આપનું ‘ઓપરેશન ગુજરાત’:ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું, ભાજપ ગુજરાતને ગમતો નથી, કોંગ્રેસમાં હવે દમ નથી, 2022માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે

અમદાવાદએક મહિનો પહેલા
  • ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ગઈકાલે દિલ્હીમાં કેજરીવાલ સાથે મીટિંગ કરી હતી

ગુજરાતના સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠિયા આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટી(AAP)માં જોડાયા છે. તાજેતરમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની વાત વહેતી થઈ હતી અને કોંગ્રેસ દ્વારા બન્ને નેતાનો સંપર્ક કરીને તેમને સમજાવવામાં આવ્યા હતા. ઈન્દ્રનીલ ગઈકાલે દિલ્હીમાં હતા. તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સાથે મીટિંગ કરી હતી.

કેજરીવાલ પક્ષ માટે નહીં, આમ આદમી માટે લડે છે
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી. એવું દિલ્હી અને પંજાબમાં જીત મેળવી પુરવાર કર્યું છે. પંજાબમાં જીત બાદ ગણતરીના દિવસોમાં કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે તો એક મેસેજ કરો એવું અભિયાન શરૂ કર્યું છે, જે ગુજરાતમાં દેખાતું નથી. હું એવું માનું છું કે અરવિંદ કેજરીવાલ પક્ષ માટે નહીં, AAP માટે લડે છે. આમ આદમીનો પક્ષ અને સરકાર બને એનાથી પ્રભાવિત થયો હતો.

પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવીને બંને નેતાનું સ્વાગત કરાયું.
પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવીને બંને નેતાનું સ્વાગત કરાયું.

આગામી દિવસો આમ આદમી પાર્ટીના છે
તેમણે વધુમાં કહ્યું હતું કે મારું જાહેર જીવન હંમેશાં લોકો માટે રહ્યું હતું. હું કોંગ્રેસમાં હતો, ભાજપ સત્તા પર હોય અને લોકોને મૂર્ખ બનાવવાની અને પક્ષ બની રહે એ મારી દૃષ્ટિએ લાંછન છે. હંમેશાં લોકો માટે મારે મારો સમય આપવો છે. લોકો માટે સમય આપવો હોય તો ભાજપ કરતાં કોંગ્રેસ સારો પક્ષ છે અને આજે આમ આદમી પાર્ટી સારી લાગે છે, એટલે AAPમાં જોડાયો છું. આગામી દિવસો આમ આદમી પાર્ટીના છે. પ્રાઇવેટ હોસ્પિટલને ડોકટરો મળે તો સરકારી હોસ્પિટલમાં ડોકટરો કેમ ન મળે. આજે હું સૌ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને આમ આદમીને કહું છું કે જે લોકો મારામાં વિશ્વાસ રાખતા હોય તથા નીડર ઊભા રહેવાનો માનસિક અનુભવ કર્યો હોય તેઓ સૌ AAPમાં જોડાય એવું ઈચ્છું છું.

ઈન્દ્રનીલે કહ્યું, નરેશ પટેલ હોય ત્યાં મારું કદ વધે, પણ ઘટે નહિ
ભાજપ ગુજરાતને ગમતો નથી. કોંગ્રેસ દમ દેખાડતું નથી. આપ સૌને ગમે છે. મને વિચાર આવ્યો એટલે હું જોડાયો છું. આજકાલ રાજકીય સ્થિતિ છે કે સોદા થયા એવું કહેવાય છે. હું સોદાનો માણસ નથી. ત્યાં મારી પ્રતિષ્ઠા નહોતી એવું નહોતું. અગત્યની વાત એ છે કે ભાજપની સરકાર ન જોઈએ, એ કોંગ્રેસમાં છે નહીં એટલે AAPમાં જોડાયા છીએ. હું પાર્ટી જે નક્કી કરે એમ ચૂંટણી લડીશ. હું લડવા કરતાં પાર્ટીને ઉપયોગી થાઉં, પરંતુ અગત્યતા ચૂંટણી લડવાની નહીં. કોંગ્રેસમાં મારો વ્યક્તિગત વાંધો ન હતો. કોંગ્રેસમાં આયોજનની ક્ષમતા છે. નરેશ પટેલ મારા મિત્ર છે. કોંગ્રેસમાં જોડાવાના છે એ મને ખબર નથી. નરેશ પટેલ હોય ત્યાં મારું કદ વધે, પણ ઘટે નહિ. કોઈપણ સમાજની સારું ઈચ્છતી વ્યક્તિ જોડાતી હોય અને તેમને લાગે તો જોડાય જાય.

આજે સવારે ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા અમદાવાદ પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતા.
આજે સવારે ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા અમદાવાદ પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતા.

કેજરીવાલને મળ્યા અને AAPમાં જોડાવા માટે નિર્ણય કર્યો
વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે રાજકોટમાં અમારાં કામને જોઈ બેવાર જિતાડયા છે. રાજકોટમાં પહેલીવાર AAP લડી અને બીજા નંબરે રહી છે. કાલ કેજરીવાલજીને મળ્યા અને AAPમાં અમે જોડાવવા નિર્ણય કર્યો. શિક્ષણનીતિ અને આરોગ્ય અંગેની માહિતી મેળવી. ગામડાંની સ્કૂલો પણ જોઈ છે. તેમના વિચારો રાષ્ટ્રવાદી છે, પંજાબમાં જે ઠરાવ તેમણે કરાવ્યો છે. ડો. બાબાસાહેબ અને ભગત સિંહની તસવીર જોઈને આનંદ થયો છે. બંધારણ સાચવવું હોય તો ગુજરાતના તમામ દલિતોને જણાવું છું કે આમ આદમી પાર્ટીમાં જોડાવો. ગુજરાતના મુખ્યમંત્રી કહેતા હોય કે ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં પોલીસ ખાતું અને બીજા નંબરે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, જે શરમજનક છે.

ભાજપને 2022માં દૂર કરવા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ અપીલ કરી
આજે હું સૌ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને આમ આદમીને જે લોકો મારામાં વિશ્વાસ રાખતા હોય અને નીડર ઊભા રહેવાનો માનસિક અનુભવ કર્યો હોય તેઓ સૌ આમ આદમીમાં જોડાય એવું ઈચ્છું છું. બહુ વાર લાગશે એવું માનનારા લોકોને કહેવા માગીશ કે આમ આદમીની સત્તાને વાર નથી. સરકાર 2022માં AAPની બનશે. સૌના સહિયારા પ્રયાસથી થોડા જોરના ઝટકા મારવાના છે. ભ્રષ્ટાચારનો ભરડો લઈ ચૂકેલા ભાજપને 2022માં જ દૂર કરીએ એવી ગુજરાતની જનતાને મારી અપીલ છે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે આજે આમ આદમી પાર્ટી માટે ખુશીના સમાચાર છે. આજે અરવિંદ કેજરીવાલના નેતૃત્વથી પ્રભાવિત થઈ કોંગ્રેસના ત્રણ નેતા AAPમાં જોડાઈ રહ્યા છે. કાલે કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા અને કોમલબેન AAPમાં જોડાયાં છે. જેને કામ કરવું હોય, લોકસેવા કરવી હોય તેમના માટે માત્ર AAP વિકલ્પ છે.

ભાસ્કર ઇન્ટરવ્યૂ | એક જ ધ્યેય છે ભાજપનું શાસન જાય : ઈન્દ્રનીલ
ભાસ્કર : કોંગ્રેસ છોડી આપમાં જોડાવાનું કારણ?

રાજ્યગુરુ : કોંગ્રેસ મારું ઘર હતું એટલે તેની ચર્ચા નહિ કરું ફક્ત એક જ બાબત કે કોંગ્રેસમાં લોકોને વિશ્વાસ નથી અને આપ જ વિકલ્પ છે. બીજું આપના રાજકારણમાં લોકસેવા છે અર્ધરાજ્યમાં શ્રેષ્ઠ કામ કર્યું શિક્ષણ અને આરોગ્ય સુધાર્યુ અને પંજાબમાં ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ લાવી તેનાથી આકર્ષાઈ આપ સાથે જોડાયું છું.
ભાસ્કર : ચૂંટણી લડશો કે પછી સંગઠનનો હોદ્દો?
રાજ્યગુરુ : આવી કોઇ ચર્ચા જ નથી થઈ મારે કઈ જોતું પણ નથી. જો મારે ધારાસભ્ય રહેવું હોત તો 2017માં સીટ ન બદલત. મારે કોઇ હોદ્દો કે ટિકિટ જોતી નથી બસ એક જ ધ્યેય છે કે ભાજપનું ગુજરાતમાંથી શાસન જાય તેના માટે કામ કરીશ.
ભાસ્કર : કોર્પોરેશનમાં બે બેઠક મળી હવે શું?
રાજ્યગુરુ : લોકોના પ્રશ્નો સામે લાવીશું, આપના કોર્પોરેટર અને કાર્યકર બધા એક સાથે મળીને કામ કરશે.
ભાસ્કર : તમારી સાથે હજુ કોઇ આવી રહ્યું છે?
રાજ્યગુરુ : મને ઘણા મિત્રોના ફોન આવી રહ્યા છે અને તેઓ જોડાવાની ઈચ્છા રાખે છે.
ભાસ્કર : પહેલા નિષ્ક્રિય રહ્યા ફરી કોંગ્રેસમાં આવ્યા, ફરી નારાજ થયા પછી માની ગયા હવે આપ, એક નિર્ણય પર કેમ રહેતા નથી?
રાજ્યગુરુ : 2017 પછી નિષ્ક્રિય રહેવાનું કારણ એ હતું કે કોંગ્રેસમાં કોઇ વ્યવસ્થા ન હતી. વ્યક્તિગત નારાજગી પ્રચારના આયોજનને લઈ હતી પણ લડત તો ભાજપ સામે ત્યારે પણ હતી તેથી ફરી સક્રિય થયો. કોંગ્રેસે મને ઓછું આપ્યું નથી પણ ભાજપ સામે ફક્ત આપ જ આયોજનબદ્ધ લડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...