કોરોના વચ્ચે દશેરાની ઉજવણી:રાજકોટના સ્વાદ પ્રિય લોકો જલેબી-ગાંઠિયાથી દૂર રહ્યાં, ફાફડા-જલેબી માટે સુરત-અમદાવાદમાં લોકોની લાઈન લાગી, સુરતમાં 4 કરોડના વેચાણનો અંદાજ

અમદાવાદ2 વર્ષ પહેલા
સુરત અને અમદાવાદમાં ફાફડા-જલેબી લેવા માટે લોકોની લાઇન જોવા મળી
  • અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ફાફડા અને જલેબીનું વેચાણ
  • રાજકોટમાં 50 ટકા લોકો ઘરની બહારની વસ્તુ ખાવાનું ટાળીને ઘરે જ જલેબી-ફાફડા બનાવે છે
  • સુરતીલાલાઓ લાખો-કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જાય છે

આજે દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાના તહેવારમાં ફાફડા-જલેબી આરોગવા માટે વહેલી સવારથી અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરો સહિત રાજ્યભરમાં ફરસાણની દૂકાનો બહાર દર વર્ષે દશેરા નિમિત્તે લાંબી કતારો જોવા મળતી હોય છે. જોકે આ વર્ષે કોરોના મહામારીના કારણે તહેવારો મનાવવામાં અને બહારની વસ્તુઓ ખાવાથી લોકો બચી રહ્યાં છે. DIVYABHASKAR દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને ચકાસ્યુ હતું કે દશેરા દરમિયાન મહાનગરોમાં કેવો માહોલ છે. જેમાં જાણવા મળ્યું હતું કે, અમદાવાદ અને સુરતમાં અનેક સ્થળોએ ફાફડા-જલેબી લેવા માટે લોકોની લાઇનો લાગી હતી. જ્યારે રાજકોટમાં લોકો જલેબી-ગાંઠિયાથી દૂર રહ્યાં હતા. રાજકોટમાં 50 ટકા ઓછી ઘરાકી જોવા મળી છે. વડોદરામાં 60 ટકા ઘરાકી છે અને 4 કરોડનું નુકસાન થવાની ભીતિ છે તો બીજી તરફ સુરતમાં 4 કરોડના વેચાણનો અંદાજ વેપારીઓ રાખી રહ્યાં છે.

અમદાવાદમાં ફાફડા-જલેબી માટે લાઈન, તમામ વસ્તુઓ પેકિંગમાં વેચાઈ
આજે દશેરાના દિવસે અમદાવાદમાં ફાફડા જલેબી માટે સવારથી લોકો લાઈનમાં લાગ્યા હતા. ફાફડા અને જલેબી લેવા આવનાર લોકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે વેચાણ કરવામાં આવી રહ્યું છે. ગાઈડલાઈન મુજબ પેકિંગ કરેલા વેચાણ કરવાના હોય છે, જેમાં ફાફડા અને ચોળાફળી પેકિંગ કરીને આપવામાં આવી રહ્યાં છે. સાથે જ ગરમ ગરમ જલેબી ઉતારી પેકિંગ કરી આપવામાં આવી રહી છે. ફાફડાનો ભાવ આ વર્ષે 440 રૂપિયા કિલો છે જ્યારે તેલની જલેબી 280 રૂપિયા અને ચોખ્ખા ઘીની જલેબી 600 રૂપિયા કિલો વેચાઈ રહી છે. વહેલી સવારથી જ ફાફડા અને જલેબીનું વેચાણ શરૂ થઈ ગયું છે. દુકાનદાર હાથમાં ગ્લવ્સ અને માસ્ક પહેરી લોકોને વસ્તુ આપી રહ્યા છે.

અમદાવાદમાં ફાફડા-જલેબી પેકિંગમાં જ આપવામાં આવી રહી છે
અમદાવાદમાં ફાફડા-જલેબી પેકિંગમાં જ આપવામાં આવી રહી છે

સુરતઃ દશેરાએ 4 કરોડના ફાફડા-જલેબી વેચાણનો અંદાજ, લોકોએ લાઈનો લગાવી
કોરોના મહામારી વચ્ચે પણ આજે દશેરા પર્વને લઇ શહેરની તમામ ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ફાફડા-જલેબીની ખરીદી માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી છે. દશેરાના પર્વે ચાલી આવતી વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ અવિરતપણે જોવા મળી છે. જોકે, ગત વર્ષ કરતા આ વર્ષે ગ્રાહકોમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. દુકાનદારોનાના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે 4 કરોડના ફાફડા-જલેબી વેચાણનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જે ગત વર્ષે 6-7 કરોડનું વેચાણ હતું. કોરોનાની મહામારી વચ્ચે દુકાનો પર સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય તે માટે સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. આ વર્ષે સીંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે. જેના પગલે માત્ર ફાફડાના ભાવમાં પ્રતિકીલોએ રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે.

સુરતમાં ફાફડાના ભાવમાં વધારો અને જલેબીના ભાવમાં વધારો કરાયો નથી
સુરતમાં ફાફડાના ભાવમાં વધારો અને જલેબીના ભાવમાં વધારો કરાયો નથી

સુરતમાં 15-20 હજાર કિલો જલેબી અને 20-35 હજાર કિલો ફાફડા વેચાણની શક્યતા
સુરતના સુનિલ ભાજીયાવાળા(દુકાનદાર)એ જણાવ્યું હતું કે, આજે દશેરાના પર્વને લઈ સુરતમાં લગભગ 15-20 હજાર કિલો જલેબી અને 20-35 હજાર કિલો ફાફડા વેચાઈ જાય તો નવાઈની વાત ન કહેવાય. સુરતમાં લગભગ 400 જેટલી ફરસાણની દુકાનો છે અને 600 જેટલી આજના દિવસ માટે વેપાર કરતા લોકોની ગણતરી કરીયે તો લગભગ 4 કરોડથી વધારેની કિંમતના ફાફડા જલેબી ખવાય જતા હોય છે.

રાજકોટના સ્વાદ પ્રિય લોકો જલેબી-ગાંઠિયાથી દૂર રહ્યાં
કાઠિયાવાડની શાન ગણાતા અને લોકોને દાઢે વળગે એવા જલેબી-ગાંઠિયાના વેચાણમાં પણ ગ્રહણ લાગ્યું છે. આજે સવારે મર્યાદિત સંખ્યામાં જ લોકો મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ખરીદી કરતા જોવા મળ્યાં હતા. કોરોના મહામારીને કારણે વેપારીઓએ 50 ટકા જ ફાફડા-જલેબી અને મીઠાઈ બનાવી છે. મીઠાઈના વેપારી વાસુદેવ સોમૈયાએ જણાવ્યું હતું કે, તહેવાર ઉપર મીઠાઈનું ખાસ મહત્વ હોય છે. દશેરાના દિવસે લોકો ખાસ કરીને જલેબી-ફાફડા વધુ ખરીદતા હોય છે. પરંતુ કોરોનાની મહામારીમાં અમે 50 ટકા ઘરાકીની આશા લઈને બેઠા છીએ. કારણ કે લોકોને બીક વધારે પડતી છે કે, મીઠાઈ ખાવાથી ગળામાં તકલીફ વધારે થાય. શરદી-ઉધરસ થઈ જાય તેવી સંભાવના રહે છે. આથી લોકો ખાતા બીવે છે. લોકો ઘરે જ ગાંઠિયા બનાવતા થઈ ગયા છે.

રાજકોટમાં દશેરા નિમિત્તે જલેબી-ફાફડાની ઘરાકીમાં ઘટાડો જોવા મળ્યો
રાજકોટમાં દશેરા નિમિત્તે જલેબી-ફાફડાની ઘરાકીમાં ઘટાડો જોવા મળ્યો

રાજકોટ બજારમાં 40 ટકાથી પણ ઓછી ઘરાકી
વરીયા ફરસાણ માર્ટના માલિક ભરતભાઈએ જણાવ્યું હતું કે, દર વર્ષે દશેરામાં હોય છે તેના કરતા આ વર્ષે દશેરાએ કોરોનાના હિસાબે 50 ટકા ઘરાકી છે. 50 ટકા લોકો બહારનું ઓછુ ખાય છે અને ઘરે બનાવીને જ ખાય છે. ધંધામાં ફટકો પડ્યો છે. સદગુરૂ ડેરી ફાર્મના માલિક વલ્લભભાઈએ જણાવ્યું હતું કે, દર વર્ષ કરતા આ વર્ષે કોરોનાની મહામારીને કારણે 40થી 50 ટકા ઘરાકી જેવું છે. બધી જ આઈટમમાં 40થી 50 ટકા ઘરાકી છે. રાજકોટની સ્વાદપ્રિય જનતા છે એટલે વાંધો નથી આવતો બાકી તો આમાં કોઈ આવક રહે નહીં. ભાવમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

વડોદરામાં કોરોનાના કારણે જલેબી-ફાફડાનું વેચાણ ઘટ્યું
વડોદરામાં કોરોનાના કારણે જલેબી-ફાફડાનું વેચાણ ઘટ્યું

વડોદરામાં આ વર્ષે ફાફડા-જલેબીનું 60 ટકા જેટલુ વેચાણ, 4 કરોડના નુકસાનનો અંદાજ
દશેરા દરમિયાન વડોદરા શહેરમાં દર વર્ષે 5થી 6 કરોડ રૂપિયાના ફાફડા જલેબી ખવાઇ જાય છે. જોકે કોરોના મહામારીના કારણે શહેરમાં વેપારીઓને 2 કરોડ રૂપિયાનો પણ ધંધો કરવો મુશ્કેલ બની ગયો છે. ગત વર્ષ કરતા ફાફડા જલેબીનું વેચાણ આ વખતે ઓછુ થયું છે. જેથી વેપારીઓને 3થી 4 કરોડનું નુકસાન જાય તેમ લાગી રહ્યું છે. વડોદરાના ફરસાણના વેપારી મુકેશભાઇએ જણાવ્યું હતું કે, ફાફડાનો ભાવ 400 રૂપિયા અને જલેબી 160 રૂપિયે કિલો છે. તેલ સહિતની વસ્તુઓ મોંઘી થતાં ફાફડનો ભાવ વધ્યો છે. આ વખતે કોરોનાને કારણે ફાફડા જલેબીનું વેચાણ ઓછુ થઇ રહ્યું છે. વેપાર મોહનલાલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે ફાફડા-જલેબીના વેચાણનો ટાર્ગેટ રાખ્યો છે. ગત વર્ષ કરતા આ વખતે ફાફડા-જલેબીનું 60 ટકા જેટલુ વેચાણ થશે અને 40 ટકાનું નુકસાન થશે તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...