આ ખબર હશે તો ફાયદામાં રહેશો:LRDની ભરતીમાં રક્ષાશક્તિ યુનિ. ડીગ્રી, NCC તથા સ્પોર્ટ્સનાં સર્ટિફિફેટ ધરાવનારા ઉમેદવારોને 2થી 5 માર્ક્સ સુધીનો ફાયદો

અમદાવાદ2 મહિનો પહેલા
  • લોકરક્ષક દળમાં 10 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે
  • ભરતી માટે 3 ડિસેમ્બરના રોજ શારીરિક પરીક્ષા શરૂ કરવામાં આવશે

રાજ્યમાં લોકરક્ષક દળની 10 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટેની શારીરિક કસોટી 3 ડિસેમ્બરથી શરૂ થશે, જ્યારે માર્ચ મહિનામાં લેખિત પરીક્ષા શરૂ કરવામાં આવી શકે છે. આ નોકરી માટે 9.46 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે અને ભરતીની તૈયારી કરી રહ્યા છે. જોકે સ્પોર્ટ્સનાં પ્રમાણપત્રો, રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી અને NCC સર્ટિફિકેટ ધરાવનારા ઉમેદવારોને પરીક્ષામાં મળેલા કુલ માર્ક્સ પર વધારાના અમુક માર્ક્સ આપવામાં આવશે.

  • રાજ્ય સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ, એન.સી.સીનું 'C' સર્ટિફિકેટ ધરાવનારા ઉમેદવારોને વધારાના 2 માર્ક્સ આપવામાં આવશે.
  • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા અપાતા ડિપ્લોમા અથવા ડીગ્રી પ્રમાણપત્ર ધરાવનારા ઉમેદવારોને વધારાના માર્ક્સ આપવામાં આવશે.
ક્લાસમાર્ક્સ
ડિસ્ટિન્ક્શન5 માર્ક્સ
ફર્સ્ટ ક્લાસ4 માર્ક્સ
સેકન્ડ ક્લાસ3 માર્ક્સ
પાસ ક્લાસ2 માર્ક્સ
  • એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, બૂટબોલ, હોકી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, વોલીબોલ, ટેનિસ, વેઇટ લિફ્ટિંગ, રેસલિંગ, બોક્સિંગ, સાઇકલિંગ, જિમ્નેસ્ટિક, જુડો, રાઇફલ શૂટિંગ, કબડ્ડી, ખો-ખો, તીરંદાજી, ઘોડેસવારી, ગોળાફેંક, નૌકા સ્પર્ધા, શતરંજ, હેન્ડબોલ વગેરેની રમતમાં રાષ્ટ્રીય/ આંતરરાષ્ટ્રીય, અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કર્યું હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે પરીક્ષામાં મળેલા માર્ક્સમાં 5 ટકા માર્ક્સ ઉમેરી આપવામાં આવશે. આવા ઉમેદવારોએ ભરતી બોર્ડ માગે ત્યારે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આવું પ્રમાણપત્ર ધરાવનારા ઉમેદવારોને જ રમત-ગમતના વધારાના માર્ક્સ મળશે.
  • LRD ભરતીમાં વિધવા મહિલા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવા માટે પરીક્ષામાં મળેલા કુલ ગુણના 5 ટકા ગુણ આપવામાં આવશે, પરંતુ આ માટે તેઓ નિમણૂક મળે એ સમયે ફરીથી લગ્ન કરેલા ન હોવા જોઈએ અને ભરતી બોર્ડ માગે ત્યારે તેમને તમામ પુરાવા અને અસલ પ્રમાણપત્ર રજૂ કરવાનાં રહેશે.

લેખિત પરીક્ષા બે કલાકની રહેશે
નોંધનીય છે કે LRD ભરતીમાં લેખિત પરીક્ષામાં દરેક પ્રશ્નના એક ગુણ લેખે કુલ ગુણ 100 રહેશે. પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે. આ પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કમ્પ્યુટર જ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, માનસિક ક્ષમતા, વિજ્ઞાન તેમજ ભારતના બંધારણના પાયાના સિદ્ધાંતો, ભારતીય ફોજદારી અધિનિયમ 1860, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1976 અને ભારતીય પુરાવા અધિનિયમ-1872ને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નો આવરી લેવાશે.

લેખિત પરીક્ષામાં નેગેટિવ માર્કિંગનો નિયમ
આ લેખિત પરીક્ષા MCQ (Multiple Choice Question) અને OMR (Optical Mark Reader) પદ્ધતિમાં લેવામાં આવશે. તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. દરેક પ્રશ્નમાં એક "Not Attempted"નો વિકલ્પ પણ આપવામાં આવશે. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ ન આપવા માગતા હોય તો "Not Attempted" વિકલ્પની પસંદગી કરવાની રહેશે. "Not Attempted" વિકલ્પને પસંદ કરવામાં આવે તો કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં. દરેક સાચા જવાબ માટે એક ગુણ મળશે તેમજ દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ નેગેટિવ રહેશે.

નેગેટિવ માર્કિંગ લેખે ભૂલદીઠ 0.25 માર્ક કાપી લેવાશે
આમ, લેખિત પરીક્ષામાં ઉમેદવારે કરેલી પ્રત્યેક ચાર ભૂલ માટે એનો 1 માર્ક ઓછો થશે. ઉદાહરણ તરીકે જો કોઈ ઉમેદવારની MCQ શીટમાં 10 ભૂલ થઈ હોય તો એના કુલ માર્ક્સમાંથી 2.50 માર્ક્સ ઓછા થઈ જશે. આમ, જો તેને લેખિત પરીક્ષામાં 67 માર્ક્સ મળ્યા હોય તો એ ઘટીને 64.5 માર્ક્સ થઈ જશે, જેની સીધી અસર ઉમેદવારના મેરિટ લિસ્ટ પર થશે.