પોલીસના ઘરમાં ચોરી:ક્રાઈમ બ્રાંચમાં બનેલા શહીદ વસંત-રજબના સ્મારકમાંથી રજબની તકતી ચોરાઈ

અમદાવાદ11 દિવસ પહેલાલેખક: ઝાહીદ કુરેશી
  • કૉપી લિંક

1 જુલાઈ 1946માં જમાલપુરમાં ફાટી નીકળેલા કોમી તોફાનોની આગને ઠારવા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણી નામના બે વીરજવાનોની યાદમાં ક્રાઈમ બ્રાન્ચની મુખ્ય કચેરીમાં બનાવેલા વસંતરજબ મેમોરિયલ (સ્મારક)ની પાસે બે વીરોના નામમાંથી રજબના નામની તક્તી કોઈ ચોરી ગયું છે.

ક્રાઈમ બ્રાંચની કચેરી એટલે કે ગાયકવાડ હવેલીમાં પ્રવેશતા ગાયકવાડી ઈમારતને તત્કાલીન ક્રાઈમ બ્રાંચના વડા હિમાંશુ શુકલાએ જાતે રસ લઈને મેમોરિયલની સ્થાપના કરી હતી. આ સ્મારકમાં વસંત રજબના ડાયોરામા છે જેમાં વસંત રજબે કેવી રીતે આત્મ બલિદાન આપ્યું હતું તે સમગ્ર ઘટનાનું નિરૂપણ કરે છે. આ સિવાય સ્મારકમાં વસંતરાવ હેગિષ્ટેના જૂતાં અને રજબઅલીના ચશ્મા જેવી તેમની વસ્તુઓ પર પ્રદર્શન સ્વરૂપે મુકવામાં આવી છે. આ સ્મારકનુ 2015માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ઉદ્ઘઘાટન કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મેમોરિયલના મુખ્ય દ્વારની પાસે આ બંને વીરોના મુકેલી તસવીર સાથેની તક્તીમાંથી વસંત અને રજબના બે નામ જે તાંબા-પિત્તળથી લખાયેલા હતા તેમાંથી રજબનું નામ ગાયબ થઈ ગયું છે. ક્રાઈમ બ્રાન્ચના નાક નીચે આવેલા આ સ્મારક સાથે આવી ચેષ્ટા થઈ તે શરમજનક છે. દેશની શાંતિ માટે આત્મબલિદાન આપનારા આ વીરોના સ્મારકની સાચી જાળવણી થાય તે ઈચ્છનીય છે.

1 જુલાઈએ શહીદોની વર્ષી ઉપર પણ કોઈનું ધ્યાન ન ગયું
વસંત અને રજબની શહીદીની વર્ષી 1 જુલાઈએ ઉજવાઈ ગઈ. વસંત-રજબ ચોક મહાજનના વંડા પાસે બંને વીરોને શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ ગાયકવાડ હવેલીના સ્મારક ખાતે કોઈ ચેડાં કરી ગયું તેના પર કોઈનું ધ્યાન પણ ગયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...