રવિવારે કર્મચારીઓનું આંદોલન:ગુજરાતભરમાં જૂની પેન્શન યોજના સહિતની માગ સાથે ઠેરઠેર કર્મચારી મંડળની રેલીઓ, 17 સપ્ટેમ્બરે માસ CL પર ઉતરવાની ચીમકી

17 દિવસ પહેલા

રવિવારે ગુજરાતભરમાં મુખ્ય શહેરોમાં જૂની પેન્શન યોજના સહિતની માગ સાથે કર્મચારી મંડળ રસ્તા પર ઉતર્યા હતા. વિવિધ માગ સાથે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં રેલીઓ કાઢીને આંદોલન કર્યા હતા. તો બીજી તરફ આવતી 17મી સપ્ટેમ્બરે માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી. બે દિવસથી રેલીઓ અને બંધનો માહોલ રહ્યો છે. ગઈકાલે શનિવારે કોંગ્રેસની સવારે 8થી 12 સાંકેતિક ગુજરાત બંધનું એલાન અપાયું હતું. જેને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો.

15 જેટલી માગણી સાથે વિવિધ કર્મચારી મંડળોનું આંદોલન
ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચા તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓની વિવિધ 15 જેટલી માંગણીઓ છે. જેમાં ખાસ કરીને જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા, ઉપરાંત ફિક્સ પગાર યોજના નાબૂદ કરવા, સાતમા પગાર પંચના બાકી ભથ્થા આપવા, રહેમરાહે નિમાયેલા કર્મચારીઓની સેવા તમામ હેતુ માટે સળંગ ગણવી, કેન્દ્રની માફક 10, 20 અને 30 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવા, 10 લાખની મર્યાદામાં કેશ લેસ મેડિકલેમનો લાભ આપવા, નિવૃત્તિ વય મર્યાદા 58 ના બદલે 60 વર્ષની કરવા, ચાલુ ફરજ દરમિયાન કર્મચારીઓના અવસાનના કિસ્સામાં વારસદારોને ઉચ્ચક નાણાકીય સહાયના બદલે અગાઉની જેમ રહેમ રાહે નોકરી આપવા સહિતના વિવિધ 15 જેટલ પ્રશ્ને આંદોલન છેડાયું છે.

અમદાવાદમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની રેલી
અમદાવાદમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની રેલી

કયા સરકારી કર્મચારીઓ આંદોલનમાં જોડાયા
રેલીમાં પ્રાથમિક શિક્ષકો, સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષકો, આચાર્ય સંઘ, ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ, આરોગ્ય, કલેક્ટર કચેરી, મહેસૂલ, ગ્રામસેવક, તલાટી , ન્યાય ખાતું, વહીવટી સંઘ, ઉત્કર્ષ મંડળ, બહુમાળી ભવન વગેરેના કર્મચારીઓ જોડાયા હતા.

અમદાવાદ ઈન્કમટેક્સથી કલેક્ટર કચેરી સુધી રેલી
અમદાવાદના ઈન્કમટેક્સ ખાતે ગાંધીજીની પ્રતિમાથી લઈને કલેક્ટર કચેરી સુધી વિવિધ જિલ્લાના સરકારી કર્મચારીઓની ગ્રેડ-પે પગાર વધારો અને જૂની પેન્શન યોજના લાગુ કરોની માગ સાથે રેલી યોજાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી સરકારી કર્મચારીઓ રેલીમાં જોડાયા હતાં.

વડોદરામાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની રેલી
વડોદરામાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની રેલી

વડોદરામાં પણ મધ્ય ગુજરાતના કર્મચારીઓની રેલી
વડોદરામાં શહેરમાં આજે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે ત્રણ હજાર જેટલા સરકારી કર્મચારીઓની રેલી યોજાઇ હતી. જેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ પણ જોડાયા હતા. રેલીમાં વડોદરા, ખેડા, આણંદ, છોટાઉદેપુર સહિતના જિલ્લાના કર્મચારીઓ પણ જાડાયા હતા. સાથે વડાપ્રધાન મોદીના જન્મદિવસે માસ સીલ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આજે ગુજરાત સરકારના કર્મચારીઓ જેમાં શિક્ષકો સહિતના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે વિશાળ રેલી યોજી હતી. જેમાં અંદાજે ત્રણ હજાર જેટલા કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ રેલી દરમિયાન સૂત્રોચ્ચાર થયા હતા કે નેતાઓને પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થાય તો પેન્શન મળે છે. જો નેતાઓને આવી રીતે પેન્શન મળતું હોય તો અમે 58 વર્ષ સુધી નોકરી કરીએ તો શા માટે પેન્શન ન મળે?

રાજકોટમાં સાત જિલ્લાના કર્મચારીઓની રેલી
રાજકોટમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો દ્વારા સૌરાષ્ટ્રના કર્મચારીઓની મહારેલી યોજાઈ હતી. રેસકોર્ષ ગ્રાઉન્ડથી જિલ્લા કલેક્ટર કચરી સુધી રેલી યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓ રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર અને કચ્છના કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા હતા અને વોટ ફોર ઓપીએસના બેનરો સાથે નારા લગાવ્યા હતા. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનું નિવેદન આપ્યું હતું કે, જે લોકો અમારી માંગણીને રેવડી સાથે સરખાવે છે તેને જવાબ આપીશું. અન્ય રાજ્યોમાં જે પાર્ટી OPS લાગુ કરશે કર્મચારીઓ ચૂંટણીમાં તેમની સાથે રહેશે.

સુરતમાં વિશાળ રેલી યોજાઈ
સુરતમાં અઠવાલાઇન્સ સ્થિત ચોપાટી ખાતેથી નીકળેલી વિશાળ રેલીમાં શિક્ષકો હાથમાં બેનર અને પ્લે-કાર્ડ લઈ સરકાર સામે દેખાવ અને વિરોધ નોંધાવ્યો હતો. જો માંગણી નહીં સંતોષાય તો આગામી 30મી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી શિક્ષકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષક સંઘ સંયુક્ત મોરચાના નેજા હેઠળ વિશાળ રેલી સુરત ખાતે યોજવામાં આવી હતી. જે રેલી અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેક્ટર સુધી પહોંચી હતી. જ્યાં અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રેલીમાં શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર અને નારેબાજી પણ કરવામાં આવી હતી. શિક્ષકોએ ગરબા કરી સરકાર સામે અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

રાજકોટમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓના કર્મચારીઓ ઉમટ્યા
રાજકોટમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓના કર્મચારીઓ ઉમટ્યા

17મીએ માસ સીએલની ચીમકી
દરમિયાન રેલીમાં ડી.જે. પરથી જાહેરાત કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે ત્યારે જો માંગણીઓ નહીં સંતોષ તો તે દિવસે કર્મચારીઓ માસ સીલ પર ઉતરી જશે. વડાપ્રધાને વિચારવું જોઇએ કે થોડા દિવસોમાં એવું તે શું બન્યું કે પોલીસ સહિત કર્મચારીઓ શાંતિથી બેસતા નથી. શા માટે વડાપ્રધાનના જન્મદિવસે માસ સીલ પર ઉતરવાના હશે? કલેક્ટર કચેરી ખાતે ડી.જે. પરથી સંબોધન કરાયું હતુ કે ગાંધીનગરમાં એમએલએ ક્વાટરમાં બધા સાંજે ભેગા મળીને મામા-માસીના તાળીઓ લેતા હોય છે. એક એવો પણ કાર્યક્રમ બનાવવો જોઇએ કે દરેક વિસ્તારના ધારાસભ્યોને ઘરે જઇને ઘેરાવ કરવો અને આપણો પ્રશ્ન રજૂ કરવો.

1700માં તેલનો ડબ્બોન પણ નથી આવતો
રેલીમાં સામેલ થયેલા કિરણ પટેલ (વડોદરા શહેર સંઘ પ્રમુખ)એ જણાવ્યું હતું કે, કર્મચારીઓના વિવિધ સંગઠનોએ આજે 16 માંગણીઓ પૈકી આજે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી કરી છે. જેમાં કર્મચારી 58 વર્ષે નિવૃત્ત થયા બાદ જીવનપર્યત પેન્શન મળતું હતું. જે હકને સરકારે 2004 બાદ લઇ લીધો છે. જેથી કર્મચારીઓને હવે માત્ર 1500થી 1700 રૂપિયા પેન્શન મળે છે. આટલામાં તો તેલનો ડબ્બો પણ નથી આવતો.

સુરતમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના કર્મચારીઓ ઉમટ્યા
સુરતમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના કર્મચારીઓ ઉમટ્યા

સાંસદ અને MLAને પેન્શન મળે તો અમને કેમ નહીં.
કિરણભાઇએ કહ્યું હતું કે, ધારાસભ્ય હોય કે સંસદસભ્ય ચૂંટાયા બાદ તેમનું પેન્શન શરૂ થઇ જાય છે. આ સિવાય મેડિકલ સહિતની સેવાઓ પણ મળે છે. આ તો લોકોનું શોષણ છે. જ્યારે કર્મચારીઓને હકનું પેન્શન મળતું નથી. જૂની પેન્શન યોજના અમે લઇને રહીશું.

આઉસોર્સિંગ બંધ કરાવવાની માંગણી
ખેડાના વસોથી કોન્ટ્રાક્ટના કર્મચારીઓની માંગણીને લઇને રેલીમાં જોડાયેલા બળવંતભાઇ પરમારે જણાવ્યું હતું કે, અમારી માંગણી છે કે આઉટસોર્સિંગ બંધ કરવું જોઇએ. હાલ અમને માત્ર સાત હજાર રૂપિયા પગાર મળે છે. આમા અમારે છોકરા કેવી રીતે ભણાવવા અને ઘર કેવી રીતે ચલાવવું. છેલ્લા 15 વર્ષથી અમે નોકરી કરીએ છીએ પણ સરકાર અમારુ કશું સાંભળવા નથી માંગતી. અમારી માંગણી છે કે અમને સારો પગાર પણ મળે. રેલીમાં ડીજે પર આણંદના કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવેલ પેન્શનનો ગરબો વગડાવામાં આવ્યો હતો. તેમજ તેના પર કલેક્ટર કચેરીમાં કર્મચારીઓ ગરબે ઘૂમ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...