વિધાનસભાની એક જ બેઠક પર બે ભાઈઓની જંગ:અમદાવાદની વેજલપુર બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્ર પટેલ સામે પિતરાઈ કલ્પેશ પટેલ આપના ઉમેદવાર

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: આનંદ મોદી

વિધાનસભાની ચૂંટણી હવે ખૂબ નજીક છે. ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને પ્રચાર પણ શરૂ કરી દીધો છે, ત્યારે અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠક પરથી એક જ પરિવારના 2 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. બંને ઉમેદવારો એક જ બેઠક પર અલગ-અલગ પક્ષમાંથી ચૂંટણી લડશે. જોકે, અત્યારે બંને ભાઈ જોરશોરમાં ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે.

ભાજપે જીતેલી બેઠક પર કોંગ્રેસ અને આપના ઉમેદવાર
વેજલપુર વિધાનસભા પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર પટેલ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કલ્પેશ પટેલ ચૂંટણી લડવાના છે. બંને ઉમેદવાર એક બીજાના સગા મામા ફોઈના દીકરા છે. બંને ભાઈઓ પારિવારિક સંબંધ ખૂબ જ સારા છે. બંને ઉમેદવારોથી વેજલપુરના સ્થાનિકો પરિચિત છે. રાજેન્દ્ર પટેલને રાજુભાઇ તો કલ્પેશ પટેલને ભોલાભાઈ તરીકે લોકો ઓળખે છે. બંને ભાઈ આમ તો ભાજપની જીતેલી બેઠક પરથી જ ચૂંટણી લડવાના છે, જેમાં હવે કોને ફાયદો થશે તે પરિણામના દિવસે ખબર પડશે.

વોટબેંકનું જ્ઞાતિગત ગણિત
વેજલપુર વિધાનસભામાં 3,90,000 મતદારો છે. 1,35,000 માઈનોરિટી મતદાર છે. 28,000 પાટીદાર મતદાર, 35,000 દલિત મતદારો, 35,000 બ્રાહ્મણ મતદારો, 30,000 જૈન મતદારો, 90,000 ઓબીસી મતદારો તથા 37,000 અન્ય મતદારો છે. 2017ની ચૂંટણીમાં ભાજપના કિશોર ચૌહાણ 22,000 લીડથી વેજલપુર વિધાનસભા પરથી જીત્યા હતા.

કોંગી ઉમેદવાર મૂળ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા
રાજેન્દ્ર પટેલ(રાજુભાઇ) મૂળ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં જ રહે છે. તે રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 1998માં તેઓ NSUIમાં જોડાયા હતા. 1995થી 2002 સુધી કોંગ્રેસ કોર કમિટીના સભ્ય તરીકે કાર્યરત હતા. 2003થી 2015 સુધી કોંગ્રેસમાં અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ હતા. 2017થી અત્યાર સુધી કોંગ્રેસના ડેલિગેટ પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત પાટીદાર સમાજમાં પણ આગેવાન હતા. અત્યારે સામાજિક સંસ્થા સાથે જોડાઈને સામાજિક કામ પણ કરી રહ્યા છે.

સ્વખર્ચે રોડ બનાવ્યા અને કોરોનાકાળમાં ખડેપગે રહ્યા
કોરોના કાળમાં રાજેન્દ્ર પટેલે 50,000 કરતા વધુ માસ્ક, સેનિટાઇઝર, 60,000 ફૂડ પેકેટ આપીને લોકોની મદદ કરી હતી. આ ઉપરાંત દર વર્ષે વરસાદી પાણીની સમસ્યા માટે પોતાના પંપ વસાવી જે પણ સોસાયટી કે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાય ત્યાં મદદ કરે છે. સરખેજ વિસ્તારમાં પોતાના ખર્ચે 1 કિમી જેટલો રોડ બનાવ્યો છે. આ ઉપરાંત સરખેજમાં દલિતોની સ્કૂલ બનાવવામાં પણ તેમનો મોટો ફાળો છે.

બહારની પાર્ટીને કોઈ નહીં સ્વીકારે
રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 3 મહિનાથી અમે ચૂંટણીની તૈયારી કરી રહ્યા હતા. તમામ વોર્ડના કાર્યાલય શરૂ કરી દેવામાં આવ્યા હતા. 5 વોર્ડના પ્રમુખને કામે લગાવવામાં આવ્યા હતા. ગત વખતે મિહિર શાહ કોંગ્રેસમાંથી 22000 લીડથી હાર્યા હતા, તે લીડ કવર કરીને જીતવા માટે પૂરી તૈયારી કરી દીધી છે. આમ આદમી પાર્ટી કે AIMIM પક્ષને ક્યારેય ગુજરાત નહીં સ્વીકારે, જેથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની જ વેજલપુરમાં લડાઈ છે. AIMIM માઈનોરિટી પાર્ટી છે પરંતુ તે બહારની છે માટે ક્યારેય લોકો નહીં સ્વીકારે.

આપ કોંગ્રેસના વોટ નહીં તોડી શકે
તેમના ભાઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તે અંગે રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની કોઈ સંગઠન નથી. સંગઠન જરૂરી હોય છે. ત્રીજી પાર્ટી અહીં નહીં ચાલે અને ત્રીજી પાર્ટીને ગુજરાત સ્વીકારશે નહીં. સ્કૂલ મોડલથી વોટ માંગી રહ્યા છે, પરંતુ કોઈ વોટ નહીં આપે. આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ તોડવા આવ્યું છે, પરંતું કોંગ્રેસના વોટ નહીં તોડી શકે.

આપના ભોલા પટેલ 2007માં કોંગ્રેસના ઉમેદવાર રહ્યા!
કલ્પેશ પટેલ છેલ્લા 20 વર્ષથી જોડાયેલા હતા. 2007માં કોંગ્રેસમાંથી એલિસબ્રિજ વિધાનસભા પરથી ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. ત્યારબાદ તેમને 2012 અને 2017માં વેજલપુર વિધાનસભાની ટિકિટ માંગી હતી, પરંતુ કોંગ્રેસે આપી નહોતી. જેથી 2022ના જુલાઈ મહિનામાં કોંગ્રેસ સાથે છેડો ફાડી તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 3 દિવસથી કલ્પેશ પટેલે વેજલપુરમાં પોતાના ખર્ચે રોડ રસ્તા બનાવવાનું શરૂ કર્યું છે. કલ્પેશ પટેલ સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલા છે.

પટેલ કહે છે લોકો પરિવર્તન ઈચ્છે છે
કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, લોકો પરિવર્તન ઈચ્છે છે. મારો ભાઈ કોંગ્રેસમાથી ચૂંટણી લડે છે, પરંતુ કોંગ્રેસ કે મારો ભાઈ પ્રચાર કરતા હોય તે મારી જાણકારીમાં જ નથી. રાજેન્દ્ર પટેલ છેલ્લા 2 વર્ષથી ઇલેક્શન માટે એક્ટિવ થયા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ ટક્કર છે. કોંગ્રેસ હરીફાઈમાં જ નથી. લોકોએ કોંગ્રેસનો ટ્રાય કરી લીધો છે. કોર્પોરેશનમાં પણ AIMIMને મોકો આપ્યો પરંતુ, કોઈ કામ ન કર્યું. એટલે હવે આમ આદમી પાર્ટી કામ કરશે. શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર જેવી સવલતો આમ આદમી પાર્ટી આપશે.

અમારી સરકારી બની તો ગરીબ, મિડલ અને અપર મિડલ ક્લાસને ફાયદો
આમ આદમી પાર્ટીની સરકાર બનશે, તો મિડલ ક્લાસ, ગરીબ અને અપર મિડલ ક્લાસને ફાયદો થશે. કોંગ્રેસ 2 ટર્મથી મને ઇગ્નોર કરતું હતું, જેથી હું નિષ્ક્રિય થયો હતો. દિલ્હીમાં મેં આમ આદમી પાર્ટીનું કામ જોયું હતું, જેથી હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. ભાજપમાં બહુ નેતા છે. મોટા નેતા વચ્ચે કામ કરવામાં અકળામણ થાય એટલે ભાજપમાં ના જોડાયો. આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ નથી. કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાય છે, તો બી ટીમ કોણ તે સમજવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...