વધુ એક કોંગ્રેસીએ ભાજપનો ખેસ પહેર્યો:અમદાવાદમાં પિતા અને ભાઈના પગલે 25 વર્ષ પહેલાં કોંગ્રેસમાં જોડાયેલા રાજેશ બ્રહ્મભટ્ટે અલવિદા કર્યું

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણી નજીક આવતાં જ અનેક નેતાઓ ટિકીટ અથવા મોટો હોદ્દો મેળવવા માટે પક્ષપલટો કરીને અન્ય પક્ષમાં જોડાતાં હોવાના અનેક કિસ્સાંઓ બની રહ્યાં છે. પરંતુ ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે પોતાને ટિકીટ તો મળવાની કોઇ શક્યતા નથી કે સંગઠનમાં પણ કોઇ હોદ્દો મળવાની સંભાવના નહીં હોવા છતાં કોઇ પક્ષ છોડીને અન્ય પક્ષમાં જતાં હોય તેવા કિસ્સાંઓ જવલ્લે જ જોવા મળતાં હોય છે. રાજેશ બ્રહ્મભટ્ટ પિતા પ્રવિણભાઇ તેમ જ મોટા ભાઇ હિતેષભાઇના પગલે પગલે કોંગ્રેસમાં જોડાયાં હતા. 25 વર્ષ સુધી કોંગ્રેસમાં યુવા નેતા તરીકે અનેક કામગીરી બજાવ્યા બાદ આખરે તેઓએ કંટાળીને કોંગ્રસને અલવિદા કરીને ભાજપમાં કેસરી ખેંસ પહેરી લીધો છે.

તેમના નામનો શાહપુર બ્હાઇસેન્ટર ખાતે પ્રવિણ બ્રહ્મભટ્ટ ચોક
આ એ યુવા નેતા છે કે જેમના પિતા પ્રવિણ બ્રહ્મભટ્ટની વિશિષ્ટ કામગીરીની નોંધના ભાગરૂપે જ તેમના નામનો શાહપુર બ્હાઇસેન્ટર ખાતે પ્રવિણ બ્રહ્મભટ્ટ ચોક છે. ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે કેસરી ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયેલાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓબીસી સેલના જનરલ સેક્રેટરી રાજેશ બ્રહ્મભટ્ટે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં યુવાન વયથી એનએસયુઆઇના ઉપપ્રમુખ અને મહામંત્રી બાદ અમદાવાદ શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ, મહામંત્રી તરીકે પણ કાર્ય કર્યું હતું. છેલ્લે ઓબીસી સેલના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી.નારણપુરા,ઘાટલોડિયા તથા ઠક્કરબાપાનગર વિધાનસભાના પ્રભારી તરીકે પણ જવાબદારી ઉપાડી હતી.

ભાજપમાં હું મારા સાથી કાર્યકર મિત્રો સાથે જોડાયો છું
રાજેશે વધુમાં કહ્યું કે, આટલાં વર્ષો દરમિયાન મેં જોયું કે કોંગ્રેસ પાસે નક્કર વિચાર કે વિકાસની માત્ર કલ્પના જ છે. માત્ર મજબૂત કાર્યકરોનો ઉપયોગ અને શોષણ કરી ખર્ચાઓ કરાવે છે અને નેતાઓ કાર્યકરોના તોડ કરે છે. કોંગ્રેસના મોટા અને મજબૂત નેતાઓની, કાર્યકરોની અવગણના થતી રહી એટલે એ બધાં પણ કોંગ્રેસ છોડી જતાં રહ્યાં છે. અત્યારે કોંગ્રેસમાં માત્ર હું, બાવો અને મંગળદાસ જેવી દશા છે. નાની પાર્ટીઓ પણ કોંગ્રેસને ગણકારતી નથી. આ સંજોગોમાં રાજય અને દેશમાં સુકાન નબળો હાથ ન સંભાળી શકે. બીજી બાજુ ભાજપ જે રીતે એના વિકાસ કાર્યોથી ભારતમાં અને વિદેશમાં પણ છવાઇ ગયો છે તે સ્પષ્ટ દેખાયું એટલે ના છૂટકે કોંગ્રેસને અલવિદા કરીને દિલથી ભાજપમાં હું મારા સાથી કાર્યકર મિત્રો સાથે જોડાયો છું. આખરે સાચો ભારતીય તો ભારતનું ભવિષ્ય જ ધ્યાનમાં રાખે.કોંગ્રેસ નાનામાં નાની સંસ્થાનું સંચાલન કરી શકે તેમ નથી. તો રાજયો અને દેશનું સુકાન સંચાલન કેવી રીતે કરી શકે?

કોંગ્રેસ કોણીએ ગોળ લગાવતી રહી
કોંગ્રેસ તરફથી તાજેતરમાં ઉમેદવારોને ટિકીટની ફાળવણી વખતે રાજેશ બ્રહ્મભટ્ટને પહેલાં ઘાટલોડિયા પછી નારણપુરા અને સાબરમતીમાંથી ટિકીટ આપીને કોણીએ ગોળ લગાવતી રહી હતી. ટિકીટ ફાળવણી બાદ પણ કોંગ્રેસના પદાધિકારીઓએ જણાવ્યા પ્રમાણેની ટિકીટ નહીં આપતાં આખરે રાજેશ બ્રહ્મભટ્ટે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...