દિવ્યાંગ વ્યકિતઓ વ્હિલચેર સાથે જ કારમાં હરી-ફરી શકે તે માટે અખિલ હિન્દુસ્તાની દિવ્યાંગ સંગઠન દ્વારા 3 દિવસ પહેલાં વ્હિલચેર સુલભ કાર સેવા શરૂ કરાઈ છે. ગુજરાતમાં પહેલી વખત શરૂ કરાયેલી આ કારની ખાસિયત એ છે કે તેમાં રેમ્પ બનાવાયા છે, જેથી દિવ્યાંગ વ્યક્તિ વ્હિલચેર સાથે જ રેમ્પની મદદથી સીધા કારમાં બેસી શકશે.
આ અંગે અખિલ હિન્દુસ્તાની દિવ્યાંગ સંગઠનના પ્રમુખ સમીર કક્કડે જણાવ્યું હતું કે, અત્યાર સુધી દિવ્યાંગો માટે વ્હિલચેર સિવાય કોઇપણ વાહન તૈયાર કરવામાં આવ્યા નથી. એમ્બ્યુલન્સમાં પણ દિવ્યાંગને ઊચકીને જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા પડે છે. ગુજરાતમાં પ્રથમ વખત દિવ્યાંગો માટે રેમ્પ વાળી કાર સેવા શરૂ કરાઈ છે.
અમદાવાદમાં 1 કારથી શરૂ કરાયેલ આ સેવા હવે રાજ્યભરમાં 50 કાર સાથે શરૂ કરાશે. આ સેવાથી દિવ્યાંગ વ્યક્તિ વ્હિલચેર પર બેસીને રેમ્પની મદદથી કારમાં બેસી શકશે. આ સેવાનો લાભ લેનાર વ્યક્તિએ 2 કલાકના રૂ. 400 ચૂકવવા પડશે. આ રૂ. 400 ડ્રાયવરના પગાર અને પેટ્રોલના ખર્ચાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યા છે.
કાર ઓકિસજન બોટલ અને GPSથી સજ્જ
આ કારમાં દિવ્યાંગ વ્યક્તિ મુસાફરી કરનાર હોવાથી તેમની સગવડને ધ્યાનમાં રાખીને કારમાં ઓકિસજન સિલિન્ડર રાખવામાં આવ્યું છે. તેમ જ કારને જીપીએસથી સજ્જ કરવામાં આવી છે. ઉપરાંત પેસેન્જર માટે પેકિંગમાં સૂકો નાસ્તો, પાણીની બોટલ, મોબાઈલ ચાર્જર, વ્હિલચેર, ફેસ માસ્ક, સેનેટાઈઝર સહિતની તમામ સગવડો પણ રાખવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.