• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Ramdhun Called The Housing Board Officials Who Went To Make A Presentation, Alleging That There Was A Heated Argument Between The Commissioners And They Had Uttered Insults.

રિડેવલપમેન્ટ મામલે રહીશો મેદાને:રજૂઆત કરવા ગયેલા હાઉસીંગ બોર્ડના હોદ્દેદારો ને કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી, અપશબ્દો કહ્યાં હોવાનો આક્ષેપ કરી રામધૂન બોલાવી

3 મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ

ગુજરાત હાઉસીંગ બોર્ડના એપાર્ટમેન્ટને રિડેલપમેન્ટને લઇને છેલ્લાં કેટલાંક વર્ષોથી કોઇ પરિણામ આવ્યું નથી. આ મુદ્દાને લઇને આજે ગુજરાત હાઉસીંગ બોર્ડના કમિશનર સમક્ષ હાઉસીંગ એપાર્ટમેન્ટ એસોસીએશનના કેટલાંક હોદ્દેદારો રજૂઆત કરવા ગયા હતા. ત્યારે કમિશનર તરફથી બેહુદુ વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપસર બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ વાત હાઉસીંગ બોર્ડના સભ્યો સુધી પહોંચતા મામલો ગરમાયો હતો. કમિશનર ગાંધીનગર જવા રવાના થઇ જતાં હાઉસીંગ બોર્ડના સભ્યોએ કચેરીના પ્રાંગણમાં બેસી જઇને રામધૂન કરી હતી. રહીશોમાં આ મામલે એટલો બધો રોષ હતો કે બધાએ ભગવાન કમિશનરને સદ્દબુધ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

હાઉસીંગ બોર્ડમાં રિડેવલપમેન્ટની યોજનાને લઇને અમદાવાદના 20થી વધુ એપાર્ટમેન્ટ એસોસીએસન દ્રારા અરજી કરવામાં આવી છે. તેને સમય વીતી જવા છતાં કોઇ જ નક્કર પરિણામ આવતું નથી. ત્યાં આજે બપોરે 12 વાગ્યાના અરસામાં હાઉસીંગ બોર્ડ કમિશનરનો ચાર્જ ધરાવતાં રાકેશ શંકર અમદાવાદ હાઉસીંગ બોર્ડની ઓફીસે આવ્યા હોવાની માહિતી મળી હતી. જેના પગલે હાઉસીંગ એપાર્ટમેન્ટ એસોસીએસનના હોદ્દેદારો સહિત સ્થાનિક રહીશો કચેરીએ રિડેવલપમેન્ટ વિષયે રજૂઆત કરવા ગયા હતા. તે મુલાકાત દરમ્યાન નોટરાઇઝને લઇને બંને પક્ષ વચ્ચે ઉગ્ર રજૂઆત કરી હતી.

આ સમયે હાઉસીંગ કમિશનરે શ્રદ્ધાદીપ એપાર્ટમેન્ટના રહીશને સાંકેતીક રીતે શારિરીક ચેષ્ટા તથા મોઢેથી અપશબ્દો બોલી અપમાનીત કર્યા હોવાનો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો. ત્યાં સુધી કે કમિશનર દ્વારા કહેવાયું કે તમે હાઉસીંગમાં મકાન જ કેમ ખરીદ્યા ? આ અપમાન સમગ્ર હાઉસીંગના રહીશોનું હોવાનું જણાવીને સ્થાનિક રહીશો સહિત આગેવાનોએ કમિશનર માફી માંગે તેવા સૂત્રો બોલાવ્યા હતા, રહીશોએ ત્યાં ઓફીસ નીચે બેસીને રામધૂન બોલાવી હતી, કમિશનરને સદબુદ્ધી આપે તેવી પ્રાર્થના કરી ને રિડેવલપમેન્ટ પોલીસીમાં પ્રજાલક્ષી ફેરફારની માંગ કરી હતી.

હાઉસીંગ એપાર્ટમેન્ટ એસોસીએસનના હોદ્દેદારો તથા રહીશોએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 241 એપાર્ટમેન્ટનામાં બે લાખ લોકો રહે છે. આ એપાર્ટમેન્ટો 20થી 45 વર્ષ જૂના હોવાથી જર્જરિત હાલતમાં મૂકાયાં છે. આ વર્ષના વરસાદી વાતાવરણમાં કેટલીક આવી જૂની વસાહતોમાં છત-ધાબા પડી રહ્યા છે અને રહીશો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, જો કોઈ સરકારી કચેરીમાં રજૂઆત કરવા જાય છે તો ગાળો સાંભળવી પડે છે. સ્થાનીક રાજકીય નેતાઓને પણ ઘણા સમયથી અનેક રજૂઆતો કરી છે પણ પરિણામ કાંઇ આવતું નથી. અધિકારીઓ નેતાઓ પર છોડે કે સરકારની પોલીસી છે અને સરકાર પાસે જાઓ તો તેઓ અધિકારી પર છોડે છે કે તેઓ યોગ્ય રીતે કામ કરતા નથી. ખો ખો ની રમતમાં હાઉસીંગના રહીશો પિસાઈ રહ્યા છે. એકતા એપાર્ટમેન્ટમાં અકસ્માતમાં કોઈના જીવ ગયા ત્યારે રિડેવલપમેન્ટ થયું, તો શું તેમ દરેક સોસાયટીમાં એવી ઘટના બનશે પછી જ બધા જાગશે, પછી જ રિડેવલપમેન્ટ થશે ? આ અંગે હાઉસીંગ બોર્ડના કમિશનર રાકેશ શંકરનો સંપર્ક કરવાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો.