ક્રાઇમ:કેસ પાછો ખેંચવા રમણ પટેલની પુત્રવધૂએ જ 2.5 કરોડ લઈ પોલીસને જાણ કરી હતી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
છૂટાછેડા સુધી આખો મામલો પૂરો કરવાના રૂ. 50 કરોડ માગવામાં આવ્યા હતા. - Divya Bhaskar
છૂટાછેડા સુધી આખો મામલો પૂરો કરવાના રૂ. 50 કરોડ માગવામાં આવ્યા હતા.
  • સમાધાન માટે 50 કરોડમાં સોદો થયો હતો, ટોકન તરીકે પુત્રવધૂએ 2.5 કરોડ લીધા
  • પૈસા લીધા બાદ સાસરિયાં ફસાવી દેશે તેવી બીકે પોલીસને જાણ કરી, રમણ પટેલ સહિત 4 એક દિવસના રિમાન્ડ પર

પોપ્યુલર બિલ્ડર કેસમાં એક પછી એક નવા જ ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ફીઝુનાં માસીના ઘરેથી મળેલા રૂ.2.50 કરોડ ફીઝુ અને તેની માતા જાનકીબહેને ઘરેલું હિંસાનો કેસ પાછો ખેંચી લેવા તેમજ છૂટાછેડા બાદ દીકરીને પોતાની સાથે જ રાખશે તેવી શરતે લીધા હતા. જોકે આ રૂ. 2.50 કરોડ ફક્ત ટોકન જ હતું. છૂટાછેડા સુધી આખો મામલો પૂરો કરવાના રૂ. 50 કરોડ માગવામાં આવ્યા હતા. જોકે પૈસા લઈને કાગળો પર સહીઓ કર્યા બાદ સાસરી પક્ષના સભ્યો પોતાને ફસાવી દેશે તેવું લાગતાં ફીઝુએ પૈસાની જાણ પોલીસને કરી દીધી હતી.

પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલની પુત્રવધૂ ફીઝુની ફરિયાદની તપાસ કરી રહેલી વસ્ત્રાપુર પોલીસે રમણ પટેલ, તેમના દીકરા મોનાંગ, ભાઈ દશરથ પટેલ અને ભત્રીજા વીરેન્દ્ર પટેલની ધરપકડ કરી શનિવારે કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ચારેયની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, ફીઝુએ ઘરેલુ હિંસાનો કેસ પાછો ખેંચવા રમણ પટેલ અને મોનાંગ વતી દશરથ અને વીરેન્દ્ર સાથે વાટાઘાટો કરી હતી. તેમણે દશરથ પટેલ અને વીરેન્દ્ર પાસેથી 17, 18 ઓગસ્ટે ટોકન પેટે રૂ. 2.50 કરોડ લઈ સહીઓ કરી આપી હતી. ત્યાર બાદ આ પૈસા ફીઝુ જાતે જ તેનાં માસી નીમાબહેનના ઘરે મૂકી આવી હતી.

ફીઝુએ પોલીસને જાણ કરી 2.5 કરોડ પકડાવ્યા
પોલીસનું કહેવું છે કે, આ કેસમાં આરોપીઓ પકડાયા ન હતા. જ્યારે ફીઝુ અને તેની માતાએ આરોપીઓ પાસેથી રૂ.2.50 કરોડ લીધા તે વાત ખુદ ફીઝુએ જ પોલીસને કરી હતી, જેના આધારે પોલીસે તેનાં માસીના ઘરેથી રૂ.2.50 કરોડ કબજે કર્યા હતા.

પોલીસ સ્ટેશનમાં પણ ખાનગી સુરક્ષા
રમણ પટેલ, દશરથ પટેલની ઓફિસ પર સોહરાબુદ્દીને કરેલા ગોળીબાર બાદથી બંને ભાઈઓએ ખાનગી સિક્યોરિટી ગાર્ડની સુરક્ષા રાખી હતી. દશરથ અને રમણ પટેલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે પણ તેમની સુરક્ષા માટે મશીનગનધારી ખાનગી સિક્યોરિટી ગાર્ડ હતા. આટલું જ નહીં આ ગાર્ડ તેમની સાથે 24 કલાક પોલીસ સ્ટેશનમાં જ રહ્યા હતા.

કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં ધરપકડ
રમણ પટેલ, દશરથ પટેલ, મોનાંગ અને વીરેન્દ્રની શુક્રવારે બપોરે ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવાયો હતો. જોકે તમામનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં શનિવારે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

પિતા-પુત્ર ઢાબામાં સંતાયા
રમણ પટેલ અને મૌનાંગ પટેલ વૈભવી બંગલો, ફાર્મ હાઉસના ઠાઠ ધરાવે છે, પરંતુ પોલીસ ફરિયાદ થઈ ત્યારથી પિતા-પુત્ર ટેક્સીઓ બદલીને ગુજરાત અને રાજસ્થાનમાં ઢાબામાં રોકાતા હોવાનું પોલીસને જણાવ્યું હતું.પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હોવાની જાણ થતાં જ શનિવાર સવારથી તેમને મળવા માટે બિલ્ડરો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...