સાહેબ મિટિંગમાં છે....:રાજેન્દ્ર ત્રિવેદી ભ્રષ્ટાચાર ડામવા નહીં, પોતાનો TRP વધારવા ‘નાયકગીરી’ કરવા લાગ્યા છે! ભાજપના ધારાસભ્યોએ શરૂ કર્યા મતવિસ્તારમાં આંટાફેરા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવ્યા છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

હમણાં-હમણાં નવા મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વડોદરાની ભાષામાં કહીએ તો સોટ્ટા પાડતા બહુ દેખાઈ રહ્યા છે. ક્યારેક અમદાવાદની પોલિટેક્નિક સ્થિત સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં રેડ કરીને લાંચિયા અધિકારીઓને રંગે હાથ ઝડપી લેતા ઓન-કેમેરા લાઈવ જોવા મળે છે. તો વળી, ક્યારેક રિક્ષામાં બેસીને વલસાડની મહેસૂલ ઓફિસમાં ચેકિંગ કરતાં ઓન-કેમેરા લાઈવ દેખાય છે. પોતાના ખાતામાં ન્યૂઝ ચેનલોના કેમેરામેનોને સાથે લઈને લટાર મારતા ત્રિવેદી ખરેખર તો ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા કરતાં ટીવી-ચેનલોમાં પોતાનો TRP વધારવા સોટ્ટાબાજી કરતા હોય એવું મહેસૂલ વિભાગના જ કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યું છે, કારણ કે આટલા દરોડામાં કાર્યવાહી તો કોઈની સામે નથી થઈ!

ગુજરાતમાં ચૂંટણી નજીક છે, એટલે જ તો ધારાસભ્યો કાર્યકરોને ચા-પાણીનું પૂછે છે!
ગુજરાતમાં હવે ચૂંટણીનાં ડાકલાં વાગી રહ્યાં છે. વાત તો એવી છે કે યુપીની ચૂંટણી પતે એની જ રાહ જોવાય છે. આ વહેલી ચૂંટણીની શક્યતાને જોતાં ભાજપના ઘણાખરા ધારાસભ્યોએ તો દેવદર્શનથી માંડીને બાધા-આખડી રાખવાનું પણ શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, છેલ્લાં પાંચ વર્ષમાં જ્યાં ભાગ્યે જ ડોકાયા છે તેવા પોતાના મતવિસ્તારમાં રોજે-રોજ આંટા મારી મતદારો, ટેકેદારો અને પક્ષના કાર્યકરોને ચા-પાણીનું પણ પૂછવા લાગ્યા છે. આનું કારણ એ છે કે પ્રદેશ પ્રમુખ ભાઉસાહેબે ટિકિટના મામલે બહુ કડક રહેવાના હોવાની છાપ ઊપસાવી દીધી છે. આ કારણથી જ ધારાસભ્યોને પોતાનું પત્તું કપાવાની ફડક પેંસી ગઈ છે.

હરિયાળા ગાંધીનગરમાં વૃક્ષ છેદન, ક્યાંથી બનશે ગ્રીન ગુજરાત?
એક બાજુ ભૂપેન્દ્રભાઈની સરકાર હરિયાળું ગુજરાત બનાવવાની જાહેરાત કરે છે ને બીજી બાજુ બેફામ વૃક્ષો કપાય છે. એમાં પણ ગ્રીન કહેવાતા પાટનગર ગાંધીનગરમાં આજકાલ વૃક્ષો વાવવાની જગ્યાએ વૃક્ષ છેદન કરવાની મંજૂરી માટેની અરજીઓની સંખ્યા અચાનક વધી ગઈ છે. નવા સચિવાલયની જ વાત કરીએ તો તેના બ્લોક નંબર-9 માટે નવું પાર્કિંગ બનાવવા બે-પાંચ નહીં, પૂરાં 92 ઘટાદાર વૃક્ષોને કાપવા માટે વન વિભાગ પાસે મંજૂરી માગવામાં આવી છે. આવું તો હજી ગાંધીનગરમાં થયું છે, પણ જરા વિચાર કરી જુઓ, વિકાસ માટે આખા ગુજરાતમાં રોજ કેટલાં વૃક્ષોનું નિકંદન નીકળતું હશે. હવે આમાં ક્યાંથી બનશે હરિયાળું ગુજરાત.

ધારાસભ્યોને ડર છે કે બોર્ડ નિગમમાં ચેરમેન બનાવશે તો ટિકિટ કપાઈ જશે?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવા સમયે જ ભાજપે બોર્ડ-નિગમના ચેરમેનોના ધડાધડ રાજીનામાં માંગી લીધા છે. પણ આ ઘટનાક્રમથી અત્યારસુધી હોદ્દા વિના રહેલા ભાજપના ધારાસભ્યો જ ફફડવા લાગ્યા છે. તેમનામાં હવે ચર્ચાનો વિષય એ બન્યો છે કે, ટર્મ પૂરી થવા આવી છે ત્યારે બોર્ડ-નિગમમાં જે ધારાસભ્યને મુકવામાં આવશે તેની ટિકિટ નક્કી કપાવાની લાગે છે. આમેય ભાજપની નવી ફોર્મ્યુલા એવી બની રહી છે કે, જેને નિગમના ચેરમેન બનાવાશે તેને ધારાસભ્ય પદ નહીં મળે. આમેય ભાજપમાં 'એક વ્યક્તિ એક હોદ્દા'નો નિયમ બહુ જૂનો છે.

ખાણ વિભાગના મતની માઇન્સ ખોદતા હોર્ડિંગ્સે જગાવ્યા કુતૂહલ
ખાણ વિભાગના અધિકારીઓ સરકાર માટે મતની માઇન્સ ખોદવા માંડયા લાગે છે. રાજય સરકારના ખાણ વિભાગના સનદી અધિકારીએ એવી તે ટિપ્સ આપી કે, રાજય સરકાર માઇનિંગના ટેન્ડરની કામગીરી હોર્ડિંગમાં લખીને જાહેરાત કરવા માંડી. આવા હોર્ડિંગ જોઇને અન્ય અધિકારીઓ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, આવી પબ્લિસિટી તો ચૂંટણી નજીક હોય ત્યારે જ થાય. ખાણીયા રાજાઓનાં કામ સરકાર ફટાફટ કરી રહી છે. તેમાં સરકારને કહેવાની કે તેની જાહેરાતો કરવાની જરૂર કયાં છે. પરંતુ વાત એટલી પાક્કી છે કે આ વિભાગ એકશન મોડમાં તો છે જ.

રાજકુમારની વધુ એકવાર બાદબાકી ચર્ચામાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશની ઇકોનોમીને પાંચ ટ્રિલિયને પહોચાડવાના સપનાને સાકાર કરવા ગુજરાત સરકારે IAS અધિકારીઓની કમિટી બનાવી છે. ભારતને પાંચ ટ્રિલિયનની ઇકોનોમી બનાવવા ગુજરાત કેડરના અને છેલ્લે ભારત સરકારમાં નાણા વિભાગના સેક્રટરી રહેલા હસમુખ અઢિયાને જવાબદારી સોંપાઈ છે. તેમની સાથે ગુજરાત કેડરના બીજા પાંચ IASને પણ કમિટીમાં લીધા છે. જોકે એમાં હાલના ચીફ સેક્રટરી અને રાજકુમારને સમાવાયા નથી, જેને લઇને IAS લોબીમાં રાજકુમારને ન લેવાનાં કારણોની ચર્ચા થવા લાગી છે. એવું મનાય છે કે હવે રાજ્ય સરકારને રાજકુમારમાં વધુ રસ રહ્યો નથી અને હવે કોઇ મોટા પોસ્ટિંગ પણ તેમને નહીં અપાય એવું તારણ કઢાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...