તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક:રાજકોટનાં વનિતાબહેને સ્કૂલને Dમાંથી A ગ્રેડ બનાવી, આસપાસના વિસ્તારમાં બે ખાનગી સ્કૂલને તાળાં લાગ્યાં, હવે મળશે નેશનલ ટીચર અવૉર્ડ

રાજકોટ15 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • 2015થી રાજકોટ નગર પ્રાથમિક સમિતિની શાળા નંબર 93 વિનોબા ભાવે સ્કૂલનાં આચાર્યા
  • ધોરણ 10 પછી કોમર્સ અને બાદમાં BBA, M.COM. અને B.ED. સુધી અભ્યાસ કર્યો

કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ ટીચર્સ અવૉર્ડનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ટીચર્સ અવૉર્ડ 5 સપ્ટેમ્બરના રોજ એટલે કે શિક્ષકદિન નિમિત્તે આપવામાં આવશે. આ અવૉર્ડ માટે દેશમાંથી 44 શિક્ષકની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના બે શિક્ષકનો પણ સમાવેશ થાય છે. આ 2 પૈકી એક રાજકોટના નગર પ્રાથમિક શિક્ષણ શાળાનાં આચાર્યા એવાં વનિતાબહેન રાઠોડની પણ પસંદગી કરવામાં આવી છે. ત્યારે વનિતાબહેન સાથે DivyaBhaskarએ ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમનું ડોક્ટર બનવાનું સપનુ હતું, પરંતુ ડોક્ટર નહીં, પણ શિક્ષક બન્યાં. તેઓ એક સાચા અને સારા શિક્ષક બની તેમના થકી બીજા ડોકટરો બને એવું સ્વપ્ન સેવ્યું હતું.

સ્કૂલને Dમાંથી A ગ્રેડ અપાવ્યો, આસપાસની બે ખાનગી સ્કૂલ બંધ થઈ
શિક્ષકદિન નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અવૉર્ડ એનાયત કરવામાં આવશે. જ્યારે રાજકોટના શિક્ષકની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવતાં શિક્ષણજગતમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડી ગ્રેડ શાળાને એ ગ્રેડ સુધી પહોંચાડી બાળકોનો સર્વાંગી વિકાસ કરવા માટે થતા અથાક પ્રયત્નો ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા અવૉર્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહિ, નવાઈની વાત તો એ છે કે આ શાળાની આસપાસના વિસ્તારમાં ચાલતી બે ખાનગી શાળાને તાળા લાગી ગયાં છે અને બાળકો સરકારી શાળામાં અભ્યાસ માટે આવી રહ્યાં છે.

ડોક્ટર બનવાનું હતું સ્વપ્ન
આચાર્યા વનિતાબેન રાઠોડનો જન્મ 10 ઓક્ટોબર 1979ના રોજ જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં થયો હતો અને તેમના પિતા બેંકમાં નોકરી કરતા હતા. ત્રણ ભાઈ-બહેનોમાં વનિતાબહેન ભણવામાં ખૂબ હોશિયાર હતાં અને તેમણે ડોક્ટર બનવાનું સ્વપ્ન સેવ્યું હતું. જોકે ધોરણ 10 પછી અમુક સંજોગોવશાત્ તેઓ ડોક્ટર બની શક્યાં નહીં.ધોરણ 10 પછી કોમર્સ તથા બાદમાં BBA, M.COM અને B.ED સુધી અભ્યાસ કર્યો હતો.

એક સુપરવાઈઝરને કારણે કોમર્સ વિષય પસંદ કરવો પડ્યો
વનિતાબહેને DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ જ્યારે ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યાં હતાં ત્યારે શિક્ષક વિદ્યાર્થીઓને ચોરી કરાવતા હતા અને મને પણ ચોરી કરવા કહ્યું હતું. જોકે મેં સામે ચોરી કરવા મનાઈ કરીને મારી ઉત્તરવહીમાંથી તમે જવાબ લઈ શકશો, એમ કહેતાં તેમણે મારા પેપરમાંથી સપ્લિમેન્ટરી ફાડી ફેંકી નાખી હતી, જેને કારણે માર્ક ઓછા આવતાં કોમર્સ વિષય પસંદ કરવો પડ્યો હતો.

શિક્ષકે પડકાર ફેંક્યોને વનિતાબહેન ખરાં ઊતર્યાં
આ બધા વચ્ચે તેઓ ધોરણ 12માં હતાં ત્યારે તેમણે એક લેખ લખ્યો હતો, જેનું શીર્ષક હતું દેશને સાચા શિક્ષણની નહીં, પરંતુ સાચા શિક્ષકની જરૂર છે. આ સમયે પણ ત્યાંના શિક્ષકે તમે સારા શિક્ષક બની બતાવજો એવું કહેતાં વનિતાબહેને સારા શિક્ષક બનવા માટે મનમાં ગાંઠ વાળી લીધી.

પોસ્ટ માસ્તર અને માર્કેટિંગ મેનેજરની જોબ ઠુકરાવી
વનિતાબહેને પોસ્ટ માસ્તર અને માર્કેટિંગ મેનેજરની જોબ ઠુકરાવી વર્ષ 2004માં વાંકાનેર તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરીની શરૂઆત કરી હતી, જ્યાં પણ ખૂબ સંઘર્ષ કરી બાળકોને અભ્યાસ તરફ વાળવા ઉત્તમ પ્રયાસ કર્યા હતા. એ બાદ અલગ અલગ બદલીઓ થતાં વર્ષ 2015માં રાજકોટ નગર પ્રાથમિક સમિતિની શાળા નંબર 93 વિનોબા ભાવે સ્કૂલમાં આચાર્યા તરીકે પસંદગી કરવામાં આવી હતી.

એક સમયે સ્કૂલમાં છોકરા-છોકરીઓ માટે અલગ શૌચાલય પણ નહોતાં
આચાર્યા તરીકે ચાર્જ સંભાળતી વખતે શાળામાં ભૌતિક સુવિધાઓનો અભાવ હતો. વિદ્યાર્થીઓ પણ ગેરહાજર રહેતા હતા. એટલું જ નહીં, છોકરા-છોકરીઓ માટે અલગ શૌચાલયની પણ વ્યવસ્થા નહોતી. આ પ્રકારની અનેક અગવડતા વચ્ચે વિદ્યાર્થીઓનું જ હિત ઇચ્છતાં વનિતાબહેનની શાળામાં આજે 21 શિક્ષક અને 850 વિદ્યાર્થીની સંખ્યા છે. જ્યારે તેમણે 2015માં આચાર્યા તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારે આ સંખ્યા માત્ર 300 હતી.

શાળામાં 10 બુક આપીને ઊજવાય છે જન્મ દિવસ
શાળા નંબર 93નાં આચાર્યા વનિતાબહેન રાઠોડના માર્ગદર્શન હેઠળ તમામ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત આપવામાં આવે છે તેમજ અહીં જન્મદિવસની ઉજવણી પણ ચોકલેટ વહેંચીને નહીં, પરંતુ 10-10 પુસ્તક ભેટ આપીને કરવામાં આવે છે. જે નિયમ વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે પણ બનાવવામાં આવ્યો છે. શાળામાં અભ્યાસ કરવા આવતાં બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન ન નહીં, તેની સાથે સાથે વેસ્ટમાંથી બેસ્ટ કેમ બનાવવું તેમજ ખાતર કેમ બનાવવું? વૃક્ષારોપણ કેમ કરવું એ સહિતની બાબતો પણ શીખવવામાં આવે છે. એને કારણે ખાનગી શાળા છોડી વિદ્યાર્થીઓ સરકારી શાળા નંબર 93 તરફ વળી રહ્યા છે. ત્યારે અહીંના જ્ઞાન સાથે ગમ્મતના વાતાવરણથી વિદ્યાર્થીઓના વાલીઓ પણ ખુશખુશાલ છે.

વિદ્યાર્થીઓ પણ સમાજની સાચી સેવા કરે એવી અંતરની ઈચ્છા
આચાર્યા વનિતાબેન રાઠોડ પોતાની પાસે અભ્યાસ કરી ચૂકેલાં બાળકોને પૂરતું સારું અને સાચું શિક્ષણ આપી મહેનત કરી રહ્યાં છે. ગર્વ સાથે તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે અભ્યાસ કરી ચૂકેલાં બાળકો પૈકી એક વિદ્યાર્થિની MBBSનો અભ્યાસ કરે છે, 4 વિદ્યાર્થિની નર્સિંગનો અભ્યાસ કરે છે, 4 વિદ્યાર્થી એન્જિનિયર છે, 1 વિદ્યાર્થી CAનો અભ્યાસ કરે છે અને 1 વિદ્યાર્થી આ વર્ષે જર્નલિસ્ટ બનવા ઈચ્છે છે. તેમને આટલેથી સંતોષ નથી, પરંતુ હજુ પણ આ જ રીતે મારા વધુ ને વધુ વિદ્યાર્થીઓ સમાજમાં ડોક્ટર, એન્જિનિયર અને શિક્ષક બની સમાજની સાચી સેવા કરે એવી અંતરની ઇચ્છા છે.