કાર્યવાહી:રાણીપની આત્મીય વિદ્યાનિકેતન સ્કૂલે ખોટા દસ્તાવેજ પર RTEમાં પ્રવેશ લેનારા બે વાલી સામે પોલીસ કેસ કર્યો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
આત્મીય વિદ્યાનિકેતન સ્કૂલ, નિર્ણય નગર, રાણીપ - ફાઇલ તસવીર - Divya Bhaskar
આત્મીય વિદ્યાનિકેતન સ્કૂલ, નિર્ણય નગર, રાણીપ - ફાઇલ તસવીર
  • બન્નેએ આવકના દાખલામાં મોટી રકમ બતાવી હતી

રાણીપની આત્મીય વિદ્યાનિકેતન સ્કૂલે અમદાવાદ શહેર ડીઇઓ કચેરીમાં ફરિયાદ કરી છે કે, બે વાલીઓએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને આરટીઈમાં પ્રવેશ મેળવ્યો હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. સ્કૂલની ફરિયાદ સંદર્ભે ડીઇઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે, જો વાલીઓએ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હશે તો તેઓની સામે પોલીસ ફરિયાદ કરાશે.

શૈક્ષણિક વર્ષ 2021-22 માટે અત્યાર સુધીમાં સૌથી વધુ વાલીઓએ આરટીઇમાં પ્રવેશ માટેના ફોર્મ ભર્યા હતા. જેની સાથે જ વાલી મંડળે અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ પણ વાલીઓની આવકના દસ્તાવેજની તપાસ કરવાની માગ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ દરેક સ્કૂલને વાલીની આવક-રહેઠાણ અંગે તપાસ કરવા જણાવ્યું હતું. તપાસ બાદ ખોટા દસ્તાવેજને આધારે પ્રવેશ મેળવ્યો હોવાની બાબતો ધીરે ધીરે સામે આવી રહી છે.

રાણીપની આત્મીય વિદ્યાનિકેતન સ્કૂલે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, એક વાલીએ આરટીઇમાં એડમિશન સમયે પોતાની આવક 1.50 લાખ દર્શાવી છે, જ્યારે તેમના ઇન્કમટેક્સ રિટર્નમાં તેમની આવક 2 લાખ છે. અન્ય વાલીએ સ્કૂલની નજીકનું ખોટું એડ્રેસ બતાવ્યું છે, જ્યારે આ બાળક પહેલા જુનિયર કે.જી.માં અભ્યાસ કરતું હતું અને તે સમયે અન્ય એડ્રેસ બતાવ્યું હતું. વાલીની આવક પણ નિયત મર્યાદા કરતા ઓછી છે. આ તમામ વાલી સામે કાર્યવાહી કરવા સ્કૂલે ડીઇઓને અરજી કરી છે.

બંને વાલીને રજૂઆત માટે તક અપાશે
આરટીઇ અંતર્ગત પ્રવેશ માટે જો વાલીએ ખોટા દસ્તાવેજ રજૂ કર્યાનું તપાસમાં પકડાશે તો કાયદા મુજબ કાર્યવાહી થશે. આ પહેલા વાલીઓને અને સ્કૂલને પણ પોતાનો પક્ષ મુકવાની એક તક અપાશે. ત્યારબાદ અંતિમ નિર્ણય લેવાશે. - હિતેન્દ્રસિંહ પઢેરિયા, ડીઇઓ-અમદાવાદ શહેર

અન્ય સમાચારો પણ છે...