નવું મંત્રીમંડળ:કેબિનેટમાં એક જ વણિકની ફોર્મ્યુલામાં રાકેશ શાહ કપાયા, પહેલીવાર શહેરના SC ધારાસભ્યને મંત્રીપદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબે પ્રદીપ પરમાર અને જમણે જગદીશ પંચાલની તસવીર - Divya Bhaskar
ડાબે પ્રદીપ પરમાર અને જમણે જગદીશ પંચાલની તસવીર
  • પ્રદીપ પરમાર કેબિનેટ કક્ષાના મંત્રી, જગદીશ પંચાલને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો
  • બુધવાર સુધી એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહનો મંત્રીમંડળમાં સમાવેશ નિશ્ચિત મનાતો હતો

મુખ્યમંત્રી સહિત અમદાવાદને ત્રણ મંત્રી મળ્યા છે જેમાં ઓબીસી કોટામાં નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને કુટિર ઉદ્યોગ અને સહકાર વિભાગના રાજ્યકક્ષા મંત્રી જ્યારે અનુસૂચિત ક્વોટામાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી બનાવાયા છે. ગઈકાલ સુધી એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહને મંત્રીપદ મળશે તે નિશ્ચિત મનાઈ રહ્યું હતું, પણ જ્યારે હાઈકમાન્ડથી મંત્રીઓના નામોની યાદી આવી તેમા રાકેશ શાહનું પત્તુ કપાઈ ગયું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારના મંત્રી મંડળમાં માત્ર એક જ વણિકને મંત્રી બનાવવા સમીકરણો રચાયા હતા અને સુરત મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અંગત ગણાતા હોવાથી રાકેશ શાહની બાદબાકી કરવામાં આવી હતી.

ભાજપના ઈતિહાસમાં અમદાવાદમાં પ્રથમ વખત અનુસૂચિત જાતિના ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રદીપ પરમાર ભાજપના વર્ષો જૂના કાર્યકર્તા છે અને પ્રદીપસિંહ જાડેજાના તેઓ અંગત ગણાય છે. જગદીશ પંચાલ ઓબીસી સમાજમાંથી આવે છે. ઓબીસી મતદારોને આકર્ષવા તેમને મંત્રીપદ મળ્યું છે.

અમદાવાદમાં ભાજપ ઘણા વિસ્તારોમાં વર્ચસ્વ ધરાવે છે. પરંતુ બે જૂથોની વચ્ચે અમદાવાદના ભાજપના નેતાઓ વહેંચાયેલા રહે છે. આ વખતની સરકારમાં કોઈ એક જૂથ બીજા જૂથની સામે વજનદાર થઈ જાય તેવું થયું નથી. અમુક અન્ય નામો પણ મંત્રીપદની રેસમાં મુકાયા હતા પરંતુ હાઇકમાન્ડે લગભગ તટસ્થ ગણાય તેવા ચહેરાઓને જ અમદાવાદમાંથી સરકારમાં પ્રતિનિધિત્વ આપ્યું છે.

નો-રિપીટ ફોર્મ્યુલા અમલમાં મુકાતા પ્રદિપસિંહ અને કૌશિક પટેલ કપાયા
સરકારના બે સિનિયર મંત્રી એવા પ્રદીપસિંહ જાડેજા અને કૌશિક પટેલને નો-રિપિટ ફોર્મ્યુલા અંતર્ગત પડતા મૂકાયા છે. પ્રદીપસિંહ જાડેજાને તાજેતરમાં મોઢાના કેન્સરની સર્જરી થઈ હતી જ્યારે કૌશિક પટેલને હૃદય સંબંધિત બીમારી હતી. આ બંને સિનિયર નેતાઓની બાદબાકી થતા તેમના સમર્થકોમાં અસંતોષ જોવા મળ્યો હતો.

બાબુ જમનાને મંત્રી બનાવવાની ભલામણ પ્રદેશ પ્રમુખે ફગાવી
દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ 2007, 2012 અને 2017થી ધારાસભ્ય છે. તેમને મંત્રી બનાવવા ભાજપના એક સિનિયર મંત્રીએ ભલામણ કરી હતી. સિનિયર મંત્રીએ કહ્યું કે, આ તેમની છેલ્લી ટર્મ છે માટે તેમને એક તક આપવી જોઈએ. જોકે સિનિયર મંત્રીની ભલામણને સી.આર.પાટીલે ધ્યાને લીધી નહોતી.

અન્ય સમાચારો પણ છે...