રથયાત્રા@144:ભગવાન જગન્નાથ સહિત ત્રણેય રથને 5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ચલાવવા ખલાસીઓ તૈયાર, 5 કલાકથી ઓછા સમયમાં નિજમંદિર પરત આવી શકે છે

અમદાવાદ7 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • કૉપી લિંક
  • બે દિવસમાં ખલાસીઓની મીટિંગ મળશે
  • મીટિંગમાં 120 ખલાસીનાં નામ નક્કી કરી મંદિરને આપવામાં આવશે

કોરોના મહામારીને કારણે ગત વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં યોજવામાં આવી હતી. જોકે આ વર્ષે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવાની સંપૂર્ણપણે તૈયારીઓ મંદિર અને સરકાર કરી રહી છે. કોરોનાની સ્થિતિને જોઈ વધુ લોકોની ભીડ ન થાય એ માટે મર્યાદિત લોકોની હાજરીમાં ઝડપથી રથયાત્રા ફરીને મંદિર પરત આવે એવું આયોજન થઈ રહ્યું છે. ઝડપથી રથયાત્રા ફરીને નિજમંદિર પરત લાવવા માટે ખલાસીઓને સૂચના આપી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. 5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે રથ ચલાવી રથયાત્રા પૂર્ણ કરાય એવું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટ્રેકટર મારફત રથને ખેંચે તો એને નુકસાન થઈ શકે છે અને એ કેટલીક જગ્યાએ અટવાઈ જાય, જેથી ખલાસીભાઈઓએ જ રથ ખેંચીને લઈ જવા પડશે.

5 કલાકથી ઓછા સમયમાં રથયાત્રા નિજમંદિર પરત આવી શકે
ખલાસી કૌશલભાઈએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રથ ટ્રેક્ટર મારફત ખેંચીને કોઈપણ રીતે ન લઈ જઈ શકાય. રથને હાથેથી ખેંચીને જ લઈ જઈ શકાય છે. ખલાસીઓની ઝડપથી રથ ખેંચવાની પૂરી તૈયારી છે. જો રથ ભીડ અને લોકો વગર આગળ વધે તો 5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે એવી તૈયારીઓ કરી છે, જેમાં માત્ર બેથી ત્રણ જગ્યાએ પાંચ મિનિટનો વિરામ લઈ શકાય અને 5 કલાકથી પણ ઓછા સમયમાં રથયાત્રા નિજમંદિર પરત આવી શકે છે.

1200માંથી અનુભવી અને તંદુરસ્ત 120 ખલાસીની પસંદગી થશે
1200માંથી 120 કયા ખલાસીઓ લેવા એ નક્કી કરવા માટે બે દિવસમાં સમાજના આગેવાનોની મીટિંગ મળશે, જેમાં નક્કી કરીશું કે કેવા ખલાસીઓ રથ ખેંચવામાં ભાગ લેશે. શારીરિક રીતે તંદુરસ્ત હોય તથા વેક્સિન લીધી હોય તેમજ રથ ખેંચવામાં અનુભવ વધારે હોય તેવા લોકોને રથ ખેંચવાની યાદીમાં સામેલ કરવામાં આવશે.

તમામ રથમાં 4 પૈડાં
વર્ષ 1950માં ભગવાનના રથ તૈયાર કરવામાં આવ્યા હતા. તમામ રથને બાવળના લાકડાંથી તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં તમામ પૈડાંની વચ્ચે મજબૂતાઈ વધે એ માટે લોખંડની પ્લેટો નાખવામાં આવી છે. જો વધારે સ્પીડમાં રથ ચાલે અને 1 ફૂટના ખાડામાં પૈડાં પડે તો તૂટવાની શક્યતાઓ વધારે છે, જેથી યોગ્ય રીતે બહુ ઝડપી પણ રથ દોડાવી શકાય નહીં. વર્ષ 1992 બાદ એકપણ વાર ભગવાનના રથના પૈડાં તૂટ્યાં નથી. 1990માં જગન્નાથ અને સુભદ્રાજીના રથમાં 12 પૈડાં હતાં. બલભદ્રજીના રથમાં 16 પૈડાં હતાં. બાદમાં તમામ રથમાં 4 પૈડાં નાખવામાં આવ્યાં છે.

પૈડાંમાં ખામી ઊભી થાય તો તાત્કાલિક સમારકામ થઈ શકશે
આ વર્ષે રથયાત્રામાં 3 નાનાં સ્પેરવ્હીલ અને 6 મોટાં સ્પેરવ્હીલ સાથે રાખવામાં આવશે. જો કદાચ રથયાત્રા દરમિયાન પૈડાંમાં ખામી ઊભી થાય તો તાત્કાલિક સમારકામ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...