રકારના જરૂરિયાતમંદ લોકોને રાશનની દુકાનમાંથી મફત અનાજ મળે તે માટે વ્યવસ્થા કરી છે. જો કે રાજ્યમાં ગરીબોને મફત અનાજ વિતરણ 1 જૂનને બદલે 11 જૂનથી શરૂ કરાયું હતું. તેમાં પણ જોકે પહેલા સ્લોટમાં આવેલા જથ્થામાંથી ઘણાને અનાજ મળ્યું નથી. સસ્તા અનાજની દુકાનો પર હવે અનાજનો બીજો સ્લોટ પહોંચ્યો નથી. આ અવ્યવસ્થાને મામલે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ કહ્યું કે,વહીવટી ખામી છે અને છે જ...સરકારે વિચારવું જોઈએ.

‘પહેલીવાર અનાજનો જથ્થો મળ્યો, બીજીવાર ચેઈન તૂટી’
આ મામલે રાજ્યના ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસિન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનોમાં 11 જૂને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના મુજબ અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં નિયામક એ નિર્ણય લીધો હતો કે ભલે મોડું પણ તમામને એકસાથે અનાજ આપીએ. અમે તેમની વાત આવકારી હતી. પરંતુ એમાં પહેલીવાર અનાજનો જથ્થો તો દુકાનો પર પહોંચ્યો, પણ બીજીવાર તેની ચેઇન તૂટી ગઈ જેના કારણે આજે(26 જૂન) રાજ્યના અનેક વિસ્તારોમાં અનાજનો પુરવઠો પહોંચ્યો નથી. જેથી તમામ લોકો હવે દુકાનદારો સાથે બોલાચાલી કરે છે.

‘સરકાર પાસે તુવેરદાળનો જથ્થો છે કે નહીં તે જ સમજાતું નથી’
પ્રહલાદ મોદીએ આગળ જણાવ્યું કે સરકારની તુવેરદાળની યોજનામાં અમને 1 કિલોએ 1 રૂપિયો કમિશન મળે છે. જેનો અમને વિરોધ છે. જો તેલમાં 3 રૂપિયા કમિશન આપો તો તુવેરદાળમાં કેમ 3 રૂપિયા નથી આપતા..? સરકાર પાસે તુવેરદાળનો જથ્થો છે કે નહીં તે જ સમજાતું નથી. સરકાર કાગળ પર બતાવે છે, તમામ ગોડાઉનમાં માલ ભરેલો છે પરંતુ ક્યાંય માલ હોતો નથી.

‘મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બેજવાબદરો સામે પગલા લે’
પ્રહલાદ મોદીએ વધુમાં જણાવ્યું કે, આ અંગે મેં નિયામકને રજૂઆત કરી તો એમણે કહ્યું કે અનાજનો જથ્થો છે. મેં એમને કીધું નથી. એ અમારી સાથે સંતાકૂકડી રમ્યા. પછી પોરબંદર, દ્વારકા અને જૂનાગઢના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો લીધો. જેને પગલે ત્યાં અછત ઉભી થઈ. એટલે કાગળ પર અને વાસ્તવિક સ્થિતિ અલગ છે. જેનાથી સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ છે. મારી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને વિનંતી છે કે આમાં રસ લઈને જે બેજવાબદાર હોય તેના પર પગલાં લેવાવા જોઈએ. ભૂતકાળમાં કહેવાયું તું કે બ્રિટનમાં રોટી રમખાણ થયા અને સરકાર ઉઠી ગઈ. એટલે સરકારે વિચારવું જોઈએ. પરંતુ વહીવટી ખામી છે..અને છે..જ એવું હું સ્પષ્ટ કહું છું.