કોંગ્રેસ રામ (રઘુ) ભરોસે:ચૂંટણી ટાણે જ રાજસ્થાનનો જૂથવાદ ગુજરાતને નડશે, પ્રિયંકા ગાંધીના રોડ શોની તૈયારીઓ અંગે અસમંજસ

અમદાવાદ2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ રાજસ્થાન કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ શરૂ થતાં ગુજરાત કોંગ્રેસની ચૂંટણી તૈયારીને પણ અસર થવાની આશંકા સેવાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર તરીકે અશોક ગેહલોતની નિમણૂક કરાઈ હતી, જેઓ હાલ રાજસ્થાનના મુખ્યમંત્રી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજસ્થાનના આરોગ્યમંત્રી છે. લોકસભાદીઠ નિમાયેલા પ્રભારી અને વિધાનસભાના મોટા ભાગના ઇન્ચાર્જ ગેહલોત ગ્રુપના છે, જેથી હવે રાજસ્થાનની રાજકીય ઘમાસણમાં આ નેતાઓ હાલ ગુજરાતમાં ધ્યાન આપી શકે તેમ નથી. કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસ પર રાજસ્થાનની ઊથલપાથલ અસર કરી શકે એમ છે. ગુજરાતમાં પ્રિયંકા ગાંધીનો આગામી સમયમાં યોજનારા રોડ શો અને મહિલા સંમેલન સહિતના કાર્યક્રમો યોજાશે કે નહીં એ અંગે હાલ સવાલો ઊભા થયા છે.

પ્રિયંકા ગાંધી તરફથી હજી જવાબ નથી આવ્યો
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવતીકાલથી રાજકોટથી યાત્રાનો પ્રારંભ થશે. જ્યાં સુધી પ્રિયંકા ગાંધીના કાર્યક્રમની વાત છે ત્યાં ગુજરાત કોંગ્રેસ દ્વારા તેમને નવરાત્રિમાં ગરબા રમવા, માતાજીનાં દર્શન કરવા તથા મહિલા સંમેલનમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેમના તરફથી હજી કોઈ ઉત્તર ગુજરાત કોંગ્રેસને મળ્યો નથી, કારણ કે ભારત જોડો યાત્રા પણ હાલમાં ચાલુ છે, જેના કારણે પ્રિયંકા ગાંધી તરફથી આમંત્રણનો ઉત્તર આવવામાં થોડું મોડું થયું છે.

અમદાવાદમાં ગરબા અને પાવાગઢમાં માતાજીનાં દર્શનનો કાર્યક્રમ હતો
રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો યાત્રામાં સમય આપી રહ્યા છે ત્યારે પ્રિયંકા ગાંધી આગામી ચૂંટણીને લઈને ગુજરાત મુલાકાતે આવવાનાં હતાં. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. નવરાત્રિના અંતિમ દિવસોમાં પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાનાં હતાં. ગુજરાતમાં સૌપ્રથમ તેઓ પાવાગઢ દર્શન કરીને પ્રચાર શરૂ કરવાનાં હતાં. ત્યાર બાદ તેમનો રોડ શો યોજાવાનો હતો. અમદાવાદમાં ગરબામાં હાજરી આપીને તેઓ ગરબા પણ રમવાનાં હતાં. ગુજરાત કોંગ્રેસના આમંત્રણને લઈને હજી સુધી તેમના તરફથી કોઈ ઉત્તર નહીં મળતાં કોંગ્રેસના નેતાઓ પણ ચિંતામાં મુકાયા છે.

કાર્યક્રમ અંગે દિલ્હી વાતચીત ચાલે છેઃ ભરતસિંહ સોલંકી
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ અગાઉ જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધીને ગુજરાત આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રિયંકા ગાંધી માટે કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે. કયા દિવસે અને કયા કયા કાર્યક્રમમાં તેઓ હાજરી આપી શકે એ માટે દિલ્હી વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં ચોક્કસ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

રાજસ્થાનના બંને નેતા ગુજરાત પર ધ્યાન આપી શકે એમ નથી
રાજસ્થાનમાં આ પ્રકારની સ્થિતિથી કોંગ્રેસને કોઈ નુકસાન નથી, કારણ કે ત્યાં મુખ્યમંત્રી તો કોંગ્રેસના જ બનશે, પરંતુ આ ઘટનાની અસર ગુજરાત પર ખૂબ જ ઊંડી પડશે. ગુજરાતમાં કોંગ્રેસને આ વખતે કંઈક નવું થવાની આશા હતી એના પર હવે પાણી ફરી વળ્યું છે, કારણ કે વિવાદમાં રહેલા નેતાઓ પૈકી 2 નેતા તો સીધી જ રીતે ગુજરાત સાથે સંકળાયેલા છે. અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાત કોંગ્રેસના ચૂંટણી ઇન્ચાર્જ પણ છે, જ્યારે રઘુ શર્મા ગુજરાતના પાર્ટી ઇન્ચાર્જ છે. હવે રાજસ્થાનમાં જ રાજકીય ઊથલપાથલ વચ્ચે આ બન્ને નેતા પૈકી એકપણ નેતા ગુજરાત પર ધ્યાન આપી શકે એમ નથી.

કોંગ્રેસ માટે ગુજરાતમાં સ્થિતિ વિપરીત બની શકે છે
બીજી તરફ રાષ્ટ્રીય સ્તરે પરિવારવાદ અને જૂથવાદનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે હવે રાજસ્થાનમાં પેદા થયેલી સ્થિતિને કારણે ભારે અસહજ થવું પડી રહ્યું છે, જેની સીધી અસર ગુજરાત પર પણ પડી રહી છે. ગુજરાત કોંગ્રેસ માટે તો આ ઘટનાક્રમ દુકાળમાં અધિક માસ સમાન છે. ગુજરાત કોંગ્રેસ પહેલાંથી જ જૂથવાદને ખાળવા માટે મથી રહ્યું છે. એવામાં આ તમામ મુદ્દાને બાંધીને ચાલતા નેતા અશોક ગેહલોત અને રઘુ શર્મા બન્ને હવે પોતાના રાજ્યમાં વ્યસ્ત છે ત્યારે ગુજરાતમાં સ્થિતિ વિપરીત બની શકે છે. ગુજરાતમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવે અને સ્થિતિ બરોબર ચૂંટણી પહેલાં જ ડામાડોળ થાય એવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...